સાવલી: ડેસર તાલુકાના સાંઢાસાલ ગામે ૨૦ વર્ષીય યુવકની અજાણ્યા ઈસમો દ્વારા ઘા મારી હત્યા કરાઇ હતી. સળગાવી દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. ડેસર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે સાંઢા સાલ ગામે રહેતો જયમીન ગતરોજ રાત્રિના સમયે ગામ માં લગ્ન પ્રસંગ હોવાથી મિત્રો સાથે રસોડા પર જાવ છું, તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. જે રાત્રે ઘરે પરત આવ્યો ન હતો તેનો મોબાઇલ ફોન પર રાત્રિના સાડા દસ વાગ્યાના ની આસપાસ તેના ભાઈ એ ફોન કર્યો હતો. ત્યારબાદ ફોન બંધ થઈ ગયો હતો. ત્યારે પરિવારજનોને એમ કે ગામમાં જગદીશભાઈ શંકરભાઈ પરમારને ત્યાં લગ્ન પ્રસંગ છે તો ત્યાં ગયો હશે. તેવામાં આજે વહેલી સવારે સાઢાસાલથી મેવલી જવાના માર્ગ પર સ્મશાન જવાના રસ્તે બળીયા દેવ ના મંદિરના બાંકડા ઉપર ગ્રામજનો એ અર્ધ બળેલી હાલતમાં યુવકનો મૃતદેહ જોયો હતો અને ડેસર પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.

બનાવની જાણ ગામમાં અને આસપાસમાં થતા ઘટના સ્થળે ભીડ ઉમટી પડી હતી ત્યારે ગતરાત્રીથી સવાર થવા આવી ત્યાં સુધી ઘરે પરત ન આવેલ દીકરાના પિતા અને તેનો ભાઈ પણ ત્યાં બળિયાદેવ મંદિર પહોંચ્યા હતા ત્યારે ત્યાં જઈને જોતા કિરણસિંહ ગોહિલના પુત્ર જયમીન ની લાશ હોવાનું જણાવ્યું હતું. ડેસર પોલીસે તપાસ આરંભી હતી. ત્યારે મૃતક જયમીનના મૃતદેહને તપાસતા જેના માથાના પાછળના ભાગે અને પેટમાં ભાગે કોઈ હથિયાર વડે ઘા મારેલા હતા અને તેના આંતરડા પણ બહાર આવી ગયા હતા. ત્યારે હત્યારાઓ હત્યા કર્યા બાદ તેને કોઈ જ્વલનશીલ પદાર્થ તેના શરીર પર છાંટીને સળગાવી દીધો હતો અને ફરાર થઈ ગયા હતા.

પ્રાથમિક તપાસમાં મૃતક રાત્રે ૯ થી ૧૦ વાગ્યા સુધી તે ગામમાં જ હતો માહિતી મળી હતી અને તે ગામની જ કોઈ યુવતીના પ્રેમમાં હોય આ હત્યા પાછળ હાલ પ્રેમ પ્રકરણ જ જવાબદાર હોવાની શંકા સેવાઈ રહી છે. મૃતક જયમીન ગોહિલના મૃતદેહને ડેસર સરકારી દવાખાને પીએમ અર્થે ખસેડી અને હત્યારાઓ નું પગેરું શોધવા ડેસર પોલીસે તજવીજ હાથ ધરી છે. આમ સાવલી અને ડેસર તાલુકામાં ઉપરા છાપરી એક જ દિવસમાં બે હત્યાના બનાવો નોંધાતા સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે અને જિલ્લાની પોલીસ એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી