Columns

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સિવાય બહુ ઓછા વિકલ્પો બચ્યા છે

પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો ૨૦૧૯ પછી જમ્મુ અને કાશ્મીરમાં થયેલો સૌથી ઘાતક હુમલો છે, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા. આ હુમલા પછી ભારતમાં અને પાકિસ્તાનમાં જે ગતિવિધિઓ શરૂ થઈ છે, તેનો અભ્યાસ કર્યા પછી લાગે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સિવાય કોઈ રીતે આ દુષ્કૃત્યનો બદલો લઈ શકાય તેમ નથી. ભારતે આતંકવાદી હુમલાના જવાબમાં સિંધુ જળ સંધિ સ્થગિત કરી દેવાની ધમકી આપી છે તો પાકિસ્તાને સિમલા કરારનો ત્યાગ કરવાની ધમકી આપી છે.

આ બંને પગલાં એવાં જલદ છે કે તેના પરિણામે યુદ્ધ ફાટી નીકળે તેવી તમામ સંભાવના છે. પાકિસ્તાન સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણયને વધુ ગંભીરતાથી લઈ રહ્યું છે. જો ભારત આ નિર્ણય દ્વારા પાકિસ્તાનમાં જતું નદીઓનું પાણી સંપૂર્ણપણે બંધ કરી દે તો તે પાકિસ્તાન માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. ભારત દ્વારા અટારી સરહદ બંધ કરવાના અને પાકિસ્તાનનાં નાગરિકોના વીસા રદ કરવાના આદેશને પણ યુદ્ધની તૈયારી તરીકે જોવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે પાકિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને પણ ઝડપથી ભારત પાછા ફરવાની સૂચના આપવામાં આવી છે.

પાકિસ્તાન દ્વારા તેની હવાઈ સ્પેસ ભારતનાં નાગરિક વિમાનો માટે બંધ કરવાનું પગલું પણ યુદ્ધ તરફ દોરી જાય તેવું છે. કેબિનેટ કમિટિ ઓન સિક્યોરિટીની બેઠક પછી ગૃહ પ્રધાન અમિત શાહ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર લાલ ફાઈલ લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા તે ઘટના પણ બહુ સૂચક છે. ભારતનાં રાષ્ટ્રપતિ લશ્કરની ત્રણેય પાંખોનાં વડાં છે. કોઈ પણ યુદ્ધ સંબંધિત કાર્યવાહી શરૂ કરવા માટે રાષ્ટ્રપતિની લેખિત અનુમતિ જરૂરી હોય છે.

ભારત દ્વારા દુનિયાના તમામ દેશોના રાજદૂતોને બોલાવીને જે સંદેશો આપવામાં આવ્યો તે પણ યુદ્ધની પૂર્વતૈયારી જેવો હતો. આજથી એક અઠવાડિયા પહેલાં વડા પ્રધાન મોદીની કાશ્મીર મુલાકાત રદ કરવામાં આવી ત્યારથી સોશ્યલ મિડિયામાં સંદેશા વહેતા થઈ ગયા હતા કે કાશ્મીરમાં કંઈક મોટું બનવાનું છે. આ કારણે જ કેટલાંક લોકો શંકા સેવી રહ્યાં છે કે પહેલગામમાં જે હુમલો થયો તેનો ખ્યાલ સુરક્ષા તંત્રને હતો, પણ તેણે તેને અટકાવવા માટે કોઈ પગલાં લીધાં નહોતાં.

પાકિસ્તાની પત્રકારો અને વિશ્લેષકો કહે છે કે જો ભારત પાણી પુરવઠો બંધ કરે તો તે યુદ્ધની ઘોષણા હશે. પ્રખ્યાત પાકિસ્તાની પત્રકાર અને વિશ્લેષક નજમ સેઠીએ પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સમા ટી.વી.ને જણાવ્યું હતું કે પાકિસ્તાનને લાગશે કે ભારતે બે પરિસ્થિતિઓમાં યુદ્ધ શરૂ કર્યું છે. એક નદીઓનું પાણી રોકીને અને બીજી કરાચી બંદરને અવરોધિત કરીને. પાકિસ્તાન આ બંને પરિસ્થિતિઓને યુદ્ધનાં કૃત્યો તરીકે લેશે અને આવી સ્થિતિમાં પાકિસ્તાનને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનો અધિકાર છે.

