પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક ની શોધખોળ શરૂ
વડોદરા: વડોદરા જિલ્લાના વાઘોડિયા હાઇવે ચોકડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. વાઘોડિયા બ્રિજ પરથી અમદાવાદ તરફ જતાં હાઇવે પર એક અજાણ્યા વાહન ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક પર સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ દુઃખદ અવસાન થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા કપુરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને હાઇવે પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વડોદરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે અને અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.

આ ઘટના ના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા લગભગ બે કિલોમીટર જેટલો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
વાઘોડિયા હાઇવે ચોકડી વિસ્તારના લોકોમાં અકસ્માતને લઈને ચિંતાનો માહોલ ફેલાયો છે. સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે, છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ પર વાહનવ્યવહાર વધી ગયો છે અને અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે.
હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા વાહન ચાલકને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.