Comments

મુક્ત વાતાવરણ પૂરું પાડતું અમેરિકાનું શિક્ષણ હવે મુક્ત છે ખરું?

જ્યારથી યુ.એસ.માં ડોનાલ્ડ ટ્રમ્પનું શાસન શરૂ થયું છે ત્યારથી વારે ઘડીએ અમેરિકાની ગતિવિધિ પર ધ્યાન જાય છે. અમેરિકા જેવા વિશ્વના સૌથી શક્તિશાળી અને લોકશાહી દેશમાં બહુમતીથી ચૂંટાયેલી સરકાર જ્યારે એકઝાટકે દેશની અને વિશ્વની વ્યવસ્થા બદલી નાખવાની પેરવી કરે ત્યારે જે અરાજકતા ફેલાય એનો સાક્ષાત્કાર થઇ રહ્યો છે. તાત્કાલિક ધોરણે વિશ્વવ્યવસ્થા બદલી નાખવાની ખેવના પાર પાડવા આપખુદ વલણ જરૂરી છે જેને આલોચના નથી ખપતી.

તેઓ સતત વિવેચકોને નિયંત્રિત કરવાના પ્રયાસ કરતા રહે છે. એટલે જે સંસ્થા વિદ્યાર્થીને આલોચન કરતાં શીખવાડે એ તો એમના રડાર પર સૌથી ઉપર આવે. અત્યારે આ ઘટના ભલે અમેરિકાના સંદર્ભમાં તપાસતાં હોઈએ પણ, આ વલણ દુનિયાભરના શાસકોમાં વ્યાપક છે. આપણા દેશમાં પણ આપણે જે.એન.યુ, જાધવપુર યુનિવર્સિટી કે હૈદરાબાદ યુનિવર્સિટી તરફનું સરકારનું વલણ આપણે જોઈ ચૂક્યાં છીએ.

ટ્રમ્પ શાસન નિશાના પર એ બધી ઉચ્ચ શિક્ષણની સંસ્થા છે જે તેમના ઉદારમતવાદી વલણ માટે જાણીતી છે, ભલે ને વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં એની ગણતરી થતી હોય. હાર્વર્ડ અને કોલંબિયા સહિત ૬૦ યુનિવર્સિટી સામે ટ્રમ્પ શાસને નોટીસ મોકલી ગાઝા યુદ્ધ વિરોધી વલણ ધરાવતાં વિદ્યાર્થીઓની યાદી આપો અને એવી પ્રવૃત્તિ બંધ કરો જે ટ્રમ્પ શાસનને માફક ના આવતી હોય, નહિતર તેમને મળતી સરકારી નાણાં સહાય બંધ થઇ જશે.

ઉચ્ચ શિક્ષણ પાયામાં જ નિર્ણયાત્મક રીતે વિચાર કરવાની ક્ષમતાનો વિકાસ છે. અદ્યતન જ્ઞાનને જાણવા, સમજવાની સાથે એને પડકારવાની ક્ષમતા અને નવી રીતે વિચારવાની કુશળતા કેળવાય ત્યારે સાચા અર્થમાં ઉચ્ચ શિક્ષણનો હેતુ સચવાય. જેને માટે જરૂરી છે પ્રશ્નો પૂછવાની આદત. કોઈ પણ થિયરીને જેમ દેખાય છે તેમ માની નહિ લેવાની, પ્રશ્નો કરવાના અને એના તર્ક સુધી પહોંચવાનું. જો તર્ક સાથે સંમત ના થવાય તો વૈકલ્પિક વિચાર રજૂ કરવા સુધી પહોંચવાનું. એને માટે વૈજ્ઞાનિક ઢબે જરૂરી સંશોધન કરવાનું. આ તાલીમ જ ઉચ્ચ શિક્ષણને ‘ઉચ્ચ’બનાવે છે.

જ્યારે વિદ્યાર્થીને પ્રશ્નો પૂછતાં શીખવવામાં આવે ત્યારે એ કૌશલ માત્ર વિષય પૂરતું મર્યાદિત નથી રહેવાનું. યુવાન વિદ્યાર્થી સામાજિક અને રાજકીય વ્યવસ્થા અંગે પણ સવાલ કરશે જ. એવું હોવું પણ જોઈએ. એ જ તંદુરસ્ત લોકશાહી સમાજની નિશાની છે. તો સમય અને પરિસ્થિતિ બદલાતાં નવા સમાજના નિર્માણની પ્રક્રિયા ચાલુ રહે. આવી તાલીમ આપતી સંસ્થાઓને સરકારે જ ટેકો કરવો પડે કારણ કે જો એ ખાનગી ભંડોળથી ચાલતી હોય તો એની ફી વિદ્યાર્થીને પરવડે નહિ એટલે સર્વાંગી કેળવણીવાળું શિક્ષણ માત્ર ભદ્ર વર્ગ પૂરતું સીમિત રહે.

