Business

દોસ્ત દુશ્મન ઓળખી લો, તમારા ૩ જીગરજાનદોસ્ત ને ૩ દાના દુશ્મનને!

દોસ્ત, અને દુશ્મન. આ અઢી અને સાડા ત્રણ શબ્દ એવો છે, જેના વિશે ટનબંધ લખાયું છે અને હજુ ય એટલું બધું અવિરત લખાઈ રહ્યું છે કે એકલા આ બે શબ્દ પર જ દળદાર  શબ્દકોશ પણ સર્જી શકાય!  
જન્મ પછી માતા-પિતાના ખોળામાંથી આપણે ‘આઝાદ’ થઈએ પછી આપણાથી  સૌથી વધુ નજીક માના જ જણ્યાં બહેન કે ભાઈ હોય છે. એ બાદ જો કોઈ પર મહત્તમ  મદાર હોય એવી એકાદ કે બે વ્યક્તિ  હોય છે, જેનો પ્રત્યક્ષ કે પરોક્ષ સાથ આપણે જીવનના છેલ્લા શ્વાસ સુધી છોડવા નથી ઈચ્છતા. એ જણસને દુનિયા આખી દોસ્ત, યાર, મિત્ર કે ફ્રેન્ડ ઈત્યાદિ ઈત્યાદિ જેવા શબ્દોથી ઓળખે છે-ઓળખાવે છે.
શબ્દને કેન્દ્રમાં રાખીને અનેક યાદગાર વાર્તા-કવિતા-નાટકો લખાયાં-ભજવાયાં છે. ફિલ્મ-સીરિયલો રજૂ થઈ છે. જાનદાર મિત્ર જોરદાર શત્રુ બને કે દાનો દુશ્મન દિલદાર દોસ્ત બને એવી તો અનેક કથા જાણીતી છે. 
આવા સંબંધ સાથે એક પ્રકારની લાગણી સંકળાયેલી હોય છે પણ વાસ્તવિક જીવનમાં એક વ્યક્તિને અંદાજિત વધુ ને વધુ અને ઓછામાં ઓછા કેટલા મિત્ર હોવા જોઈએ એ વિશે પદ્ધતિવાર સંશોધન પણ થયાં છે. એમાંય આજે ડિજિટલ દુનિયાના પ્રતાપે – સોશ્યલ મીડિયાને કારણે આસાનીથી બની જતા ‘મિત્ર’ના આડેધડ ગુણાકાર થવા લાગ્યા છે ત્યારે મિત્રોને વધ-ઘટ સંખ્યામાં જાણવાની જિજ્ઞાસા જાગે એ સહજ છે.
આ બધા વચ્ચે એક સંશોધન ખાસ્સું જાણીતું છે.
‘ઓક્સફર્ડ યુનિવર્સિટી’ના પ્રોફેસર  રોબિન ડનબારે એક તલસ્પર્શી સંશોધન કરીને જે તારણ કાઢ્યું છે એ રસપ્રદ છે. પ્રો. ડનબાર કહે છે કે લોકો ભલે કહે કે ‘મારે તો ઢગલાબંધ મિત્રો છે’ પણ કોઈ વ્યક્તિ ગમે તેટલી જાણીતી કે વિખ્યાત હોય તેમ છતાં માનવ મગજ-બ્રેન વધુમાં વધુ 150 જ લોકોને મિત્ર તરીકે સ્વીકારવાની ક્ષમતા ધરાવે છે. ( આ 150નો આંક સંશોધનની દુનિયામાં ‘ડનબાર નંબર’ તરીકે ઓળખાય છે) બાકીના કહેવાતા મિત્રો મસ્તિષ્કની દ્રષ્ટિએ માત્ર ‘ઓળખાણ-પિછાણ’ પૂરતા જ હોય છે! 
બીજા શબ્દોમાં કહીએ ઓક્સિજન–પ્રાણવાયુના પુરવઠા જેવા હાડમાંસના ખરા દોસ્તો કરતાં આપણી આસપાસ આભાસી મિત્રોની સંખ્યા વધુ છે.  
હવે ધારી લો કે વિજ્ઞાને તો આપણને કહી દીધું કે કોઈ 150થી વધુ દોસ્ત ધરાવી ન શકે તો સવાલ એ થાય કે મિત્ર કેવા હોવા જોઈએ અને ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ? 
પ્રશ્ન કઠીન છે. આમ છતાં, એનો જવાબ પણ કેટલાક  ચુનંદા મનોવિજ્ઞાની-સમાજશાસ્ત્રીઓએ એમની રીતે આપ્યા છે. હા, એ બધા એક  વાતથી સહમત છે કે માનવીનું  માનસિક બંધારણ – એનો  ઉછેર અને આસપાસના માહોલ પર એના કેવા પ્રકારના મિત્રો હશે એનો આધાર હોય છે. આને ધ્યાનમાં રાખીને  ત્રણેક   પ્રકારની   શ્રેણીના મિત્રો હોવા જોઈએ એવી સલાહ મનોનિષ્ણાતો આપે છે. અલબત્ત, આમાં થોડું  19-20 કે આગળ -પાછળ   થઈ શકે. એ મિત્રોને આ રીતે શ્રેણીબદ્ધ ગોઠવી શકાય.
