Comments

મેલોની મનમોહક પણ પેરિસ ગયેલી ટ્રમ્પની ટોળી અટવાયા કરે

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી ત્યારથી સતત આ માણસ હાઇપર એક્ટિવ એટલે કે અતિશય કાર્યરત રહ્યો છે. ટેરિફથી માંડી બીજા અનેક મોરચે એણે મશીન ગનની માફક સતત ગોળીબાર કર્યે જ રાખ્યો છે. દરમિયાનમાં ટ્રમ્પની બીજી એક વિશિષ્ટ આદત પણ સપાટી પર આવે છે, જે મુજબ આખું અમેરિકા જ્યારે ઊંઘતું હોય ત્યારે રાતના બે વાગ્યાની આસપાસ આ મહાશય પેલી પંક્તિઓ ‘રાત રહે જાહરે પાછલી ખટ ઘડી સાધુ પુરુષે સૂઇ ન રહેવું; નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ, ‘એક તું’‘એક તું’એમ કહેવું’ ચરિતાર્થ કરતા હોય એમ એક કે વધારે બૉમ્બગોળા જેવા ટ્વિટ વહેતા મૂકી દે છે. આખી દુનિયા ભલે એને કારણે ધરતીકંપના આંચકા અનુભવતી હોય, ટ્રમ્પ એમની વૃત્તિ અનુસાર એક યા બીજી પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે અને કશું જ કામ ના હોય તો ગોલ્ફ રમવા ઊપડી જાય છે. દરમિયાનમાં ક્યાંક ક્યાંક વિવાદનો મધપૂડો છંછેડાય એ પણ હવે નવું નથી રહ્યું.

૯ એપ્રિલે એમણે આખી દુનિયા ચોંકી જાય એવું વિધાન કરતાં જાહેર કર્યું છે કે, ટેરિફ મુદ્દે જે ધડબડાટી એણે અત્યાર સુધી બોલાવી છે, તેમાંથી હવે એ ૯૦ દિવસનો વિરામ લેશે. જો કે આ વિરામમાં પણ ચીનને અપવાદરૂપ બહાર રાખ્યું છે એટલે ચીન અને અમેરિકાની ધડબડાટી ચાલુ જ રહેશે. આમ કરવા પાછળનો હેતુ કદાચ એટલા દિવસો પૂરતું મીડિયાનું માળખું સાવ બહેર ના મારી જાય અને વિશ્વને પણ મનોરંજન મળતું રહે તે હોઈ શકે. ક્યારેક અમેરિકાની ઇર્ષ્યા આવે છે કે, કેવા કાર્યરત પ્રમુખ એને મળ્યા છે! હજુ પણ ટ્રમ્પ મોહિત ‘માગા’વાળા ઊંઘમાંય બકવાસ કર્યે જાય છે.

એ લોકોનું સૂત્ર છે કે આ બધું જે થઈ રહ્યું છે તે ‘મેક અમેરિકા, ગ્રેટ અગેઇન’ના લાભાર્થે થઈ રહ્યું છે. અમેરિકામાં એવું કહેવાય છે કે આ પ્રકારની મૂર્ખતાઓ આટલા ટૂંકા સમયમાં અમેરિકા ઉપર વાદળ ફાટે તેમ વરસી પડશે એવું ટ્રમ્પના મોટામાં મોટા ટીકાકારોએ પણ નહોતું માન્યું. ખેર, ‘જો જીતા વો હી સિકંદર’. હવે ચાર વર્ષ માટે માત્ર એને જીતાડનારા જ નહીં, અમેરિકા જ નહીં, પણ આખું વિશ્વ અજંપામાં રહેશે. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ, ઇઝરાયલ અને હમાસનો પ્રશ્ન ચપટી વગાડતામાં ઉકલી જશે, એક નવા યુગનો ઉદય થશે એવી ટ્રમ્પે આપેલી આશાઓ ઠગારી નીવડી છે એ જગતની કમનસીબી છે.

ટ્રમ્પે ૯૦ દિવસની રિસેસ માટેનો બેલ વગાડ્યો તેના ગણતરીના દિવસો પહેલાં ટ્રમ્પના અતિ પ્રિય યુરોપિયન નેતા જ્યોર્જિયા મેલોની આટલાન્ટિક ઓળંગીને ટ્રમ્પને મળવા અમેરિકામાં ખાબક્યા. અમેરિકાના યુરોપ સાથેના સંબંધોમાં જે તિરાડો પડવા માંડી છે તેને રિપેર કરવા માટે મેલોની સૌથી સારો વિકલ્પ છે. બરાબર આની સાથોસાથ ટ્રમ્પના સેક્રેટરી ઑફ સ્ટેટ માર્કો રૂબીયો અને ખાસ દૂત સ્ટીવ વ્હીટકૉફ વિમાને ચઢી પૅરિસ પહોંચ્યા.

એમનું કામ યુરોપિયન યુનિયન અને યુક્રેન સાથે યુદ્ધના ભવિષ્યની ચર્ચા કરવાનું હતું. એક જમાનો હતો જ્યારે મૂછોના આંકડે વળ ચઢી ગયા હોય એવા બે મરદ મૂછાળા અમેરિકા અને રશિયા આખી દુનિયા ઉપર દાદાગીરી કરી ખાતા હતા. એ જમાનો બદલાયો ન હોત તો કાં તો યુક્રેન યુદ્ધ પતી ગયું હોત અથવા દુનિયા પતી ગઈ હોત. આટલા બધા હાકલા-પડકારા કર્યા પછી ટ્રમ્પે થૂંકેલું ચાટવું પડ્યું અને આમ છતાંય કોઇ ૨મેલમાં ધૂણતા ભુવાની માફક ટ્રમ્પ હજી ધૂણે છે અને હાકલા-પડકારા કર્યે રાખે છે. ટ્રમ્પની બાઘાઈ બહુ ઓછા સમયમાં દુનિયા સામે છતી ગઈ એવું નથી લાગતું? ટ્રમ્પ જેમ જેમ પછડાટ ખાતો જશે તેમ તેમ એ વધુ ને વધુ રઘવાયો બનશે. રઘવાટ અને નિરાશાની આ પળોમાં એ કાંઈ એવું ન કરી બેસે કે જે ત્રીજા વિશ્વયુદ્ધમાં નિમિત્ત બને. જો આવું થશે તો આપણા ગ્રહ માટે એ સંપૂર્ણ વિનાશ નોતરનારો હશે.
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top