પુરુષનું નામ સુંદર હોય તો તે સુંદર ન લાગે પણ સુંદરનું નામ તો સુંદર જ હતું એટલે તે વિશે કાંઇ થઇ શકે તેમ નથી. એક સમયની મનોરંજક મસાલા ફિલ્મમાં સુંદરને તમે હળદર યા નમક યા રાઈ યા મેથી સમજી શકો. મતલબ કે હીરો-હીરઇન, વિલન જે હોય તે પણ જેમ કેશ્ટો મુખરજી હોય, અસિત સેન, મોહન ચોટી યા બિરબલ હોય તેમ સુંદર પણ હોય. તે હસાવવાનું કામ કરે પણ જોની વોકર, મહેમુદ, જગદીપની જેમ મોટો કોન્ટ્રેક્ટ ન લે. નાની ભૂમિકા હોય, પણ ફિલ્મમાં તેઓ હોય તો ફેમિલી ઓડિયન્સને ફેમિલી જેવું લાગે. સુંદરનું નામ આમ તો સુંદર સિંઘ પણ તે જમાને તો વિલન નામે કે.એન. સિંઘ પણ હતા એટલે સુંદરને થયું કે અટકની પાઘડી છોડો ને ફક્ત સુંદર જ રાખો. આ સુંદરનો જન્મ અવિભાજીત ભારતનાં લાહૌરમાં 14 માર્ચ, 1908માં થયેલો! 1930-35 થી તેઓ ફિલ્મોમાં કામ કરતા થયા અને તમે માનો ન માનો પણ હિન્દી+પંજાબી સહિત ગણો તો તેમની ફિલ્મોની સંખ્યા સાડા ચારસો નજીક છે. આમાં જે પંજાબી ફિલ્મો છે તેમાં તો તેઓ ક્યારેક હીરો પણ હતા અને બીજી વાત, 1954ની ‘મસ્તાના’ યા ત્યાર પછીની ‘લાલ કિલા’ અને ‘ઉપકાર’માં તેમણે ગીતો પણ ગાયા છે! હિન્દીમાં તેઓ નાની નાની ભૂમિકામાં મોટા સફળ થયા, પરંતુ પંજાબીમાં તેમની ‘ભાંગરા’, ‘લાલ લછીયન’, ‘ચૌધરી કરનલસિંઘ’, ‘યમલા જટ’, ‘દુલ્લા ભટ્ટી’ જેવી ફિલ્મો ખૂબ સફળ રહી હતી. હિન્દી ફિલ્મ જોનારા તેમને ‘સીમા’, ‘હાવરાબ્રિજ’, ‘સોલવા સાલ’, ‘અપને હુએ પરાયે’, ‘ફૂલ ઓર પત્થર’, ‘દિલને ફિર યાદ કિયા’ જેવી અનેક ફિલ્મોથી યાદ કરી શકે. રાજેન્દ્રકુમાર, શર્મિલા ટાગોરની તલાશમાં એક દૃશ્ય છે જેમાં તેણે નીચે ટૂંકી ચડ્ડી અને ઉપર કોટ પહેર્યો છે. તેને પૂછાય છે કે ‘કોટ પે ચડ્ડી ક્યું પહેની હૈ?’ તો એનો જવાબ છે. ‘કોઇ ન આયા તો!’ ફરી પૂછાય છે. ‘તો ફીર કોટ ક્યું પહેના હૈ? તો એ કહે છે, કોઇ આ ગયા તો!’ સુંદર પોતાની કોમેડી સેન્સ ધરાવતા હતા. ચહેરા અને વર્તનથી તેઓ ભોળા દેખાતા એટલે નોકરની ભૂમિકા હોય તો સહજ લાગતા. તેમણે મહત્ત્વાકાંક્ષી બન્યા વિના પોતે જેટલું કામ કરવું હતું. તેટલું કર્યું. 1948થી તેમની કારકિર્દી શરૂ થઇ તે છેલ્લે ‘બહુરાની’ સુધી કામ કર્યું.
‘હે અપના દિલ તો આવારા…’ ગીતમાં દેવઆનંદ સાથે સુંદર છે, પણ બીજા કોમેડીયનોને મળ્યા તેટલા ગીતો સુંદરને મળ્યા નથી. વળી તેઓ ફક્ત કોમેડી માટે જ જાણીતા નથી રહ્યા. બિમલ રોયની ‘સીમા’માં બલરાજ સાહની સામે મુરલીધર તરીકે પ્રભાવક ભૂમિકા હતી. એ જ રીતે ‘મેરે મહેબૂબ’માં કનૈયાલાલ રસ્તોગીની ભૂમિકા છે. ઉપકારમાં ‘આઈ ઝૂમ કે બસંત’ ગીતમાં સુંદર તમને ઝૂમતા જણાશે. કોમેડીમાં કોમેડીયનનો ચહેરો, તેના હાવભાવ અને બોડી લેંગ્વેજ ખૂબ અગત્યનાં હોય છે. સુંદરમાં એ બધું હતું અને અસિત સેન જેવું ભોળપણ પણ હતું. સુંદર પર ‘શુક્રિયા’ (1944)માં એક ગીત ફિલ્માવાયેલું છે. ‘નયનો કે તીર ચલા ગઇ શહેર કી એક લોંડીયા…, પીલાના ભુલા ગઇ શહેર કી એક લોંડીયા’ સુંદરે પોતે પણ ‘મસ્તાના’ (1954), ‘લાલ કિલા’ અને ‘ઉપકાર’ ફિલ્મમાં ગીતો ગાયા છે. સુંદર એક અર્થમાં આપણી પારિવારિક ફિલ્મોનાં અભિનેતા હતા એટલે કોમેડીમાં એક પ્રકારના કૌટુંબિક ભાવો પણ રહેતા. તમે તેમને ‘આન મીલો સજના’ના મજનારામ તરીકે જુઓ કે ‘આબરૂ’માં ટૂનટૂનનાં પતિ તરીકે જુઓ તો આ વાત સમજાશે. તેમના નામે 385 જેટલી ફિલ્મો છે અને છેલ્લે 1989ની ‘બહુરાની’ અને ‘ઉલ્ફત કી નઇ મંઝિલે’માં દેખાયેલા. શરીર તો થાકવાનું અને 5 માર્ચ 1992માં તેઓ 83 વર્ષની ઉંમરે વિદાય પામ્યા. આપણને હસાવનારાને યાદ કરવા જોઈએ કારણ કે, હસાવવું સહેલું નથી. •