સદાબહાર મિત્ર:
તમારી કભી ખુશી-કભી ગમ વખતે એક સાદે જે ખડો થઈ જાય. કલાકો સુધી એ તમારી વાત સાંભળે. કોઈ પણ જાતની એ ઊલટતપાસ ન કરે. તમે ખુશ હો તો એ તમારા કરતાં વધુ રાજીપો વ્યક્ત કરે. તમે કોઈ વાતે દુ:ખી હો તો એ તમને ખ્યાલ પણ ન આવે એ રીતે લંગર નાખીને તમને ગમગીનીના દરિયામાંથી બહાર લઈ આવે. એની સાથે કોઈ કામ-ધંધા વગર પણ કલાકો વિતાવવાનું ગમે તેવો એ મિત્ર.
પથદર્શક મિત્ર :
 આવા દોસ્ત તમારા કરતાં અનેક વાતે વધુ અનુભવી હોય છે. પરિસ્થિતિ કેવી પણ હોય એની સલાહ ઉપરછલ્લી નથી હોતી. આગામી કાળમાં કેવા સંજોગ સર્જાઈ શકે એ આગોતરા પારખીને  તમારી ખૂબી-ખામી અનુસાર આ મિત્ર તમારો અચ્છો માર્ગદર્શક પુરવાર થઈ શકે. મનોચિકિત્સક આવી વ્યક્તિને ‘લાઈફ કોચ’ ફ્રેન્ડ તરીકે ઓળખાવે છે.
મિસ્ટર ધીરજકુમાર :
અમુક મિત્રને તમે આ નામે બોલાવી શકો કારણ કે એ વધુ ઠરેલ અને ધીરગંભીર હોય છે. તમે અમુક સંજોગમાં સહારાના રણની જેમ ઉકળી પડો પણ તમારો એ મિત્ર હિમાચ્છાદિત હિમાલય કરતાં ય વધુ ઠંડોગાર રહે. એ બૉક્સિંગ પ્રેક્ટિસમાં વપરાતી પંચિંગ બેગ જેવા હોય છે. તમારો ઉકળાટ નીકળી જાય ત્યાં સુધી એ બધું શાંતિથી સાંભળી લે. વચ્ચે ક્યારેક એ એકાદ ભેદી સ્મિત પણ ફરકાવે અને છેલ્લે એ જે સલાહ કે સૂચન કરે એ મોટાભાગે સો ટચના સોના જેવું જ કિંમતી ને ઉપયોગી હોય છે.
આ ત્રણ પ્રકારના મિત્ર ધરાવતી કોઈ કોઈ વ્યક્તિ એક્સ્ટ્રા નસીબદાર હોય છે, જે  ‘શમ્મી કપૂર’ ટાઈપના મિત્ર ધરાવે છે. 1950-60ના દાયકામાં અભિનેતા શમ્મી ક્પૂર  ‘રિબલ-બળવાખોર’ સ્ટાર તરીકે ઓળખાતા કારણ કે એ જમાનામાં એમણે જે પ્રકારની ભૂમિકા ભજવી એવી કોઈ ભાગ્યે જ ભજવતું, આવા દોસ્ત આપણાથી તદ્દન વિરોધાભાસ મિજાજ ધરાવતા હોય છે. મારફાડના મિજાજનો આવો મિત્ર જરૂર પડે તો તમને પણ ‘લડવા’ માટે ઉશ્કેરે અને સાથોસાથ એવા  સચોટ ઉકેલ દેખાડે કે તકલીફમાંથી આપણને ‘ઈન્સ્ટન્ટ’ મુક્તિ મળે! જો કે, આવા મિત્ર દરેકના નસીબમાં નથી હોતા.
આમ જિંદગીના દરિયામાં જો ઝંઝાવત–તોફાન સર્જાય ત્યારે લંગર નાખીને આપણા જહાજને જે સ્થિર કરી શકે તેવા જો ત્રણ પ્રકારના ફ્રેન્ડ તમારી અડખે-પડખે હોય તો દુનિયા ભલે જખ મારે!
મિત્રની વાત તો થઈ ગઈ. હવે આપણો ‘દુશ્મન’ અકાઉન્ટ પણ ચકાસી લેવો જોઈએ. મિત્ર અને શત્રુ- આ બન્ને શબ્દ કહો કે સંબંધ એ આપણા જીવનના સૌથી વિરોધાભાસી શબ્દ છે. એ બન્ને સંબંધના અંતિમ છેવાડે ખડા છે.
અહીં  શત્રુ અને પ્રતિસ્પર્ધી વિશે  જાણી-સમજી  લેવું જરૂરી છે. પ્રતિસ્પર્ધી તમારો સત્તાવાર દુશ્મન નથી પણ તમારા બન્ને વચ્ચે અદ્રશ્ય લક્ષ્મણરેખા જરૂર છે, જે એકબીજા પર વિજય મેળવવાના ઉન્માદમાં વળોટી જવાય  તો તમે એકમેકના દાના દુશ્મન જરૂર બની જાવ. 
