‘તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો’શું કવિતા હતી..? બારી આગળ ઊભા રહીને બ્રશ કરતાં કરતાં પણ અમે લલકારતા..! એમાં અમારા દાંત ચોખ્ખા રહેતા..!કલાપી આ કવિતાથી બાળવિખ્યાત વધારે થયેલા. આ કવિતા અમારા ભણવામાં આવતી બોસ..! કુછંદે ચઢવાની ઉંમરે અમે મંદાક્રાન્તા છંદે ચઢેલા. મિજાજે મિજાજે આ કવિતાનો અર્થ અલગ-અલગ કાઢતા. આ કવિતા થકી જ ચમનિયો પણ, કવિ થવાના રવાડે ચઢેલો. કવિ ‘બરછટ’તરીકેનું તખલ્લુસ ચઢાવી દીધેલું. ચમનિયો ભણતો ત્યારે, નિશાળ શરૂ થાય એ પહેલાં નિશાળમાં હાજર ને નિશાળ શરૂ થાય એટલે ઘરે..!
મને કહે,’કલાપીની આ કવિતા, ‘તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો’નું જે વિધાન આવે છે, એમાં ‘પંખી’આભાસી વિધાન છે. બાકી, નક્કી કોઈ માશુકાની બયાનબાજી આ કવિતામાં હોવી જોઈએ..! આવી જ લવરી એક દિવસ શિક્ષક આગળ કરવાનો થયેલો ને ગુરુજી એવા ઉકળ્યા કે, આ કવિતા રોજ દશ વાર લખીને લાવવાની શિક્ષકે સજા કરેલી. એટલું જ નહિ કલાપીના પહેરવેશમાં જ રોજ ભણવા આવવાનો કઠોર હુકમ છોડેલો. કવિતા લખાવી-લખાવીને આંગળીએ આંટણ પાડી દીધેલાં. ફાયદો એ થયો કે, અક્ષર સુધરી ગયેલા. એટલે તો એ ડોકટર નહિ બની શક્યો..!
એના કપાળમાં કાંદા ફોડું, મારું ચોઘડિયું ખરાબ હશે કે શું, એક દિવસ હું આ કવિતા ઉપર ‘ચાય પે ચર્ચા’કરવાનો થયો. એની માન્યતાને રદિયો આપવા ગયો એમાં તો, જીભ ઉપર ફોડચી કઈડી ગઈ હોય, એવી મારી હાલત કરી નાંખી. આપણને એમ કે, ધંતુરાએ ‘બરછટ’જેવું તખ્ખલુસ રાખેલું, એટલે કવિતાનો માણીગર હશે. પણ સાવ મોળો દૂધપાક નીકળ્યો. પછી તો આપણે પણ નાની શું કામ ફેંકીએ? ફેંકવામાં કસર છોડીને, પૂછ્યું કે, તને કવિ કલાપીનો પરિચય ખરો? મને કહે, ‘કેવી વાત કરે છે, “ગઈ કાલે જ અમે બસમાં સાથે હતા. મેં એને મારી ઓળખાણ આપી, ‘હું કવિ બરછટ…!’અને એમણે એમ પણ કહ્યું કે, હું કવિ કલાપી, પણ તમારા જેવો ‘બરછટ’કવિ નહિ..! એમાં એમને કન્ડકટર સાથે પરચુરણ બાબતે રકઝક ચાલતી હતી, પછી વચ્ચે પડીને મામલો બંદાએ જ થાળે પાડેલો..!
તારા કપાળમાં કાંદા ફોડું, સાલો, ફેંકવામાં મારા કરતાં પણ સીનીયર નીકળ્યો. અલ્યા, ‘કલાપી એટલે જેનો જનમ ૨૬-૧-૧૮૭૪ ના રોજ થયેલો અને ૧૦-૬-૧૯૦૦ નાં રોજ તો ઉકલી ગયેલા..! લાઠીના જે રાજવી હોય, એ શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ તારી સાથે બસમાં આવે..? પણ વાતનું પડીકું વાળવામાં એવો માહિર, કે તો એ કોઈ બીજા ‘કલાપી’ હશે?’તયે મેં એને કવિ કલાપીની આ રચના સંભળાવી… પણ અડધી કવિતા વાંચી ત્યાં તો એના નાકેથી નસકોરા નીકળવા માંડ્યા. ચીમટો ખણીને ઉઠાડ્યો તો મને કહે, ‘કવિતામાં જો દમ હોય ને, તો મારા જેવા કવિના નાકમાંથી નસકોરા નહિ નીકળે, મોંઢામાંથી ‘વાહ-વાહ’નીકળે. આ તે કોઈ કવિતા છે..? તું મારી રચના સાંભળ.
