ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા કઠિન નિર્ણયોથી પાકિસ્તાન ડરી ગયું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થાનિક વહીવટીતંત્રે સરહદ નજીક રહેતા લોકોને બે મહિના માટે ખાદ્ય પદાર્થોનો સ્ટોક કરવા અપીલ કરી છે. સમાચાર એજન્સી AFPના અહેવાલ મુજબ PoKના વડા પ્રધાન ચૌધરી અનવરુલ હકે વિધાનસભામાં જણાવ્યું હતું કે 13 મતવિસ્તારોમાં બે મહિના માટે ખાદ્ય પુરવઠો સંગ્રહિત કરવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. સામાન્ય લોકોથી લઈને રાજકારણીઓ સુધી દરેક વ્યક્તિ પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આખો દેશ એકમત થઈને ભારત સરકારને વિનંતી કરી રહ્યો છે કે હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ને ભારતમાં પાછું લાવવાનો સમય આવી ગયો છે. તેવામાં પાક પીએમ દ્વારા પીઓકેના લોકોને બે મહિના માટે રાશનનો સ્ટોક રાખવા સૂચના આપવામાં આવી હતી.
1 અબજ રૂપિયાનું ઇમરજન્સી ફંડ બનાવવામાં આવ્યું
આ 13 મતવિસ્તારોમાં ખોરાક, દવાઓ અને અન્ય તમામ મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવા માટે 1 અબજ રૂપિયાનું ઇમરજન્સી ફંડ પણ બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે નિયંત્રણ રેખા પાસેના વિસ્તારોમાં રસ્તાઓની જાળવણી માટે સરકારી અને ખાનગી મશીનરી પણ તૈનાત કરવામાં આવી રહી છે.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને તાજેતરમાં કહ્યું હતું કે તેમની પાસે વિશ્વસનીય પુરાવા છે કે ભારત હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ડરને કારણે પીઓકેમાં પાકિસ્તાની અધિકારીઓએ ગુરુવારે (1 મે, 2025) 10 દિવસ માટે 1000 થી વધુ ધાર્મિક શાળાઓ બંધ કરી દીધી છે. 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલા પછી ભારતે આતંકવાદીઓ તેમજ તેમના ઠેકાણાઓનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.