ગુજરાત: (Gujarat) આસામમાં એક જાહેર સભાને સંબોધતી વખતે રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા કરવામાં આવેલા એક નિવેદનનો ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, અને રાહુલ ગાંધીએ ગુજરાતનું અપમાન કર્યું હોવાથી માફી માંગે તેમ કહીને ભાજપ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. તમામ મહાનગરોમાં ભાજપ (BJP) દ્વારા કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Election) નજીકમાં છે ત્યારે ભાજપને આ મુદ્દો મળી ચુક્યો છે જેને ભાજપ ગુમાવવા માંગતું નથી. જેના કારણે હાલ સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા કોંગ્રેસનો (Congress) ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને પગલે આજે અમદાવાદના પાલડી સ્થિત આવેલી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની સામે ભાજપના સિનિયર આગેવાનો સહિત કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરી દેખાવો યોજયા હતા, અને રાહુલ ગાંધી માફી માગેના સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરતમાં પણ આ બાબતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. આસામના ચાના ગુજરાતી વેપારીઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતાની સાથે જ ગુજરાતની જનતાનો અપમાન કર્યો હોય એ પ્રકારની વાત સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવ્યો હતો.
આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા ડૉ. મનીષ દોશી સહિત અનેક કોંગ્રેસ કાર્યકરોએ ભાજપના વિરોધ પ્રદર્શનની સામે સૂત્રોચ્ચાર કરી વળતો જવાબ આપ્યો હતો. આમ એક તબક્કે ભાજપ અને કોંગ્રેસ સામસામે સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. જોકે મામલો વધુ ન વણસે તે માટેે પોલીસે મોરચો સંભાળ્યો હતો. ભાજપના નેતાઓએ માંગ કરી છે કે રાહુલ ગાંધીએ ગુજરાતી પ્રજાની માફી માગવી જોઈએ .જો તે માફી નહીં માંગે તો આગામી દિવસોમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરીશું વિરોધ પ્રદર્શનમાં શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ, ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.
રાજકોટ અને વડોદરામાં પણ વિરોધ નોંધાયો હતો. રાજકોટના કિસાન પરા ચોક ખાતે ભાજપના આગેવાનો દ્રારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. મહિલા કાર્યકરોએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીના નામના છાજીયા લીધા હતા. વડોદરામાં ભાજપ દ્વારા વિરોધ કરાયો હતો. કોંગ્રેસ કાર્યલયનો ઘેરાવ કરાયો હતો. રાહુલ ગાંધી માફી માંગે એવી ભાજપે માંગ કરી હતી. કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરીને વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યું છે.