આપણી તો કેવી જનમ જનમની પ્રીત
તું મારી ગરોળી ને હું જાણે તારી ભીંત
પંક્તિ સાંભળીને એવું ધનુર ઉપડ્યું કે, મારા શરીરના સઘળા સ્પેરપાર્ટસ હલી ગયા..! નામ તેવા ગુણ ના હોય, એવું તો ઘણી વાર સાંભળેલું, પણ ‘તખલ્લુસ જેવા ગુણવાળો પહેલી વાર મારી અડફટમાં આવ્યો. ખરેખર બરછટ…! એની જાત ને, લખવામાં જ નહિ, બોલવામાં પણ બરછટ..! રોજ મુઠ્ઠો ભરીને ગરમ-મસાલો ખાતો હોય એમ, અવાજ પણ એવો ઘોંઘાટી, કે કૂતરું પણ સ્થાન ત્યાગ કરી જાય..! તેલના ખાલી ડબ્બામાં કોઇ પથ્થર હલાવતો હોય, એવો અવાજ એના મુખદ્વારમાંથી નીકળે..! સાંભળનારને સમજ પડે કે ના પડે, રચના જ એવી બુલંદી પેશ કરે કે, શ્રોતાઓ ડોલતા થઇ જાય. આગળ બેઠેલાં શ્રોતાઓ ઉપર તો, રીતસરનો લાઠી ચાર્જ થતો હોય તેવું જ લાગે..! આજે પણ એની લખેલી એક શાયરી, કપાયેલા પતંગની માફક મારા ભેજામાં ખોટકાયેલી છે બોલ્લ્લ્લો..!
કેવો શરીફ માણસ છે બરછટ, પત્નીને ચાહે છે
નવાઈની વાત કે, પોતાની પત્નીને જ ચાહે છે
ચચરાવી નાંખે એવી શાયરી સાંભળવા મળે ત્યારે, ગુપચુપ સાંભળી જ લેવાની. પાણીમાંથી મલાઈ કાઢવાની કોશિશ કરવા ગયા તો, કવિમાંથી ક્યારે ‘બરછટ’બની જાય, ભરોસો નહિ. છતાં, મારા ડહાપણની દાઢની પરવાહ કર્યા વગર એક વાર કહેવાઈ ગયેલું કે, ‘જે ઉંમરે માથે પટીયાં પાડવાનું નહિ આવડતું, એ સમયે આપણે સાથે કલાપીની કવિતા ભણેલા. ‘તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો’તો હજી મગજની બખોલમાં વસવાટ કરે છે. તું કંઈ આવું લખ. મને કહે, ‘કલાપી જેવી આપણી લાઈન નહિ. આ કવિતામાં જીવદયા અને પ્રેમરસનું ‘કોલોબ્રેશન’છે, પંખી અને પથરો તો એક શ્લેષ છે.
પથરો ફેંકતાં ફેંકી દીધાનો જે એકરાર બતાવ્યો છે, એ પ્રેમનો એકાકાર છે. કવિઓ બીજાના આધાર કાર્ડ લઈને જ કવિતાનું ચણતર કરે..! આપણી એ લાઈન નથી..! જિંદગીથી થાકેલો હોય, હાંફેલો હોય, કે દિશાશૂન્ય બની ગયેલો હોય, એ જો આ બરછટની રચનાને, ઉકરડે બેસીને પણ વાગોળે, તો તેના શ્વાસ ખૂટવા નહિ દે..! કેટલાંક કબજીયાતી તો એમની રચના ‘વેસ્ટર્ન’માં બેસીને લલકારતા હોવાથી, તેમને એવી રાહત થઇ જતી કે, ઘણાં તો એને આજે પણ ‘વેસ્ટર્ન કવિ’માને છે બોલ્લો..! એક વાર એની રચના જીભે ચઢી, પછી ઊતરે નહિ. એનું નામ કવિ બરછટ..!
લાસ્ટ બોલ
આદમી અને પ્રાણીમાં તફાવત છે મામૂ..!
માણસ જાતમાં ‘લીવ અને રીલેશન’નું લફરું તો હમણાં આવ્યું. પશુ પંખીમાં તો જનમ જાતથી..! જંગલમાં સિંહ ક્યારેય સિંહણથી ડરતો નથી, કારણ કે માત્ર સિંહણને પ્યાર કરે છે. સિંહણ સાથે આપણી જેમ લગન કરતો નથી. ત્યારે માણસમાં અલગ..! એ સ્ત્રી સાથે લગન કરે છે, પણ પ્રેમ કરતો નથી અને કરતો હોય તો ફૂટપટ્ટીથી માપી-માપીને કરે છે..! એટલે બબાલ અટકતી નથી.
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.