જો કે હેલિકોપ્ટરો આવે તે પહેલા સ્થાનિક લોકોએ કેટલાક ઘાયલોને ટટ્ટુઓ વડે સલામત સ્થળે ખસેડ્યા
દક્ષિણ કાશ્મીરના આ ઘાસિયા મેદાન બૈસારનના આકાશને મદદ માટેની ચીસો ચીરી રહી હતી જયારે એક ડઝન કરતા વધુ પર્યટકો જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના વર્ષોના સૌથી ઘાતક ત્રાસવાદી હુમલા પછી લોહીના ખાબોચિયામાં નિશ્ચેતન અવસ્થામાં પડેલા હતા.
પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે ગોળીબાર શરૂ થતા જ, પર્યટનમાંથી આજીવિકા મેળવતા મુઠ્ઠીભર સ્થાનિક લોકો સલામતી માટે ભાગી ગયા હતા અને પર્યટકોને સરળ લક્ષ્યની જેમ છોડી ગયા હતા.
”મારા પતિને માથામાં ગોળી વાગી હતી… મુસ્લિમ ન હોવાને કારણે તેમને ગોળી મારવામાં આવી હતી. હુમલામાં સાત અન્ય ઘાયલ થયા છે” એમ એક બચી ગયેલી મહિલાએ ફોન પર પીટીઆઈને જણાવ્યું હતું.
આ મહિલા, જેણે પોતાની ઓળખ આપી ન હતી, તેણે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં મદદ માટે વિનંતી કરી હતી. ભૈયા કૃપા કરીને મારા પતિને બચાવી લો એમ આ મહિલાએ પત્રકારને ચીસો પાડીને વિનંતી કરી હતી.
જ્યાં હુમલો થયો તે સ્થળે વાહન જઇ શકતા નથી, ઘાયલોને ખસેડવા હેલિકોપ્ટરો મંગાવાયા
આ ઘાસના મેદાનો પર ફક્ત પગપાળા અથવા ઘોડા દ્વારા જ પહોંચી શકાય છે, તેથી સત્તાવાળાઓએ ઘાયલોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટર બોલાવવા પડ્યા હતા એમ અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે, હેલિકોપ્ટર ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં, સ્થાનિક લોકો દ્વારા કેટલાક ઘાયલોને તેમના ટટ્ટુઓ પર લાદીને નીચે ઉતારવામાં આવ્યા હતા.
સ્થાનિક ટુરિસ્ટ ગાઇડો અને ટટ્ટુવાળાઓ બચી ગયેલા લોકોને સાંત્વના આપી રહ્યા હતા, જ્યારે તેમણે ઘાયલ પ્રવાસીઓને નજીકના મોટરેબલ પોઈન્ટ પર ખસેડવા માટે વધુ લોકોને બોલાવ્યા હતા. હુમલાના સમાચાર મળતાની સાથે જ, પહેલગામના રસ્તાઓ સૂમસામ થઇ ગયા હતા જ્યારે મોટી સંખ્યામાં આવેલા પ્રવાસીઓ રિસોર્ટ શહેર છોડીને સુરક્ષિત સ્થળોએ ખસી ગયા હતા.