આ બાબતમાં પાકિસ્તાનનો વિચાર ખૂબ જ સ્પષ્ટ છે. બીજી પરિસ્થિતિ એ છે કે જો ભારતીય સેના પાકિસ્તાનના કોઈ પણ વિસ્તાર પર કબજો કરે છે તો આપણે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે પહેલાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરવાની જવાબદારીથી પણ બંધાયેલાં નથી. જો કે, ભારત એ નીતિનું પાલન કરે છે કે તે પહેલાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે નહીં. ઓગસ્ટ ૨૦૧૯ માં ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે અત્યાર સુધી અમારી નીતિ એવી છે કે અમે પહેલાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું નહીં; પરંતુ ભવિષ્યમાં આ નીતિ પરિસ્થિતિ પર નિર્ભર રહેશે. ઘણા સંરક્ષણ વિશ્લેષકો પહેલાં પરમાણુ શસ્ત્રોનો પહેલો ઉપયોગ ન કરવાની ભારતની નીતિની ટીકા કરતા રહ્યા છે.

પાકિસ્તાન માટે સિંધુ જળ સંધિનું પાણી તેના માટે જીવનરેખા જેવું છે અને કરાચી બંદરની કાર્યકારી સ્થિતિ પણ આવી જ બાબત છે. આવી સ્થિતિમાં ભારત સાથેના તણાવના સમયમાં પાકિસ્તાન આ બે બાબતોની સૌથી વધુ ચિંતા કરે છે. નજમ સેઠી કહે છે કે ભારત રાતોરાત પાણી બંધ કરી શકતું નથી. ભારતને પાણી બંધ કરવા માટે ઓછામાં ઓછા પાંચથી દસ વર્ષ લાગશે. જો ભારત આ નિર્ણય લાગુ કરે છે તો ચીન પણ ભારત સાથે આવું જ કરી શકે છે. ભારત ઇઝરાયલ નથી અને આપણે પેલેસ્ટાઇન નથી. ભારત નિયંત્રણ રેખા પર પરિસ્થિતિ ગરમ કરશે. ભારત યુદ્ધવિરામ તોડશે અને આવી સ્થિતિમાં પશ્ચિમ તરફથી LOC પર સૈન્ય તૈનાત કરવું પડશે.

ગુરુવારે, પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જો સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાનને આપવામાં આવતું પાણી કોઈ પણ રીતે રોકવામાં આવશે અથવા બીજે વાળવામાં આવશે તો તેને યુદ્ધ તરીકે લેખવામાં આવશે અને તેનો સંપૂર્ણ તાકાતથી જવાબ આપવામાં આવશે. ભારતીય સંરક્ષણ વિશ્લેષક રાહુલ બેદીએ પૂછ્યું કે શું પાકિસ્તાન ખરેખર સિંધુ જળ સંધિના સસ્પેન્શન અને કરાચી બંદરને અવરોધિત કરવાને યુદ્ધના કૃત્ય તરીકે લેશે? જો પાકિસ્તાનને સિંધુ જળ સંધિમાંથી પાણી નહીં મળે, તો તેનું અર્થતંત્ર નાશ પામશે અને જો ભારત કરાચી બંદરને અવરોધે તો પાકિસ્તાન સંપૂર્ણપણે તૂટી જશે. ભારતનું નૌકાદળ હાલમાં ખૂબ જ સારી સ્થિતિમાં છે અને તેની પાસે કરાચી બંદરને અવરોધિત કરવાની પૂરતી ક્ષમતા છે.

