Comments

ગુજરાતમાં સરકારી નોકરીમાં ગુજરાતીનાં માર્ક મેરીટમાં નહીં ગણાય

ગુજરાતના વધુ એક સ્થાપના દિવસની સાદગીસભર ઉજવણી થઇ. પહેલગામમાં આતંકવાદી હુમલા પછી સરકારો ઉજવણીના મૂડમાં નથી. પાકિસ્તાન સમર્થિત આતંકી હુમલાનો જવાબ આપવો જોઈએ અને કેન્દ્ર સરકાર સમય, સ્થિતિ અનુસાર નિર્ણય લેશે, પક્ષ વિપક્ષ સૌ સરકારની સાથે જ છે. કેન્દ્ર સરકાર પોતાનું કામ કરશે પણ આપણે આપણી ફરજ ભૂલી જવાની નથી. કેન્દ્ર પાકિસ્તાન સાથે કઈ રીતે વર્તે તેનો વિચાર કરવાને બદલે આપણે આપણી આજુબાજુ અન્યાય ન થાય.

ગુજરાતના સ્થાપના દિવસ પહેલાં જ ગુજરાત સરકારે એક નિર્ણય લીધો છે, જે ગુજરાતમાં વર્ગ એક અને બે ની સરકારી નોકરી માટે મહેનત કરતાં યુવાનોને અન્યાય કરી શકે અથવા નિરાશ કરી શકે. હવેથી જી.પી.એસ.સી.ની પરીક્ષામાં ક્લાસ વન અને ટુ માટેના મેરીટમાં ગુજરાતીમાં ખાલી પાસ થવું જ જરૂરી છે. ગુજરાતી વિષયના માકર્સ મેરીટમાં ગણાશે નહિ. પ્રથમ નજરે સાવ સામાન્ય લાગતો આ નિર્ણય ગુજરાતનાં યુવાનો અને ખાસ તો ગુજરાતી માધ્યમનાં યુવાનોને અન્યાય કરશે.

કારણ કે ગુજરાતના પેપરમાં વધુ માર્ક ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને આવતા હોય છે. માત્ર પાસ થવા પૂરતું ગુજરાતી તૈયાર કરવાનું હોય તો બિનગુજરતી વિદ્યાર્થીઓ અને અંગ્રેજી માધ્યમનાં વિદ્યાર્થીઓ મેરીટમાં આગળ આવી જાય. મેરીટમાં ગુણ ગણવા ન ગણવાના નિર્ણયનો માત્ર કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો એ સિવાય કોઈએ નોંધ નથી લીધી અને આતંકવાદી હુમલાની ચર્ચામાં ક્યાંય આ વિષયની નોંધ સુધ્ધાં નથી લેવાઈ.

આમ પણ ગુજરાત રોજગાર અને જાહેર જીવનની બાબતો માટે થોડું ઉદાસીન અને ઉપેક્ષાવૃત્તિ ધરાવતું રાજ્ય છે. અહીં ગાડીના ડ્રાઈવર, ઘરકામથી માંડીને સરકારને સલાહ આપતા સેક્રેટરી કક્ષાના સચિવો બિનગુજરાતી છે. એમાંય જ્યારથી કોન્ટ્રાકટ અને આઉટ સોર્સિંગ શરૂ થયું છે ત્યારથી કલરકામ, રસોઈકામ, રસ્તાનાં કામ, તમામ જગ્યાએ બિનગુજરાતી યુવાનો જ કામ કરતાં જોવા મળે છે. વળી કેન્દ્રીય એજન્સી દ્વારા ભરતી થાય છે ત્યાં પણ હવે ગુજરાતી યુવાનો ઘટતાં જાય છે માટે જ ગુજરાતનાં નાનાં નાનાં ગામડાંની બેંક શાખામાં હિન્દીભાષી યુવાનો કામ કરતાં જોવા મળે છે અને ગુજરાતી ઉચ્ચ મધ્યમ વર્ગને એમાં ક્યાંય કશું અજુગતું નથી લાગતું.

