ગ્રીષ્મઋતુએ ગ્રીષ્મતાનો પ્રકોપ બરાબર ફેલાવા માંડયો છે.આ ઋતુમાં સ્વાસ્થ્યની કાળજી અત્યંત આવશ્યક બની જાય છે. ડાયેરીયા અને સન સ્ટ્રોક જેવા રોગ કયારેક શરીરમાં પાણીની અછત દ્વારા જીવલેણ બની શકે છે અને સ્વાદનો શોખીન સુરતી પ્રજાને લારી પર ખોરાક આરોગવાનું ભારે પડી જાય એમ છે! ખાડીને કિનારે ખાદ્ય પદાર્થ રાખવામાં આવે તો શું થઇ શકે એની કલ્પના થઇ શકે એમ છે!
લૂ લાગવાથી પણ આ ઋતુમાં બચવા જેવું ખરું જ! શરીરમાં પાણીની કમી ન જ થવી જોઈએ. તરબૂચ પણ યોગ્ય આહાર ગણી શકાય પણ એ કુદરતી રીતે પકવ થયેલું હોવું જોઇએ નહીં કે રંગ લાવવા ઈન્જેકશનયુકત હોય! ભેળસેળયુકત ખોરાકમાં આપણા દેશને કોઇ ન પહોંચી શકે! રંગ-રસાયણો જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય એ પણ ખોરાકમાં ભેળવી દેવાય! ભારતીયોનું પાચનતંત્ર ટેવાઈ ગયું છે! પણ જયારે સ્વાસ્થ્ય બંડ પોકારે ત્યારે શરીર રોગોનું ઘર બની ગયું હોય છે. ગ્રીષ્મને પણ એની ગરિમા છે. એના વિના વર્ષાનું આગમન શકય નથી પણ ગ્રીષ્મની ગ્રીષ્મતા ત્રાહિમામ્ પોકરાવી દે છે અને સ્વાસ્થ્ય પણ સાચવવું આવશ્યક બની જાય.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.