સુરત: પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે અને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં મુસાફરીની માંગને પહોંચી વળવા માટે મુંબઈ સેન્ટ્રલ અને રાજકોટ સ્ટેશનો વચ્ચે સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.
- મુસાફરીની માંગને પહોંચી વળવા માટે રેલવેનો નિર્ણય
- મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ સુપરફાસ્ટ સ્પેશિયલની કુલ 34 ટ્રીપ ચલાવવામાં આવશે
પશ્ચિમ રેલવેએ માહિતી આપી છે કે, ટ્રેન નં.09005/09006 મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ સુપરફાસ્ટ સ્પેશિયલની કુલ 34 ટ્રીપ ચલાવવામાં આવશે. ટ્રેન નં.09005 મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ સ્પેશિયલ 21 એપ્રિલથી 28 મે સુધી દર સોમવાર, બુધવાર અને શુક્રવારે મુંબઈ સેન્ટ્રલથી રાત્રે 11.20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 11.45 વાગ્યે રાજકોટ પહોંચશે.
તેવી જ રીતે ટ્રેન નં.09006 રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ 22 એપ્રિલથી 29 મે સુધી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાજકોટથી સાંજે 6.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 7.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેન માટેનું બુકિંગ 19 એપ્રિલથી શરૂ થશે.
વલસાડ દાનાપુર અને ઉધના ખુરદા રોડ વીકલી ટ્રેનને વ્યારા સ્ટેશન પર સ્ટોપેજ અપાયું
પશ્ચિમ રેલવેએ ટ્રેન નં.09025/09026 વલસાડ-દાનાપુર વીકલી સ્પેશિયલ અને ટ્રેન નં.09059/09060 ઉધના-ખુરદા રોડ વીકલી સ્પેશિયલ ટ્રેનોને વ્યારા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપ્યું છે.
સુરતથી પસાર થતી આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો
પશ્ચિમ રેલવે વિભાગ હેઠળ દોડતી સુરત-મહુવા એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળેલી માહિતી મુજબ, ટ્રેન નંબર ૧૯૨૫૫ સુરત-મહુવા એક્સપ્રેસનો સમય ૨૦ એપ્રિલથી બદલવામાં આવ્યો છે. હવે આ ટ્રેન સુરતથી રાત્રે ૧૦.૦૦ વાગ્યેને બદલે ૩૦ મિનિટ વહેલા ૯.૩૦ વાગ્યે ઉપડશે અને સવારે ૧૦.૦૫ વાગ્યેને બદલે ૯:૪૦ વાગ્યે મહુવા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૧૨૯૦૩ મુંબઈ સેન્ટ્રલ-અમૃતસર ગોલ્ડન ટેમ્પલ મેલનો સમય પણ ૨૦ એપ્રિલથી બદલવામાં આવ્યો છે.
ટ્રેન નંબર ૧૨૯૦૩ મુંબઈ સેન્ટ્રલ-અમૃતસર ગોલ્ડન ટેમ્પલ મેલ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર રાત્રે ૧૧.૩૪ વાગ્યે પહોંચશે અને રાત્રે ૧૧.૪૪ વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર ૧૯૦૦૭ સુરત-ભુસાવલ પેસેન્જર ૨૦ એપ્રિલથી સુરતથી સાંજે ૫.૧૦ વાગ્યે ઉપડશે. આ ટ્રેન હાલમાં આગામી આદેશ સુધી સુરતને બદલે ઉધનાથી રવાના થશે.
ટ્રેન નંબર ૬૯૧૬૯ સુરત-નંદુરબાર મેમુનો સમય ૨૦ એપ્રિલથી સુરતથી સાંજે ૬.૧૫ વાગ્યે ઉપડશે. આ ટ્રેન હાલમાં આગામી આદેશ સુધી સુરતને બદલે ઉધનાથી રવાના થશે. ૨૫ એપ્રિલથી ૨૦૯૨૯ ઉધના-બનારસ એક્સપ્રેસનું નામ બદલવામાં આવ્યું છે. હવે આ ટ્રેન નંદુરબાર સ્ટેશને રાત્રે ૧૦.૫૦ વાગ્યે પહોંચશે અને ૧૦.૫૫ વાગ્યે ઉપડશે.