ગર્ભવતી થવું ખોટું નથી પણ જો કોઇ વ્યસ્ત અભિનેત્રી ગર્ભવતી થાય તો તે જે ફિલ્મોમાં કામ કરતી હોય તેના નિર્માતાનાં પગ ભારે થઇ જાય છે. હમણાં ડોન-3માંથી કિયારા અડવાણીને પડતી મુકીને તેની જગ્યાએ ક્રિતી સેનોનને લેવી પડી. કિયારાનું મા બનવું એક પ્રકારની વ્યવસાયિક બેજવાબદારી છે. કિયારાએ મા થવું હતું તો ફિલ્મોને ના પાડી દેવી હતી. અરે, ફિલ્મો જ નહીં તે છે 26 બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ કરે છે તેમને પણ પ્રોબ્લેમ થયા છે. હમણાં ફિલ્મ જગત તેની અભિનેત્રીઓને કારણે ખરેખર પરેશાન છે. આલિયા અને દિપીકા મા બની ચુકી છે પણ તેના કારણે તેઓ સાથે બનનારી ઘણી ફિલ્મો બની નથી. આલિયા તો હવે કામ પર પાછી ફરી છે પણ દિપીકાના હજુ ઠેકાણા નથી. ફિલ્મજગતમાં અત્યારે ટોપ સ્ટાર્સની હાલત આમ પણ ખરાબ છે. સલમાન, શાહરૂખ, આમીર હવે વધારે કામ કરી શકે તેમ નથી અને સફળતા માટે ઝઝૂમે છે. એવામાં ટોપની એકટ્રેસ પણ પ્રેગનન્સીનાં નામે વેકેશન ભોગવે તો નિર્માતાની હાલત કહેવા જેવી રહેતી નથી. ‘ડોન-3’માં કિયારાને રિપ્લેસ કરવાનાં સંજોગ ઊભા થયા તેથી ફરહાન અખ્તર ગુસ્સે ભરાયો છે. કિયારાની ‘સત્યપ્રેમ કી કથા’ ફિલ્મ પોણાબે વર્ષ પહેલાં રજૂ થઇ હતી અને ત્યાર પછી તેની એકેય ફિલ્મ નથી આવી. હકીકતે તો તે સિદ્ધાર્થ મલ્હોત્રાને પરણી પછી જાણે ફિલ્મોથી બહાર થઇ ગઈ છે. 7 ફેબ્રુઆરી 2023માં તે પરણેલી અને ત્યાર પછી બસ એક જ ફિલ્મ રજૂ થઇ છે. પહેલાં લગ્ન અને પછી પ્રેગનન્સીને કારણે તેની ‘ધ રાજા સાબ’, ‘સ્પાઈડર’, ‘ટોક્સિક’ ફિલ્મો અટવાઈ પડી છે અને સંજય લીલા ભણસાલી તેને લઇને ફિલ્મ બનાવવા માંગતા હતા તે પણ અત્યારે પડતી મુકી છે. અરે, શશાંક ખૈતાને પણ સિદ્ધાર્થ સાથે જ કિયારાની જોડી બનાવી જે ફિલ્મ બનાવવી હતી તેને હમણાં ઊંચે માળિયે મુકી દીધી છે. ‘વોર-2’ ફિલ્મમાં રીતિક છે અને તે ફિલ્મ પણ અઢી વર્ષથી બની રહી છે. ફિલ્મો મોડી પડવાથી શૂટિંગ શેડ્યુલ બદલવા પડે છે. ઘણીવાર પટકથામાં પણ ફેરફાર કરવા પડે છે. કિયારા કઇ રીતે આટલી અનપ્રોફેશનલ થઇ શકે? સારી અભિનેત્રી હોય તે પોતાની પ્રેગનન્સી એ રીતે મેનેજ કરે છે તેમના હાથ પરની ફિલ્મોને કોઇ ટ્રબલ ન થાય પણ કિયારા આ બાબતે બેપરવાહ પૂરવાર થઇ છે. વિત્યા ચાર-પાંચ વર્ષમાં કેટરીના, દિપીકા, આલિયા વગેરેના લગ્નથી ફિલ્મ જગતમાં આમ પણ ટોપ હીરોઇન બાબતે ટેન્શન ઊભું થયું છે. કિયારા વિશે એવી માન્યતા હતી કે તે દિપીકા ને કેટરીનાની જગ્યા માટે પર્ફેકટ છે પણ હવે તેણે જાણે ત્રણ-ચાર વર્ષનું વેકેશન લઇને પોતાની લોકપ્રિયતા ઝંખવાવી દીધી છે. તેના ચાહકો હવે કિયારા વિના આગળ વધી ચુકયા છે. કિયારાની કોઇ ફિલ્મ આ વર્ષે રજૂ થાય તેવી શકયતા જણાતી નથી. વોર-2ના નિર્માતાએ તો કિયારા સાથે અગાઉ શૂટિંગ કરેલું તેમાં નવા દૃશ્યો ઉમેર્યા નથી. રીતિક, જુનિયર એન. ટી. રામારાવ અને જોહનના કામથી જ આખી ફિલ્મ છવાયેલી રહેશે. આનાથી કિયારાને જ નુકશાન જશે. તેનું નામ હોય અને કામ ઓછું હોય તો ચાહકોને ધક્કો લાગશે પણ છેવટ નુકશાન તો કિયારાનું જ છે. આવી બેપરવાહી ન ચાલી શકે. ફિલ્મોનાં બજેટ વધી ગયા છે ને બન્યા પછી રજૂ થતી ફિલ્મોમાંથી બહુ ઓછી સફળ જાય છે ત્યારે કિયારા વિશે સવાલો થઇ રહ્યા છે. •
