આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ પહેલગામ હુમલાની જવાબદારી સ્વીકારી છે. TRF એ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું શેડો ગ્રુપ છે. પાકિસ્તાન સ્થિત શેખ સજ્જાદ ગુલ TRFનો વડો છે.
TRF ની સ્ટોરી 14 ફેબ્રુઆરી 2019 ના રોજ પુલવામા હુમલાથી શરૂ થાય છે. એવું કહેવાય છે કે આ હુમલા પહેલા પણ આ આતંકવાદી સંગઠને ખીણની અંદર પોતાના પગ ફેલાવવાનું શરૂ કરી દીધું હતું. ધીમે ધીમે, આ સંગઠને પોતાની તાકાત વધારવાનું શરૂ કર્યું અને તેને ગુપ્તચર એજન્સી ISI ની સાથે કેટલાક પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનોનો ટેકો મળ્યો.
૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર થતાં જ આ સંગઠન આખા કાશ્મીરમાં સક્રિય થઈ ગયું.પાકિસ્તાન પર તેના દેશમાં ખીલી રહેલા આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું હતું.
પાકિસ્તાન સમજી ગયું હતું કે હવે તેને લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનો સામે કાર્યવાહી કરવી પડશે, પરંતુ તેને ડર પણ હતો કે આના કારણે તે કાશ્મીરમાં પોતાનો દબદબો ગુમાવી શકે છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને લશ્કર-એ-તૈયબાએ સાથે મળીને એક નવા આતંકવાદી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’નો પાયો નાખ્યો.
TRF ખાસ કરીને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા કાર્યવાહી ટાળવા માટે બનાવવામાં આવ્યું હતું. વાસ્તવમાં, FATF એ પાકિસ્તાનને તેની ગ્રે લિસ્ટમાં રાખ્યું હતું. આ સાથે, તેના પર ઘણા નિયંત્રણો પણ લાદવામાં આવ્યા, ત્યારબાદ TRF અસ્તિત્વમાં આવ્યું. તેનો ઉદ્દેશ્ય ખીણમાં ૧૯૯૦ના યુગને પાછો લાવવાનો છે.
TRFનો મુખ્ય ઉદ્દેશ્ય લશ્કર-એ-તૈયબા મામલે પાકિસ્તાન પર વધતા દબાણને ઘટાડવાનો અને કાશ્મીરમાં સ્થાનિક આતંકવાદને પ્રોત્સાહન આપવાનો છે.