જો કોઈ પોરસાઈને કહે કે ‘હું તો અજાતશત્રુ છું મારો તો કોઈ જ દુશ્મન નથી!’ તો એ સેકરિન વગરની ખાંડ ખાય છે. કેટલાક દુશ્મન તો મિત્રના સ્વાંગમાં પડખે જ ખડા હોય છે. તક મળે ત્યારે છૂપો ઘા કરે!
આવા શત્રુ જરૂરી નથી કે હાડ–માંસના હોય. એ તમારો ખુદનો અહમ્ હોઈ શકે- ક્રોધ હોય શકે કે પછી  લત  કે તમારી લાપરવાહી પણ હોઈ શકે.
અહીં વિખ્યાત કવિ – ડૉ. સુરેશ દલાલને યાદ કરી લઈએ. એ  કહે છે: ‘મિત્ર એ નજીકનો દુશ્મન છે ને દુશ્મન કદાચ દૂરનો મિત્ર.’ આમ  દરેકના જીવનમાં એકાદ તો વિલન હોવો જ જોઈએ તો જ જીવન જીવવા જેવું લાગે. એકાદ આવો વિલન કે શત્રુ કે પછી પ્રતિસ્પર્ધી સુદ્ધાંનો માથા પર તોળાતો ભય  જ આપણને સજાગ રાખે  પછી એની સામે ટક્કર લેવાની મજા પડે. આમ કેટલીક વાર આપણા દોસ્ત કરતાં આપણો પ્રતિસ્પર્ધી આપણને વધુ શીખવી જતો હોય છે!
આવા તમારા શત્રુ કે સ્પર્ધીની પહેચાન કે ઓળખ કેવી રીતે કરવી?
અહીં એક વાત આપણે સ્પષ્ટ સમજી લઈએ કે આપણે અહીં ચીલાચાલુ દુશ્મન કે શત્રુની વાત નથી કરવી. બીજાં  વેશ-પરિવેશમાં આપણી આસપાસ રહેતાં એવાં અનિષ્ટોને ઓળખીએ, જે શત્રુથી પણ કંઈ કમ નથી.
શત્રુ નંબર એક છે ઊંઘ!
આમ તો  નિદ્રા તબિયત  માટે ઉપકારક છે પણ એનો અલ્પ કે અતિરેક  કોઈની પણ  આરોગ્ય અને આર્થિક   અવસ્થાને ડગમગાવી શકે છે. સપ્રમાણ ઊંઘ ન ધારેલું  સુખ આપી શકે પણ એનો અતિરેક પેલા કુંભકર્ણની જેમ રાજપાટ ગુમાવવાનો વખત આવે .
શત્રુ નંબર બે છે  ‘વાંચન’
થાંબા રુકો! આ વાંચીને ચોંકશો નહીં  કે ન અવઢવમાં  અટવાતા. અહીં ‘વાંચન’ એટલે  સોશ્યલ મીડિયા પર આપણે  જે વાંચીએ  છીએ એ અર્થમાં છે. ફેસબુક-વૉટસઍપ કે ઈન્સ્ટા કે પછી જાતભાતનાં બ્લોક્સના ચક્કરમાં અટવાઈને લોકો  જેને ‘વાંચન’  ગણીને કલાકો વેડફે છે એ દૂષણથી અહીં દૂર રહેવાની વાત છે. આવું ‘વાંચન’ તમને પુસ્તકના ખરા જ્ઞાનવર્ધક વાંચનથી દૂર બીજી ખોટી  દિશા તરફ દોરી જાય છે.
શત્રુ નંબર ત્રણ : ચેટ
‘ગામમાં આજકાલ લેટેસ્ટ શું ચાલી રહ્યું છે’ એ જાણવા માટે ‘વોટ્સએપ’ ગ્રુપ સહિત સોશ્યલ મીડિયાની ચેટમાં વ્યસ્ત રહેતી ‘નવરી બજાર’ બીજા કરતાં પોતે કેટલા ‘જાણકાર’ છે એ બતાવવા આદુ ખાઈને બીજાની પાછળ પડી જાય છે. ‘ટ્રોલિંગ’ની આ લત ડ્રગ્સ જેવો જ ખતરનાક નશો છે. આવી ચેટ સૌથી મોટો લૂટારો છે, જે એટલો બધો કિંમતી સમય ચોરી જશે કે જેની નાણાંથી પણ પૂર્તિ નહીં થઈ શકે. આવા  ડિજિટલ દૂષણમાંથી  છૂટકારો મેળવવા માટે ‘ડિજિટલ ફાસ્ટિંગ’ એટલે કે ઉપવાસ કરવા પડે અને એ જ રીતે અગત્યની વાતચીતના અપવાદ સિવાય મોબાઈલ ફોનથી   રોજ કલાકો સુધી સજાગપણે દૂર રહેવું પડશે. શરૂઆતમાં આ વિરહ આકરો લાગશે પણ એ વેઠશો તો એનાં ફળ તમને ગેરેન્ટેડ  મીઠાં જ મળશે!

ભરત ઘેલાણી

Most Popular

To Top