Vadodara

બરોડા ડેરીના દૂધના ભાવ વધારા સામે શહેર કોંગ્રેસનો વિરોધ


ખાલી દૂધની થેલીનો હાર પહેરીને કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ, ભાવ ન ઘટે તો ઉગ્ર આંદોલનની ચીમકી

વડોદરા: શહેરમાં આજે બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં કરવામાં આવેલ વધારો સામે શહેર કોંગ્રેસ દ્વારા અનોખું અને શાંતિપૂર્ણ વિરોધ કાર્યક્રમ યોજાયો. શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશી સહિતના આગેવાનો ખાલી દૂધની થેલીનો હાર પહેરીને બરોડા ડેરીની બહાર પહોંચ્યા અને ડેરીના એમડીને આવેદનપત્ર પાઠવીને ભાવ વધારો પરત ખેંચવાની માગણી કરી. સાથે જ જો ભાવ વધારો પાછો લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

રૂત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, “મોંઘવારીના ભરડામાં સામાન્ય જનતા દબાઈ રહી છે. હાલના સમયમાં પેટ્રોલ, ડીઝલ કે ઘાસચારાના ભાવમાં કોઈ વધારો થયો નથી, છતાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કરવામાં આવ્યો છે. ચાર વ્યક્તિઓના પરિવારમાં દૈનિક દૂધની જરૂરિયાત પર વિચારીએ તો આ ભાવ વધારો સામાન્ય માનવીના ખિસ્સા પર ભારે બોજ ઊમેરે છે.” કોંગ્રેસના કાર્યકર્તાઓએ વેલણ વડે થાળી વગાડી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું.

બરોડા ડેરીના એમડી અજય જોશીએ વિરોધ કાર્યોના આગેવાનોથી આવેદનપત્ર સ્વીકાર્યું અને વિગતો સાંભળી. બીજી તરફ બરોડા ડેરીના ચેરમેન દિનુ મામાએ સ્પષ્ટતા આપતા જણાવ્યું કે, “દૂધના ભાવમાં વધારો માત્ર બરોડા ડેરી દ્વારા નહિ, પરંતુ સમગ્ર રાજ્યની મોટાભાગની ડેરીઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ વધારાનો લાભ સીધો પશુપાલકો સુધી પહોંચે તે માટે કિલો દીઠ ફેટની ચૂકવણીમાં પણ વધારો કરાયો છે. પશુપાલન સરળ કાર્ય નથી, દૂધની ગુણવત્તા જાળવવી પણ ચિંતાજનક છે. કોંગ્રેસને ક્યાંક ભાવ વધારો માત્ર વડોદરામાં જ દેખાય છે!”

Most Popular

To Top