આપણી યુનિવર્સિટીઓમાં છેલ્લાં વર્ષોમાં નીમાયેલા કુલપતિશ્રીઓનાં નામ જુવો. ગુજરાત સરકારના મેળા, ઉત્સવ અને પ્રખ્યાત યાત્રાધામોમાં નજર દોડાવો. તમને ક્યાંય ગુજરાતી જોવા નહીં મળે. માટે જ કહું છે કે કેન્દ્ર સરકારે શું કરવું તે ચિંતા છોડો અને ગુજરાતમાં શું ચાલે છે તે જુવો. આપણે ભારતીયો બોલકી પ્રજા છીએ. આપણે ખૂબ બોલબોલ કરીએ છીએ. લખવું અને વાંચવું એ સંવાદિતાના માધ્યમનો આપણે ખૂબ ઓછો ઉપયોગ કરીએ છીએ અને બોલવું અને સાંભળવું એનો વધારે ઉપયોગ કરીએ છીએ. અહીં લેખકો સફળ થાય એ પહેલાં વક્તાઓ સફળ થાય છે.

અહીં રામાયણ અને મહાભારત વાંચવા કરતાં સાંભળવામાં વધારે આવે છે અને માટે આપણી સમજણ બીજાની આશ્રિત થઈ ગઈ છે.ગણતરીની રીતે આપણા દેશમાં લખતાં અને વાંચતાં આવડતું હોય એવાં લોકોની સંખ્યામાં વધારો થયો છે. પણ ખરા અર્થમાં તો આઝાદીનાં 77મા વર્ષે પણ આપણને લખતાં અને વાંચતાં નથી આવડ્યું.આપણે લોકશાહી વ્યવસ્થા મજબૂત થાય એવું લખતાં નથી અને આપણી સમજણ પાકી થાય તેવું વાંચતાં નથી.આપણે કાયદા વાંચતાં નથી અને ફરિયાદો લખતાં નથી. સરકારો ને રાજકીય પક્ષો ઈચ્છે જ છે કે આપણે આ બધાથી દૂર રહીએ અને પોકળ પ્રેમકથાઓ, તત્ત્વચિંતનના ચકરાવો વાંચ્યા કરીએ… આપણી ચેનલો, આપણાં છાપાંઓ મીડીયોક્રસીથી ભરેલ છે.

મહાન પ્રજા, ખમીરવંતી પ્રજા, કોઠાસૂઝવાળી પ્રજાના નામે આપણને ઘેનમાં રખાય છે. આપણે પણ આપણો બળાપો, ફરિયાદો પાનના ગલ્લે, બસમાં મુસાફરીમાં કે ઓફિસની ચર્ચાઓમાં કાઢી નાખીએ છીએ પણ કાગળ પેન લઇ સત્તાવાળાને લખતાં નથી. સત્તાવાળા સાથે વાત થાય અને થોડાક જાણકાર લોકો અધિકારીઓનું ધ્યાન દોરે તો તરત જવાબ મળે છે કે સાહેબ અમને કોઈ ફરિયાદ મળી નથી. આ લોકશાહી છે. અહીં લખેલું વંચાય છે અને એક વાત યાદ રાખવા જેવી છે કે લખો તો પગલાં લેવાય પણ છે. એકાદ વ્યક્તિ લખે તો સત્તાવાળા તેને અવગણી શકે પણ જો રોજ લાખો લોકો પત્ર લખે તો ગમે તેવા તંત્રે પણ પગલાં લેવાં જ પડે.

ભારતમાં હજુ આજે કાયદો, વ્યવસ્થા પર, ન્યાયતંત્ર પર વિશ્વાસ છે. કાયદો તો જ કામ લાગે, જો તેને લખવામાં આવે. લખેલું પુરાવો ગણાય છે, બોલેલું પુરાવો ગણાતો નથી.સત્તાવાળા માટે સતત ફરિયાદ કરનારા દરેકે યાદ કરવું જોઈએ કે આપણે ક્યારે લેખિતમાં ફરિયાદ કરી? ટ્રાફિકના પ્રશ્ન છે તો લાખો…રસ્તા પર ગેરકાયદે દબાણ થાય એ જ દિવસે તેની લેખિત દસ ફરિયાદ થાય તો? સ્કૂલવાળા ડોનેશન માંગે છે એની લેખિત ફરિયાદ કેટલાએ કરી? સેમેસ્ટરથી સરકાર પોતે ત્રાસી, બાકી કેટલા શિક્ષણશાસ્ત્રીઓએ લેખિતમાં ફરિયાદ કરી? જાહેર શૌચાલયોમાં નિયમથી વધારે રૂપિયા પડાવ્યા ત્યારે તત્કાલ લેખિત ફરિયાદ થવી જોઈએ પણ સતત બોલતી રહેતી આ પ્રજાને લખવાનો સમય જ નથી કે લખવાની હિંમત નથી. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top