આરોપી સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો અને રાજસ્થાન તથા મહારાષ્ટ્ર લઈ ગયો હતો
સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી ચાર વર્ષની સખત કેદ અને રૂ 10,000નો દંડ ફટકાર્યો
( પ્રતિનિધિ) વડોદરા તા. 03
શહેરના નવાપુરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી અને ધોરણ 9 માં અભ્યાસ કરતી સગીરાને વિસ્તારમાં રહેતો 19 વર્ષીય યુવક લગ્નની લાલચે ભગાડી ગયો હતો અને રાજસ્થાન તથા મહારાષ્ટ્ર ખાતે લઇ જ ઇ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જેમાં પોલીસે બંનેને શોધી કાઢ્યા હતા આ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 4 વર્ષની સખત કેદની સજા સાથે જ રૂ.10,000નો દંડ ફટકાર્યો હતો અને દંડ ન ભરે તો વધુ એક મહિનાની કેદની સજા ફટકારી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના નવાપુરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી સગીરા ધોરણ -9મા અભ્યાસ કરતી હતી. પરિવારમાં ચાર ભાઇ બહેનો છે. સગીરાને કમળો થયો હોય તે શેરડીનો રસ લેવા માટે શહેરના ખંડેરાવ માર્કેટ ગઈ હતીપરંતુ મોડી રાત સુધી પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. છતાં સગીરાનો કોઇ પત્તો લાગ્યો ન હતો. તે દરમિયાન તે જ વિસ્તારમાં આવેલા બળિયાદેવ મંદિર પાસે લાલબાગ, કુંભારવાડા ખાતે રહેતો યશ વિલાસરાવ પવાર નામનો 19 વર્ષીય યુવક સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હોવાનું જાણવા મળતાં પરિવારે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે પોલીસે બંનેને શોધી કાઢ્યા હતા જેમાં તપાસ દરમિયાન આરોપી યશ પવાર સગીરાને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં લઈ ગયો હતો. જ્યાં રાજસ્થાનના ઉદેપુર બસ ડેપોમાં યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં કોર્ટે વકીલની દલીલો, પૂરાવાઓ અને સાક્ષ્યને ધ્યાનમાં રાખીને આરોપી યશ વિલાસ પવારને કસૂરવાર ઠેરવી 4 વર્ષની સખત કેદ સાથે જ રૂ.10,000નો દંડ ફટકાર્યો હતો અને જો દંડની રકમ ન ચૂકવે તો વધુ એક મહિનાની કેદની સજા ફટકારી હતી.