Business

ગોવાના લૈરાઈ દેવી મંદિરમાં ભાગદોડ મચતા 6 શ્રદ્ધાળુંના મોત, 50 ઘાયલ

ગોવાના શિરગાંવ (Shirgao) ખાતે લેરાઈ દેવી મંદિરમાં વાર્ષિક લેરાઈ જાત્રા દરમિયાન ભીડમાં ભાગદોડ મચી જવાને કારણે 6 લોકોના મોત નીપજ્યા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના વહેલી સવારે લગભગ 4-5 વાગ્યે બની, જ્યારે હજારો શ્રદ્ધાળુઓ ઉત્સવમાં ભાગ લેવા એકઠા થયા હતા.

ઉત્તર ગોવાના શિરગાંવમાં લેરાઈ દેવી મંદિર ખાતે 3 મે, 2025ના રોજ વહેલી સવારે 3-5 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. મેમના ધારાસભ્ય પ્રેમેન્દ્ર શેટના જણાવ્યા અનુસાર, ઢોળાવવાળા વિસ્તારમાં કેટલાક શ્રદ્ધાળુઓ નીચે પડ્યા, જેના કારણે ભીડમાં ભાગદોડ મચી હતી. આ ઘટનાએ અફરાતફરીનું વાતાવરણ સર્જ્યું હતું.

ઉત્તર ગોવાના એસપી અક્ષત કૌશલે જણાવ્યું કે, 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું કે, 50,000થી વધુ લોકો આ જાત્રામાં હાજર હતા, અને 50થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને મળ્યા. તેમણે જણાવ્યું કે, આ પ્રકારની ભાગદોડની ઘટના ગોવામાં પ્રથમ વખત બની છે.

ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે, અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. લોકસભા અધ્યક્ષે શોકસંદેશમાં શોકાકુળ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.

નોંધનીય છે કે, લેરાઈ જાત્રા એ ગોવાનો એક પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ છે, જેમાં દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ ભાગ લે છે. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં શોકનું મોજું ફેલાવ્યું છે, અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે ભીડ નિયંત્રણના પગલાંની ચર્ચા શરૂ થઈ છે.

Most Popular

To Top