વિશ્વમાં અમેરિકાની યુનિવર્સિટી દ્વારા અપાતી ડીગ્રીનું મહત્ત્વ ગણાય છે કારણ કે ત્યાં વિદ્યાર્થીને પુસ્તકિયા જ્ઞાનથી આગળ વધીને વિચારવાનું શીખવાડાય છે. અમેરિકાની યુનિવર્સિટીની તાલીમમાં સંશોધન માટેની સઘનતા છે જેને કારણે એની ગુણવત્તા વિશ્વસનીય ગણાય છે. એમાં પણ જો હાર્વર્ડ કે કોલમ્બિયા યુનિવર્સિટી જેવી આઈ.વી. લીગની સંસ્થા હોય તો તેમની તાલીમ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. દુનિયાભરનાં વિદ્યાર્થીઓનું સપનું આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવાનું હોય છે. એમના થકી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનું પોતાનું એક આર્થિક તંત્ર ઊભું થયું છે.

રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ જે સમજે છે એમ આયાત-નિકાસ માત્ર ચીજવસ્તુની જ નથી હોતી. સેવાઓની લેણ-દેણ પણ આયાત-નિકાસ જ ગણાય. શિક્ષણ એક સેવા છે જેની સૌથી વધુ નિકાસ કરનાર દેશ અમેરિકા છે. અમેરિકાથી નિકાસ થતી વસ્તુઓમાં એનો ક્રમાંક દસમો આવે. આ એવી નિકાસ છે જેને માટે વિદેશી ગ્રાહક એટલે કે વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકાની ધરતી પર આવે છે અને સાથે વિદેશી નાણાં લાવે છે. ગયા શૈક્ષણિક વર્ષમાં ૧.૧ મિલિયન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીમાં ભણવા આવ્યાં હતાં.

જેમના થકી ૪૩.૮ બિલિયન ડૉલરની આવક થઇ હતી. દરેક વિદ્યાર્થી આશરે ૨૯,૦૦૦ ડૉલર ખાવા-પીવા, રહેવા અને અન્ય વસ્તુ પર ખર્ચ કરતાં હોવાનો એક અંદાજ છે. આમ, આ વિદ્યાર્થીઓ સ્થાનિક અર્થતંત્રમાં સીધા પૈસા નાખે છે, જે રોજગાર ઊભો કરે છે. એક અભ્યાસ પ્રમાણે દર ચાર વિદેશી વિદ્યાર્થીએ એક રોજગાર ઊભો થાય છે. ૨૦૨૩-૨૪માં આશરે ૩,૭૮,૦૦૦ લોકોનો રોજગાર સીધી રીતે વિદેશી વિદ્યાર્થી પર આધારિત હતો. વધતી અનિશ્ચિતતા વચ્ચે આ વિદ્યાર્થી અમેરિકા જવાનું ટાળશે. ઉલ્લેખનીય છે કે ભારતથી જતા વિદ્યાર્થીની વિઝા અરજીમાં ૧૫ એપ્રિલ સુધી ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.

હાર્વર્ડ યુનિવર્સિટીએ સરકારી દાખલ અંદાજીનો વિરોધ કરવાની શરૂઆત કરી અને ત્યાર બાદ આશરે ૨૦૦ જેટલી યુનિવર્સિટી અને કોલેજોએ એક સંયુક્ત નિવેદન જાહેર કરી ટ્રમ્પ શાસનના ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની સ્વાયત્તતાને નિયંત્રિત કરતાં અભિગમની ટીકા કરી છે. અમેરિકાનું શિક્ષણ જે મુક્ત વાતાવરણ પૂરું પાડવા માટે જાણીતું છે. જો એ જ નહિ રહે તો એની વિપરીત અસર પડવાની જ છે. દુનિયાને લોકશાહીના પાઠ ભણાવનાર અમેરિકી સંસ્થાઓ કેવું વલણ લે છે એ જોવાનું રહ્યું. બાકી ઉદારમતવાદી અમેરિકી નાગરિકો તરફથી જાહેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે.
નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top