Dakshin Gujarat Main

વાપીના 13 વર્ષીય અનિશની બંને કિડની ફેઈલ થઈ, સરકારી યોજના સહારો બની, ફ્રીમાં ઓપરેશન થયું

વલસાડઃ વલસાડ જિલ્લાના વાપીનું એક એવું ગરીબ પરિવાર કે જેના 13 વર્ષીય બાળકની બંને કિડની ફેઈલ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા મારફતે કિડની મેળવવા માટે હાથ જોડી સૌને અનુરોધ કર્યો હતો ત્યારે 1 કરોડમાં કિડની મળશે અને તેને ટ્રાન્સપલાન્ટ કરવા માટે 20 લાખનો ખર્ચ થશે એવું ખાનગી હોસ્પિટલમાંથી જાણવા મળતા આ ગરીબ પરિવારના હોંશ ઉડી ગયા હતા.

  • શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ બાળક માટે વરદાનરૂપ સાબિત થયો
  • વલસાડ સિવિલ બાદ વિદ્યાર્થીને અમદાવાદ રિફર કરાયો હતો
  • સુરતના બ્રેઇન ડેડ વ્યકિતની કીડનીનું દાન મળ્યું
  • ખાનગી હોસ્પિટલમાં એક દવાના 50 હજાર અને એક ઈન્જેક્શનનો ખર્ચ 84 હજાર કહ્યો હતોઃ માતા રીટા યાદવ

માતા પિતાને થયું કે, આટલા બધા પૈસા ક્યાંથી લાવીશું? અમારો લાડકવાયો અમારો ગુમાવી દેવો પડશે? કેવી રીતે દીકરાનો જીવ બચાવી શકીએ? એવા અનેક મૂંઝવણભર્યા પ્રશ્નોનું વંટોળ મનમાં ઉઠયું હતું. દીકરાનો માસૂમ ચહેરો જોઈ મા-બાપની આંખોમાંથી દિવસ રાત સતત અશ્રુધારા વહી રહી હતી. આ કપરી પરિસ્થિતિમાં સરકારશ્રીનો શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અને સંદર્ભ કાર્ડ યોજના ગરીબ પરિવાર માટે વરદાનરૂપ સાબિત થઈ.

ખાનગી હોસ્પિટલોએ 1.20 કરોડનો ખર્ચ કહ્યો હતો અને કેવી રીતે નિઃશુલ્ક કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ, કેવી રીતે આ યોજના ઉપયોગી થઈ? અને કેવી રીતે તેમનો કુળદીપક મોતના મુખમાંથી બહાર આવ્યો? આ તમામ હ્રદયસ્પર્શી સવાલોના જવાબ કોઈને પણ ભાવુક બનાવી દે તેવા છે.

વાપીના નામધા ખાતે સ્ટાર સિટી એપાર્ટમેન્ટમાં રહેતા અને પાણીનો વ્યવસાય કરતા પ્રકાશ યાદવને સંતાનમાં 3 દીકરી અને 2 દીકરા છે. તેમનો સૌથી નાનો દીકરો અનિશ (ઉં.વ. 13) બે વર્ષ પહેલા નજીકમાં કચીગામ ખાતે આવેલી ગુજરાત પબ્લિક સ્કૂલમાં ધો.6 માં અભ્યાસ કરતો હતો. ત્યારે RBSKની ટીમ શાળામાં બાળકોના સ્વાસ્થ્યની તપાસ માટે આવી હતી ત્યારે અનિશમાં શ્વાસ આવવો, ચહેરો ફુલી જવો અને લોહીની કમી સહિતના લક્ષણો જોવા મળ્યા હતા જેથી સુરત સિવિલ હોસ્પિટલમાં વધુ તપાસ અને સારવાર કરાવવા માટે કહેતા ત્યાં રીફર કર્યો હતો.

જ્યાં જાણવા મળ્યું કે, દીકરા અનિશની બંને કિડની ફેઈલ થઈ ચુકી છે. હવે તેને બચાવવા માટે કિડની ટ્રાન્સ્પ્લાન્ટ કરાવવું પડશે. આ વાત સાંભળી માતા પિતાના પગ તળેથી ધરતી સરકી ગઈ હોય એવો આઘાત લાગ્યો હતો. કિડનીનો કોઈ ડોનર મળે અને દીકરાનો જીવ બચી જાય તે માટે માતા પિતાએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ મુકી હતી. જે વાયરલ થતા નડિયાદથી એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને કિડની મળી જશે એમ સાંભળતા જ માતા પિતાની ખુશી ફૂલે સમાતી ન હતી પરંતુ ત્યારબાદ સામેની વ્યક્તિએ કહ્યું કે, 1 કરોડ આપવા પડશે અને હોસ્પિટલમાં ટ્રાન્સ્પ્લાન્ટનો ખર્ચ 20 લાખ થશે.

