Business

દેવગઢ બારીઆ અને ધાનપુરમાં મનરેગા યોજનાના કામોમાં ભ્રષ્ટાચાર : દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવી


દાહોદ જિલ્લામાં હવે તો કૌંભાંડોએ માઝા મુકી : નકલી કચેરી અને નકલી બિન ખેતી પ્રકરણ બાદ વધુ એક કૌંભાંડ સામે આવતાં ખળભળાટ



દાહોદ તા.૨૫

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ અને ધાનપુર તાલુકામાં મનરેગા કામોમાં ગેરરીતી બહાર આવી છે. એજન્સીઓના જવાબદાર વ્યક્તિઓ તેમજ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ કરાર આધારિત કર્મચારીઓએ એકબીજાના મેળાપીપણમાં મનરેગાના કામોમાં સ્થળ પર અધુરા કામો કરી બારોબાર બિન અધિકૃત એજન્સીઓને નાણાં ચુકવી દીધા હોવાનો ઘટસ્ફોટ થતાં દાહોદ જિલ્લામાં ચકચાર સાથે સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે. આ મામલે ખુદ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

દાહોદ જિલ્લામાં ચકચાર મચાવી મુકે તેવું વધુ એક કૌંભાંડ બહાર આવ્યું છે. આ મામલે ખુદ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બળવંતભાઈ મેરજીભાઈ પટેલે દાહોદ બી ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નિયામક બળવંતભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, તારીખ ૦૧.૦૧.૨૦૨૧થી તારીખ ૩૧.૧૨.૨૦૨૪ના સમયગાળા દરમ્યાન દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કુવા, રેઢાણા ગામે તથા ધાનપુરના સીમામોઈ ગામમાં થયેલા મનરેગા યોજના હેઠળના સામુહિક કામોની સ્થળ તપાસણી અન્વયે મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ કરવાના થતાં કામે અપુર્ણ જણાઈ આવ્યાં છે. તેમ છતાં તે kનું કમ્પલીશન સર્ટી તથા ખોટા પુરાવા ઉભા કરી પુર્ણ પેમેન્ટ કરી દેવામાં આવેલ છે. તેમજ મેળવી લેવામાં આવલ છે. તમામ બિનપાત્રતા ધરાવતી એજન્સી તથા જવાબદાર સરકારી અધિકારી/કર્મચારીઓએ એકબીજાના મેળાપીપણામાં પુર્વ આયોજીત ગુનાહિત કાવતરૂ રચી જનકલ્યાણ માટેના મનરેગા યોજનાના સામુહિક કામોમાં એજન્સી દ્વારા અધુરા કામો થયેલ હોવા છતાં મનરેગાના કામો માટે માલસામાન સપ્લાઈ કરવાની ટેન્ડર પ્રોસેસમાં ભાગ લીધો નથી અથવા પોતે તે ટેન્ડર પ્રક્રિયામાં નથી અને સપ્લાઈ કરવા અધિકૃત નથી એની કાયદેસરની હકીકત જાણવા છતાં આ એજન્સીઓએ ગેરકાયદેસર રીતે સરકારી નાણાં મેળવી નાણાં ચુકવનાર દ્વારા બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને નાણાંની ચુકવણી કરી કાયદેસરની કરવાની થતાં ફરજમાં નિષ્કાળજી દાખવનાર જવાબદાર સરકારી અધિકારી/કર્મચારી/કરાર આધારીત કર્મચારીએ બિનપાત્રતા ધરાવતી એજન્સી સાથેના એકબીજાના મેળાપીપણા કરીને પોતાના આર્થિક લાભ માટે કીમતી દસ્તાવેજાે બનાવી તેનો ખાસ તરીકે ઉપયોગ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડી સરકારની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાે હોવાનો ઉલ્લેખ ખુદ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બળવંતભાઈ પટેલે પોલીસમાં આપેલ ફરિયાદમાં જણાવતાં દાહોદ જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સંબંધે દાહોદ બી ડિવીઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

Most Popular

To Top