Charchapatra

સલામતી વગરના પ્રવાસનો શો અર્થ?

પહેલગામમાં જે થયું, જે રીતે થયું એ અત્યંત દુઃખદ છે, આઘાતજનક છે. સરકાર કડક પગલાં લેવા મક્કમ છે. લેશે એની ખાતરી છે. છતાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોએ જે પ્રશ્ન કર્યો એ મહત્ત્વનો છે. જ્યાં રોજના બે હજાર ટુરિસ્ટ મુલાકાત લેતા હોય એ જગ્યા કે જેને અડીને ગાઢ જંગલો આવેલા છે તથા એ જગ્યા પર જવા માટે ટેકરી પાર કરવાની છે ત્યાં કોઈ જ સુરક્ષા વ્યવસ્થા નહોતી! આતંકવાદીઓ આરામથી ત્યાં રોકાઈ છવ્વીસ નિર્દોષ પ્રવાસીઓને ગોળીઓથી વીંધે એ ન સમજાય એવી વાત છે.

આટલા નરસંહાર પછી પણ પોલીસ કે આર્મી તાત્કાલિક મદદે ન આવે એ સિક્યુરિટી વ્યવસ્થાની નિષ્ફળતા જ ગણાય. દુર્ઘટના પછી સરકાર ગમે તે પગલાં લે પણ નિર્દોષ નાગરિકોના પરિવારની જીવનભરની વેદનાનું શું? સરકાર પોતાની નિષ્ફળતા છુપાવે એ યોગ્ય નથી. જો સલામતીની કોઈ વ્યવસ્થા કરી શકતા ન હોય તો ટુરિઝમનો ડંકો વગાડવાનો શો અર્થ? ભૂતકાળમાં પણ કાશ્મીરમાં અનેક નિર્દોષોનું લોહી રેડાયું હતું. થોડો સમય ટુરિઝમ ઉદ્યોગને ફટકો પડયો પછી બધું ભુલાઈ ગયું. લોકોએ આવા સ્થળોએ પ્રવાસે જવાની ઘેલછા છોડી દેવી એ જ ઉપાય છે.
સુરત     – સુનીલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કાશ્મીરના હુમલામાં એક અદની માનવતા
મંગળવારની સાંજ આખા ભારતમાં એક સરખી હતી. કોણ જાણે આ ખૂબ સરસ સ્થળ અમુક સમય માટે ચિચિયારીથી ભરાઈ ગયું. તેવા સમયમાં સાચો સાથી (કુરાન મુજબ સુરએ માએ દા એટલે એક જીવને મારી નાખવો આખા બ્રહ્માંડને મારી નાખવા જેવું છે. ) જે કુરાનમાં સાચી મન્નત ધરાવતા લોકો માનવતાનો દીવો પ્રગટાવે છે. બાકી નાગરિકોની બદનામી દરેક પર કરવી યોગ્ય નથી. ‘સૈયદ આદિલ હુસેન શાહ’ ખરેખર સાચો મુજાહિદ્દીન જેણે પોતાની જાનની પરવા કર્યા વગર આતંકવાદી સામે બાથભરી પહેલા તો આતંકવાદીને સમજાવ્યો કુરાનની આયતો પઢી, હદીસ પઢી કીધું કે આ લોકો નિર્દોષ છે.

તેને મારવાની ઇસ્લામ સરિયત પરવાનગી નથી આપતું પણ આતંકવાદી ના માન્યો એણે ટૂરિસ્ટ સામે બંદૂક તાણી ત્યારે આદિલ હુસેન શાહે તે બંદૂક છીનવવાની કોશિશ કરી અને આતંકવાદીએ તેને ગોળી મારી હત્યા કરી. એક સાચી મહેમાન ગતિ કરતાં મુસ્લિમ બિરાદરનું અવસાન થયું. જે આખી દુઃખદ ઘટનામાં અમર ભાગ બની આખા કટ્ટર મુસ્લિમ કે હિન્દુને એક સંદેશ આપતો ગયો છે. ભારત એક અખંડ દેશ છે. સમાજમાં માનવતા મરી નથી પરવારી પણ સિસ્ટમમાં માનવતા મરી પરવારી હોય તે બાબત કળથીયા પરિવારની વિધવા પાસેથી પણ જાણી શકાય છે.
તાપી    – હરીશ ચૌધરી      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top