પાકિસ્તાને ધમકી આપી છે કે તે શિમલા કરારમાંથી બહાર નીકળી જશે. શિમલા કરારમાંથી બહાર નીકળ્યા પછી નિયંત્રણ રેખા (LOC) નો હવે કોઈ અર્થ નથી. શિમલા કરારમાં LOC ને ડિફેક્ટો સરહદ તરીકે સ્વીકારવામાં આવી હતી, પરંતુ હવે તે રેખા પણ એવી બની ગઈ છે કે પાકિસ્તાન કહી રહ્યું છે કે તે તેને સ્વીકારશે નહીં. આનો અર્થ એ છે કે ભારત અને પાકિસ્તાન બંને પોતાની શક્તિના બળ પર એકબીજા પર હુમલો કરી શકે છે. ઘણા નિષ્ણાતો સિંધુ જળ સંધિ અને શિમલા કરારને સલામતી જાળ તરીકે જુએ છે. બંને કરારોમાંથી બહાર આવ્યા પછી પાકિસ્તાન અને ભારત એવી જટિલ પરિસ્થિતિમાં પહોંચી શકે છે, જેમાં યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.

છેલ્લા દાયકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે વખત તણાવની પરિસ્થિતિ પેદા થઈ હતી. સપ્ટેમ્બર ૨૦૧૬ માં જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક થયેલા ઘાતક હુમલામાં ૧૯ ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. આ પછી, ભારતે નિયંત્રણ રેખા (LoC) પાર એક જોરદાર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને દાવો કર્યો કે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં આતંકવાદીઓનાં ઠેકાણાંઓને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. ૨૦૧૯ માં પુલવામામાં એક હુમલો થયો હતો, જેમાં ૪૦ અર્ધલશ્કરી જવાનો શહીદ થયા હતા.

આ પછી ભારતે બાલાકોટમાં કથિત આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ૧૯૭૧ પછી આ પહેલી વાર હતું જ્યારે ભારતે પાકિસ્તાનની અંદર હુમલો કર્યો હતો. પાકિસ્તાને લડાકુ વિમાનોથી જવાબ આપ્યો અને ત્યાર બાદ થયેલા સંઘર્ષમાં એક ભારતીય પાયલટને પકડી લીધો હતો. આમાં, બંને પક્ષો તરફથી શક્તિ પ્રદર્શન થયું, પરંતુ સંપૂર્ણ યુદ્ધ ટાળવામાં આવ્યું હતું. પહલગામના આતંકવાદી હુમલાને પગલે ભારતના વડા પ્રધાન મોદીએ ઘોષણા કરી છે કે પાકિસ્તાનને ભૂતકાળમાં ક્યારેય ન ભણાવાયો હોય તેવો પાઠ ભણાવવામાં આવશે. આ પાઠ યુદ્ધના રૂપમાં હોઈ શકે છે.

વિદેશ નીતિ વિશ્લેષક માઈકલ કુગેલમેન માને છે કે તાજેતરના હુમલામાં મોટી સંખ્યામાં મૃત્યુ અને ભારતીય નાગરિકોને નિશાન બનાવવાથી એવી આશંકા ઊભી થઈ છે કે જો ભારત હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવા મેળવે તો ભારતીય સેના પાકિસ્તાન વિરુદ્ધ કડક સૈન્ય કાર્યવાહી કરી શકે છે. ભારત પાસે બે વિકલ્પો બાકી છે. પ્રથમ ૨૦૨૧ નો LOC યુદ્ધવિરામ નબળો પડી રહ્યો છે, તેથી ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરહદ પારથી ગોળીબાર માટે લીલી ઝંડી આપી શકે છે. બીજું, ૨૦૧૯ ની જેમ, હવાઈ હુમલો કરી શકે છે અથવા પરંપરાગત ક્રુઝ મિસાઇલ હુમલાનો વિકલ્પ પણ અસ્તિત્વમાં છે, જેમાં બદલો લેવાનું જોખમ રહેલું છે. જો ભારત ક્રુઝ મિસાઈલ વડે પાકિસ્તાન પર હુમલો કરશે તો પાકિસ્તાન વળતો જવાબ આપ્યા વિના રહેશે નહીં. ભારત અને પાકિસ્તાન બંને પાસે અણુબોમ્બ છે તે જોતાં આ યુદ્ધ ભીષણ હોઈ શકે છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે તેમની ૫૬ ઇંચની છાતી પુરવાર કરવાની આ ઉત્તમ તક છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top