ગઈ તા. 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના બાદથી દેશભરમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. આતંકવાદીઓ પાકિસ્તાનના હોવાની વિગતો બહાર આવ્યા બાદ લોકોનો પાડોશી દેશ પાકિસ્તાન પ્રત્યેનો ગુસ્સો વધી ગયો છે. લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા અનેક રીત અજમાવી રહ્યાં છે, તેના ભાગરૂપે સુરતમાં લોકોએ રસ્તા પર પાકિસ્તાન મુર્દાબાદના સ્ટીકર ચોંટાડ્યા છે, જેથી આવતા જતા વાહનો તે સ્ટીકર પરથી પોતાના ગંદા ટાયર લઈ પસાર થઈ શકે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં લોકો કેન્ડલ માર્ચની સાથે બેનરો-પોસ્ટરો સાથે આંતકવાદ અને પાકિસ્તાન સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ આજે હિન્દુ સંગઠન દ્વારા સુરત સિવિલ હોસ્પિટલથી સોસિયો સર્કલ તરફના રસ્તા પર પાકિસ્તાન મુર્દાબાદનું સ્ટીકર લગાડવામાં આવ્યું છે. હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતાં.
એટલું જ નહીં, યુવકો દ્વારા રસ્તા ઉપર જ પાકિસ્તાની ધ્વજનું મોટું સ્ટીકર લગાડી દેવામાં આવ્યું હતું, જેથી તમામ વાહનો તેના ઉપરથી ચાલીને જાય છે. આ રીતે પાકિસ્તાન સામેનો જે રોષ છે તે પ્રગટ કરવામાં આવી રહ્યો છે. યુવકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને રસ્તા ઉપર મસમોટું સ્ટીકર લગાડીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની લાગણી ઉચ્ચારી હતી.
સુરત શહેર બજરંગ દળના પૂર્વ પ્રમુખ દેવીપ્રસાદ દુબેએ કહ્યું કે, પાકિસ્તાનની કાયરતાપૂર્ણ હરકતનો મોદી સરકાર જવાબ આપશે, પરંતુ આ ઘટનાને લઈને ફરી એક વખત પાકિસ્તાન પ્રત્યેની નફરત વધી ગઈ છે. અમે તેના રાષ્ટ્રીય ધ્વજને રસ્તા ઉપર લગાવી દીધો છે. અમારી લાગણી હતી કે, પાકિસ્તાનને તેની ઓકાત બતાવી જોઈએ અને તેનું જ્યાં સ્થાન છે ત્યાં તેને મૂકવો જોઈએ. આગામી દિવસોમાં પાકિસ્તાન સામે ખૂબ જ ઉગ્ર વિરોધ નોંધાવાના છે અને તેના માટે કાર્યક્રમ પણ આપવાના છે.