આ એક ગામની અનોખી પ્રથા વિશે જાણવા જેવું છે. આ ગામમાં કોઈના પણ ઘરે રસોઈ બનતી નથી પરંતુ બધાની રસોઈ એક જ જગાએ બને છે અને ગામલોકો બધાં સાથે બેસીને ભોજન કરે છે. પરંતુ આવું કેમ? એવો સવાલ થાય છે ને? તો આનો જવાબ છે આ ગામની જનસંખ્યા 1000ની જ છે. જેમાંથી અમુક લોકો આસપાસનાં મોટાં શહેરોમાં વસે છે તો અમુક જણ વિદેશમાં સેટલ થઈ ગયાં છે તેથી ગામમાં સૌથી વસ્તુ સંખ્યા વડીલોની છે. બસ, આ કારણે વડીલોએ પોતાના ઘરે જાતે રસોઈ બનાવવી નહીં પડે એ માટે ગ્રામજનોએ ભેગાં મળી એક જ જગ્યાએ રસોઈ બનાવી સાથે જમવાનું નક્કી કર્યું.
આ માટે ગ્રામજનો સાથે બેસીને જમતાં જમતાં સુખ-દુ:ખની વાતો કરે, એકબીજાને મદદરૂપ બને છે અને સાથે બેસી ચર્ચા વિચારણા કરીને મોટામાં મોટી મુશ્કેલીઓનો ઉકેલ પણ બતાવે છે. આ અનોખું ગામ આપણા ગુજરાતમાં મહેસાણા જિલ્લાનું ‘ચાંદણકી’ ગામ છે. વળી આ ગામને ‘નિર્મળ’ અને ‘તીર્થધામ’ જેવા એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. તો એક અનોખી પ્રથાને કારણે આ ગામ એકતાનું અનોખું ઉદાહરણરૂપ પુરવાર થયું છે અને તેથી અનોખી પ્રથાને કારણે ભારતભરમાં ચર્ચિત બન્યું છે તો છે ને આ એક અનોખી પ્રથા.
સુરત – શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ધાર્મિક આતંકવાદ
વિવિધ વૈશ્વિક સમસ્યાઓ પૈકીની એક સમસ્યા ધાર્મિક આતંકવાદ અંગેની છે. વિશ્વના અનેક દેશો આતંકવાદથી પરેશાન છે. ધાર્મિક કટ્ટરતાને પરિણામે ધાર્મિક આતંકવાદને પ્રોત્સાહન મળી રહ્યું છે. લોકોની ધાર્મિક લાગણીને ઉશ્કેરાવાથી ધાર્મિક આતંકવાદ વધુ વકરી રહ્યો છે. આતંકવાદીઓ તો ગુનેગાર છે જ પરંતુ એમને ધર્મને નામે ઉશ્કેરનારા મોટા ગુનેગાર. ખાસ કરીને રાજકીય અથવા ધાર્મિક હેતુઓને સિદ્ધ કરવા માટે આ પ્રકારના આતંકવાદને પ્રોત્સાહન મળી રહ્યું છે જે ખૂબ જ દુઃખની વાત છે. એવું જોવા મળી રહ્યું છે કે ધાર્મિક હેતુઓ માટે મળેલા દાનનો ઉપયોગ આતંકવાદ માટે થઈ રહ્યો છે. કોઈ પણ પ્રકારનો આતંકવાદ માનવજીવન માટે ખતરારૂપ છે. ધર્મનાં આધારે આતંકવાદ કે કટ્ટરતાને ક્યારેય યોગ્ય ઠરાવી શકાય નહીં. ફક્ત કોઈ એક દેશ માટે જ નહીં પરંતુ વૈશ્વિક સુરક્ષા માટે પણ આતંકવાદ મોટો ખતરો છે.
નવસારી-ડો. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.