રાજસ્થાનમાં રવિવારે પેટ્રોલના ભાવ રૂ.99 પ્રતિ લિટરને પાર કરી ગયા છે. જ્યારે છઠ્ઠા દિવસે પેટ્રોલના ભાવવધારા બાદ ડીઝલ રૂ.91ની સાથે ટોચની સપાટીએ પહોંચી ગયું હતું.રાજ્યની માલિકીની ફ્યુઅલ રિટેલરોની પ્રાઈસ નોટિફિકેશન મુજબ, પેટ્રોલના ભાવમાં લિટર દીઠ 29 પૈસા અને ડીઝલના ભાવમાં 32 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
આ ભાવવધારા સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલ રૂ.88.73 અને ડીઝલ રૂ.79.06 પ્રતિ લિટરે પહોંચી ગયું છે. દેશમાં ઇંધણ પર સૌથી વધુ વેટ લેતા રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી વધુ નોંધાયા હતા. રાજ્યના શ્રીગંગાનગર શહેરમાં પેટ્રોલ રૂ.99.29 રૂપિયા અને ડીઝલ રૂ.91.17 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
રાજસ્થાન સરકારે ગયા મહિને પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં 2 ટકાનો ઘટાડો કર્યો હતો. તેમ છતાં રાજ્યમાં પેટ્રોલમાં 36 ટકાથી વધુ વેટ અને રૂ.1500 પ્રતિ કિલો લિટર રોડ સેસ છે. રાજયમાં ડીઝલ માટે 26 ટકા વેટ અને રૂ.1750 પ્રતિ કિલો લિટર રોડ સેસ લાગે છે. શ્રીગંગાનગરમાં બ્રાન્ડેડ અથવા પ્રીમિયમ પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂ.102.07 અને ગ્રેડ ડીઝલની કિંમત રૂ.94.83 રૂપિયા નોંધાઈ છે.
મુંબઈમાં નિયમિત પેટ્રોલની કિંમત તેની સર્વોચ્ચ સપાટી રૂ.95.21 રૂપિયા અને ડીઝલની કિંમત રૂ.86.04 રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે, પ્રીમિયમ પેટ્રોલ 97.99 અને ગ્રેડ ડીઝલ રૂ.89.27 પ્રતિ લિટરે પહોંચી ગયું છે.છેલ્લા છ દિવસમાં પેટ્રોલના ભાવમાં લિટર દીઠ રૂ.1.80 અને ડીઝલમાં પ્રતિ લિટરે રૂ.1.88નો વધારો થયો છે.