ડભોઇ નગરપાલિકા દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ બનાવવા વર્મી કંપોસ્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવતા ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ડભોઇ ને દર્ભાવતી બનાવવા ડભોઇ નગરપાલિકાએ કમર કસી છે ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાના સહકારથી સરકારમાંથી વિકાસ માટે ગ્રાન્ટ લાવી ડભોઇની કાયાપલટ થઈ રહી છે . ત્યારે ડભોઇ નગરપાલિકા દ્વારા વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ડભોઇના છેવાડે આવેલા ઢાલનગર વસાહત ખાતે શરૂ કરવામાં આવ્યો છે. માતૃ એનર્જી સર્વિસ કોર્પોરેશન કંપનીને પ્રોજેકટ નો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે. સમગ્ર નગરમાંથી ઠલવાતો કચરો આ જગ્યા પર પહોંચાડી ત્યાં વેસ્ટ માંથી બેસ્ટ આ પ્લાન્ટ માં કરવામાં આવશે.આ ઓટોમેટિક પ્લાન્ટ માં પ્લાસ્ટિક અને લોખંડ તેમજ ભીનો અને સૂકો કચરો અલગ પાડવામાં આવે છે.પ્લાસ્ટિકની થેલીઓ તથા જુના પ્લાસ્ટીકને મશીન કટિંગ કરી તેમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે છે. જે પ્લાસ્ટિકને રીયુઝ કરવા માટે તૈયાર કરવામાં આવે છે.સાથે જ અન્ય કચરામાંથી ખાતર તૈયાર કરવામાં આવશે. જે ખાતર ખેતી કામ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.

આ પ્લાન્ટ શરૂ કરવાથી નગર સ્વચ્છ અને સુંદર થશે સાથે જ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ તૈયાર કરવામાં આવશે જે આવનારા દિવસોમાં નગરના વિકાસને વધુ વેગ આપશે. ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાએ ડભોઇ વેપારી મહાજન ના આગેવાનો તથા સિનિયર સિટીજનો ને સાથે રાખી સ્થળની મુલાકાત લીધી હતી અને નગરના વિકાસમાં સહભાગી થવા જરૂરી સૂચનો કર્યા હતા.