ડભોઇ:
પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની પરંપરાગત અને ધાર્મિક મહત્વ ધરાવતી આ જન્મ જયંતિ ની ઉજવણી કરવા માટે ડભોઇ નગર વૈષ્ણવ સમાજે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. પુષ્ટિ માર્ગના પ્રણેતા શ્રીમદ વલ્લભાચાર્યજીના ચૈત્ર વદ અગિયારસના પ્રાગટ્ય દિને વૈષ્ણવ સમાજ દ્વારા સવારના છ કલાકે શ્રી દ્વારકાધીશ હવેલીથી ભગવાનના નામ સ્મરણ સાથે ભવ્ય પ્રભાતફેરી નીકળશે. પ્રભાત ફેરી માં મંદિરની પ્રદક્ષિણા કરાશે. જન્મ જયંતી નિમિત્તે ઝારોલાવાગામાં આવેલી શ્રી દ્વારકાધીશ હવેલી, વિશાલાવાગામાં આવેલી શ્રીનાથજીની હવેલી તથા ઉમા સોસાયટી ખાતે આવેલું શ્રી છોટા દ્વારકાધીશ મંદિર આમ આ બધી જ હવેલીઓ ને લાઇટ ડેકોરેશન અને ધજા-પતાકા તથા ફૂલહાર થી શણગારવામાં આવશે.
ડભોઇ ઝારોલા વાગામાં શ્રી દ્વારકાધીશ મંદિરે સવારના ૧૦ કલાકે સોનાના પાલનાના દર્શન થશે.એ સમયે દર્શનનો અમૂલ્ય લાભ લેવા વૈષ્ણવજનો ઉમટી પડશે.સમગ્ર ભારતમાં આચાર્ય મહાપ્રભુજીની ૮૪ બેઠકો આવેલી છે. વલ્લભાચાર્યજી એ વિવિધ ગામોમાં યાત્રા કરી હતી. શ્રી મહાપ્રભુજી એ બતાવ્યું કે હે જીવ તું કોઈ સાધારણ નથી તું તો પ્રભુ નો અંશ છે. પ્રભુથી વિખૂટા પડી સાગર માં ભટકવ થી તારી શાંતિ હણાઈ ગઈ છે. જે પ્રભુના પુનઃ મિલન સિવાય મળવી શક્ય નથી.પ્રભુના પુનઃમિલન માટે શ્રી મહાપ્રભુજી એ સ્નેહ સેવા સમર્પણનો માર્ગ બતાવ્યો હતો.
ઝારોલાવાગા ખાતે શ્રી દ્વારકાધીશ મંદિરમાં છેલ્લા સાત દિવસ એટલે કે ઉત્સવ પહેલાના આ દિવસો દરમિયાન પાઠનું સ્મરણ કરવામાં આવે છે. પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીની તારીખ 24/04/2025 ને ગુરુવારે જન્મ જયંતી ની ઉજવણી કરવા વૈષ્ણવ સમાજે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે.