મારા તા. ૨૩/૦૪ ના ચર્ચાપત્રના અનુસંધાને મૂળ ચર્ચાપત્રીશ્રી એ ૨૪/૦૪ ના રોજ પ્રત્યુતર પાઠવ્યો છે જે બાબતે મારો પ્રત્યુતર આ મુજબ છે.: (૧) ભારતમાં બંધારણ સર્વોપરી છે, નહીં કે સંસદ, અને રાજ્યવ્યવસ્થાના ત્રણ અંગો (ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર) એ બંધારણ મુજબ કાર્ય કરવાનું હોય છે. (૨) દેશનું બંધારણ ચેક અને બેલેન્સની મજબૂત વ્યવસ્થા આપે છે જેમાં ન્યાયતંત્રનો પણ અહમ્ રોલ છે. કોઈ ચોક્કસ વર્ગનાં હિતમાં ન્યાયતંત્ર જો કોઈ વિવાદાસ્પદ કાનૂન હાથ પર લેતું હોય તો એમ કહેવું, ‘તો પછી સંસદની શી જરૂર છે’, મારી દૃષ્ટિએ ઉદ્દામવાદી વલણ છે. (૩) કોઈપણ વ્યવસ્થાની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેના વાહકો પર હોય છે.
એ સર્વવિદિત છે કે સાંપ્રત કાળમાં દેશની સંસદમાં કેવાં પ્રકારની જનપ્રતિનિધિઓ બેસે છે અને તેમની બંધારણ પ્રત્યેની વફાદારી કેવી કે સ્વતંત્ર વજૂદ કેટલું છે. (૪) એ સર્વવિદિત છે કે દેશની સંસદ કેટલી સુચારરુરૂપે ચાલે છે અને તેમાં રજૂ કરવામાં આવેલ બિલો પર કેટલી અને કેવા પ્રકારની ચર્ચા થાય છે. (૫) ચર્ચાપત્રીશ્રીનું એ વિધાન સરાસર ખોટું છે કે મેં વકફ કાનૂન પર કોઈ મંતવ્ય રજૂ કર્યું છે. (૬) લોકશાહીમાં દરેક નાગરિકને પોતાની સ્વતંત્ર વિચારસરણી ધરાવવાનો હક છે અને કોઈ રીતે મારી વિચારસરણી કોંગ્રેસની વિચારસરણી સાથે મેળ ખાતી હોય એનો મતલબ એવો નથી કે હું કોંગ્રેસી છું – જો કે કોંગ્રેસી હોવું પણ કોઈ ગુનો બનતો નથી. આ મુદ્દે હવે હું મારા તરફથી વાતનું સમાપન કરું છું.
નવસારી – કમલેશ આર. મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગદ્દારોનો હિસાબ કોણ કરશે?
પહેલગામનાં આતંકી હુમલાએ ફરી એક વાર સાબિત કર્યું કે, સ્થાનિક ગદ્દારો વગર આતંકવાદી હુમલો શક્ય નથી! ગદ્દારો હુમલાખોર દેશના નથી પણ આપણા પોતાના જ દેશના છે! જે આપણી ધરતી પર ઉછરી તેના પર લોહી વહેવડાવતા શરમ નથી અનુભવતા! આશ્ચર્યની વાત તો એ છે કે, જે દેશ માટે આ લોકો ગદ્દારી કરે છે એ દેશમાં એ લોકોની કોઈ કિંમત જ નથી! આતંકવાદીઓ બદલાયા કરતા હશે પણ ગદ્દારો મોટે ભાગે એકના એક જ હોય છે! ગદ્દારીના બદલામાં પૈસા મળતા હશે અને નહી પણ આ ગદ્દારો મિથ્યાભિમાનમાં રાચતા હોય છે! આતંકવાદ કાબુમાં લેવો હોય કે, ભાંગફોડિયા પ્રવૃત્તિ રોકવી હોય તો સત્તાધીશોએ આવા ગદ્દારો પર નજર રાખવી પડશે.
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.