છેલ્લા ૨૭ વરસથી પ્રા. શાળામા ફરજ બજાવતા હતા
વિધાર્થીઓ અને વાલીઓ ચોંઘાર આંસુએ રડ્યા
વાઘોડિયા:
તાલુકાના પિપરકુઈ પ્રાથમિક શાળામાં છેલ્લા 27 વર્ષથી ફરજ બજાવતા શિક્ષક પરેશભાઈ રસિકભાઈ પટેલની વય મર્યાદા પુર્ણ થતા તેમની વય નિવૃત્તિનો ભાવભીનો વિદાય સમારોહ પિપરકુઈ પ્રા શાળા ખાતે યોજાયો હતો. શાળા અને ગામ લોકોના કામ માટે આ શિક્ષક હંમેશા અગ્રેસર રહેતા હતા. કર્તવ્ય નિષ્ઠ અને સરળ સ્વભાવ હોવાના કારણે ન માત્ર શાળાના બાળકો પરંતુ ગ્રામજનો સહિત આસપાસની ગામના શાળાના શિક્ષક શિક્ષિકાઓ સાથે આત્મીય સંબંધ ઘરાવતા હતા.bબાળકોના અભ્યાસ અર્થે પોતાના ગાંઠના રૂપિયા ખર્ચી નાંખતા હતા.

આજે પ્રાથમિક શાળા ખાતે તેઓનો વય નિવૃત્તિનો વિદાય સમારોહ યોજાતા ગામના સરપંચ ઠાકોરભાઈ પટેલ, ઉપસરપંચ, ગામના આગેવાનો તાલુકાના શિક્ષક શિક્ષિકાઓ, ગાયત્રી પરિવારના સભ્યોએ તેમનું ફુલહાર અને શાલ ઓઢાવી તેમજ મોમેન્ટો આપી સત્કાર કર્યો હતો. નિવૃત્તિ પછી પરિવાર સાથે સ્વસ્થ જીવન ગાળે તેવી શુભેચ્છા પાઠવવામા આવી હતી. વિદાય સમારોહને યાદગાર બનાવવા સમગ્ર ગામે શાળા ખાતે ભોજન જમ્યુ હતુ. ગામના યુવક મંડળને યાદગીરી સ્વરુપે 400 ડિશ વાટકીની ભેટ શિક્ષકે આપી હતી. ઢોલ નગારા સાથે શિક્ષક પરેશભાઈને બાળકો, વાલીઓ અને શિક્ષકોએ પુષ્પોની વર્ષા કરી વિદાય આપતા ગ્રામજનો, શાળાના બાળકો અને શિક્ષકોની આંખના ખુણા ભીંજાયા હતા. સાથી શિક્ષક મિત્રોએ પરેશભાઈ પટેલને ખભે બેસાડી વિદાય આપી હતી. પરેશભાઈ શિક્ષકે આટલા વર્ષોની આ ગામ અને શાળા સાથે યાદગાર વાતોનુ સ્મરણ કરતા ગ્રામજનો ભેટી પડી હિબકે ચઢ્યા હતા.જેના કારણે વિદાય પ્રસંગે હાજર સૌના હૈયા ભરાઈ આવતા ગામ આખુ હિબકે ચઢ્યુ હતુ.નાનાનાના ભુલકાઓએ ગુરુને પાયે પડી આર્શીવાદ લીધા હતા.