આ વાક્ય સાંભળી માતા પિતાના ચહેરા પર આવેલી ખુશી તે જ ક્ષણે નિરાશામાં ફેરવાઈ ગઈ હતી. મનમાં વિચાર થવા લાગ્યા કે, બાળકોને ભણાવવાનો ખર્ચથી માંડીને પરિવારના સાત સભ્યોનું ગુજરાન જેમ તેમ ચાલતુ હોય ત્યાં આટલી મોટી રકમ લાવવી ક્યાંથી? આ જીવ કટોકટની સ્થિતિમાં ગુજરાત સરકારની સંદર્ભ કાર્ડ યોજના ગરીબ પરિવાર માટે સંજીવની બુટી સાબિત થઈ અને પરિવારની ખોવાયેલી ખુશી પરત ફરી હતી.

આ અંગે પિતા પ્રકાશ યાદવ કહે છે કે, જુલાઈ 2023માં મારો દીકરો અનિશ કચીગામની સરકારી શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે હેલ્થ ચેકઅપ થતા અમને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા ત્યારબાદ અમદાવાદ સિવિલમાં રિફર કર્યા હતા. જ્યાં બંને કિડની ફેઈલ હોવાનું જાણવા મળ્યા બાદ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે એવુ કહ્યું હતું પરંતુ તે માટે ઘણુ લાંબુ વેઈટીંગ હતું.

એપ્રિલ 2024માં અમારા પર ફોન આવ્યો કે, તમારા દીકરાના એબી પોઝિટિવ બ્લડ ગૃપ સાથે મેચ થાય તેવી કિડની મળી ગઈ છે પરંતુ 70 વર્ષીય વૃધ્ધની છે જેથી અમે ના પાડી હતી. ત્યારબાદ ઓગસ્ટ 2024માં ફરી એક કિડની મળી હતી પરંતુ માત્ર 3 કલાકમાં જ અમદાવાદ પહોંચવુ પડે તેમ હતું. 3 કલાકમાં વાપીથી અમદાવાદ પહોંચી શકાયું ન હતું.

આખરે તા. 7 જાન્યુ. 2025ના રોજ સવારે 6 વાગ્યે ફોન આવ્યો કે સુરતમાં બ્રેઈનડેડ થયેલા 30 વર્ષીય યુવકના પરિવારજનોએ અન્ય કોઈકનો જીવ બચે તે માટે પુત્રનું દેહદાન કર્યુ હતુ. જેની કિડની મેચ થાય છે જેથી અમે તાત્કાલિક ગાડી ભાડે કરી અમદાવાદ સ્થિત ઈન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રીચર્સ સેન્ટર (IKDRS)માં પહોંચી ગયા હતા. જ્યાં તા. 8-1-2025ના રોજ દીકરાને દાખલ કરી રાત્રે 12 કલાકે કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન શરૂ થયું હતું જે સવારે પોણા પાંચ વાગ્યા સુધી ચાલ્યું હતું.

15 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ થયા બાદ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ 3 માસ સુધી દર અઠવાડિયે ચેક અપ માટે અમદાવાદ જવુ પડ્યુ હતું. હવે મહિનામાં એક વાર જવું પડે છે. હાલ મારો દીકરો સ્વસ્થ છે. વિશેષમાં કહેવાનું કે, અન્ય કોઈના દેહદાનથી મારા દીકરાનો જીવ બચ્યો તેમ રાજ્ય સરકાર દ્વારા પણ દેહદાન અભિયાન અંગે પ્રચાર પ્રસાર કરાઈ રહ્યો છે, અંગદાન અંગે વધુમાં વધુ જાગૃતિ ફેલાય એ જરૂરી છે.

અનિશની માતા રીટાબેન યાદવ જણાવે છે કે, કિડની ટ્રાન્સપ્લાન્ટનો 1.20 કરોડનો ખર્ચ અને ખાનગી હોસ્પિટલમાં એક દવાના 50 હજાર અને એક ઈન્જેક્શનનો ખર્ચ 84 હજાર કહ્યા હતા. મારા દીકરાની સારવાર સમયે અમારી પાસે રાશન કાર્ડ અહીંનો ન હોવાથી આયુષ્યમાન કાર્ડ બની શક્યો ન હતો. પરંતુ આરબીએસકેના મેડિકલ ઓફિસર ડો. હરેશ ગજરાએ સંદર્ભ કાર્ડ યોજના વિશે માહીતી આપી અને કાર્ડ કઢાવી આપવામાં મદદરૂપ થયા હતા. જેના દ્વારા મારા દિકરાનું કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન વિના મૂલ્યે પાર પડયુ હતું. હવે મારો દીકરો સ્વસ્થ છે. જે બદલ અમે પરિવારજનો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો દિલથી આભાર માનીએ છે.

હવે હું પણ બીજા બાળકોની જેમ નિયમિત સ્કૂલે જતો થઈ જઈશઃ લાભાર્થી અનિશ યાદવ
ગુજરાત સરકારની સંદર્ભ કાર્ડ યોજનાના લાભાર્થી અનિશ યાદવ કહે છે કે, મારી કિડની ટ્રાન્સ્પલાન્ટનું ઓપરેશન થયા બાદ હવે હું એકદમ સ્વસ્થ છું. પહેલા હું દાદર ચઢતા હાંફી જતો હતો પરંતુ હવે થાક લાગતો નથી. રાત્રે પથારીમાં પેશાબ થઈ જતો હતો પરંતુ હવે એવી કોઈ તકલીફ નથી. હું બહાર રમવા પણ જઈ શકુ છું. બે વર્ષ દરમિયાન મારો અભ્યાસ અનિયમિત થઈ ગયો હતો હવે આગામી નવા સત્રથી હું પહેલાની જેમ નિયમિત સ્કૂલે પણ જઈ શકીશ.

ભાઈ માટે મોટી બહેન યુપીએસસી તૈયારી છોડી દિલ્હીથી પરત ફરી
પિતા પ્રકાશ યાદવે જણાવ્યું કે, મારા પાંચ સંતાનમાં મોટી દીકરી અંજુ ભણવામાં ખૂબ જ તેજસ્વી છે. તેનું સપનું યુપીએસસી પાસ કરી કલેકટર બનવાનું હતું. સોફટવેર એન્જિનિયરની ડિગ્રી મેળવ્યા બાદ દિલ્હીમાં યુપીએસસીની તૈયારી કરી હતી પરંતુ શરૂઆતના તબક્કામાં વાપી અને સેલવાસની ખાનગી હોસ્પિટલમાં મારા દીકરાની સારવાર માટે 15 લાખનું દેવુ થઈ જતા મારી દીકરીએ અધવચ્ચે યુપીએસસીની તૈયારી છોડી વાપી પરત આવવુ પડ્યું હતું અને મને મદદરૂપ થવા માટે એક ખાનગી બેંકમાં જોબ કરી રહી છે. મારો દીકરો સ્વસ્થ થયા બાદ હવે મહેનત કરી દીકરીને કલેકટર બનાવવાનું સપનુ સાકાર કરવા સંઘર્ષ કરી રહ્યો છું.

હાલ બાળકની સ્થિતિ સારી છેઃ મેડિકલ ઓફિસર
વાપી આરબીએસકેના મેડિકલ ઓફિસર ડો. હરેશ ગજરા અને ડો.શિવાની પટેલ જણાવે છે કે, અનિસ યાદવની જન્મ તારીખ 1-9-2011 છે. આર.બી.એસ.કે. ટીમ MHT-1240393 દ્વારા SH-RBSK તપાસ દરમિયાન બાળકને કીડનીની તકલીફ જણાઈ હતી જેથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે રીફર કરવામાં આવ્યો હતો ત્યાંથી IKDRS અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અનિશનું તા. 8-1-2025 ના રોજ IKDRC અમદાવાદ ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. હાલ બાળકની સ્થિતિ સારી છે.

સંદર્ભ કાર્ડ યોજનાથી અનેક મોટા રોગોની વિનામૂલ્યે સારવાર થાય છે
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ સંદર્ભ કાર્ડ યોજના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ ચાલે છે, જેનો હેતુ 0 થી 18 વર્ષની વયના બાળકોને ગંભીર આરોગ્ય સમસ્યાઓ જેવી કે હૃદયરોગ, કિડની રોગ કે કેન્સર જેવી બીમારીઓ માટે નિઃશુલ્ક અને સમયસર સારવાર પૂરી પાડવાનો છે. આરોગ્ય તપાસ દરમિયાન જો વધુ વિશેષ સારવારની જરૂર હોય તો તબીબો સંદર્ભ કાર્ડ આપે છે, જેના આધારે બાળકને રાજ્યની માન્ય હોસ્પિટલોમાં રેફર કરવામાં આવે છે. આ યોજના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મોટા ખર્ચ વગર વિશેષ સારવાર મળે છે. અરજીથી પ્રક્રિયામાં આરોગ્ય કેન્દ્ર અથવા શાળાના આરોગ્ય ટીમ દ્વારા તપાસણી બાદ યોગ્ય દસ્તાવેજો સાથે સંદર્ભ કાર્ડ આપવામાં આવે છે. આ યોજના ઘણા બાળકો માટે જીવદાયી સાબિત થઈ છે અને તેમને નવી જિંદગી મળી છે.

Most Popular

To Top