વલસાડ : વલસાડથી પસાર થતી ટ્રેનોમાં રાત્રી દરમિયાન જો તમારી આંખ લાગી જાય અને તમને ઝોંકુ આવી જાય તો અહીંથી તમારો સામાન અચૂક ચોરાઇ જતો હોય છે. વલસાડ રેલવે પંથકમાં આવી ચોરીની ઘટના અચૂક બનતી રહેતી હોય છે.
- ચોરટાઓ ગાર્ડને પણ નથી છોડતા, મોબાઇલ અને પર્સની ચોરીના બનાવો વધ્યા
હાલ જ અહીં જુદી જુદી ટ્રેનોમાં ચોરીની 3 ઘટના નોંધાઇ છે. જેમાં ગાર્ડ બોગીમાંથી અને પેસેન્જર બોગીમાંથી મોબાઇલની ચોરી અને અન્ય એક પર્સની ચોરીની ઘટના બની છે. તસ્કરો હવે પેસેન્જર ડબ્બા બાદ ગાર્ડ ડબ્બામાં પણ હાથ અજમાવતા થઇ ગયા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ સ્ટેશનથી પસાર થતી સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસના ગાર્ડની બોગીમાંથી રેલવે કર્મચારી અર્શદ અલી શેખનો મોબાઇલ કોઇ ચોરી ગયો હતો.
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના કોચમાંથી પરાગ તન્ના નામના મુસાફરનો મોબાઇલ ફોન પણ કોઇ ચોરી ગયો હતો. જ્યારે ગોરખપુર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી શમિમ નિવાસનું પર્સ કોઇ રાત્રી દરમિયાન ચોરી ગયો હતો. જેમાં રૂ. 700 તેમજ કેટલાક ડોક્યુમેન્ટ હતા.
આ ચોરીની તમામ ઘટનાઓ સંદર્ભે વલસાડ રેલવે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.