શહેરમાં એક ગૂમ થયેલી બાળકીને શોધવા પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો. આ પહેલી ઘટના હતી જ્યારે પોલીસે બાળકીની શોધખોળ માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. લગભગ 45 મિનિટ સુધી ડ્રોન કેમેરા ઉડાવ્યા બાદ આખરે બાળકી પોલીસને મળી આવી હતી. બાળકી પોલીસને વળગીને રડવા લાગી હતી. પોલીસે હેમખેમ બાળકીને તેના પરિવારને સોંપી હતી.
આ આખીય ઘટના એક મોબાઈલ ફોનના લીધે બની હોવાની વાત સામે આવી છે. વાત એમ છે કે મોબાઈલની લતના લીધે બાળકીને તેની માતાએ ઠપકો આપ્યો હતો. મોબાઈલ મુકી ભણવા બેસવા ટકોર કરી હતી, જે 8 વર્ષની બાળકીને ગમ્યું નહોતું. બાળકી ગુસ્સામાં ઘર છોડીને જતી રહી હતી. માતાને એમ કે આજુબાજુમાં ગઈ હશે પરંતુ તે ક્યાંય દેખાઈ નહોતી. દિવસભર શોધખોળ કર્યા બાદ પણ દીકરી ન મળતા આખરે પરિવાર પોલીસ સ્ટેશન દોડી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તુરંત તપાસ શરૂ કરી અને ટેકનોલોજીના સંયોજનથી બાળકીને સુરક્ષિત રીતે શોધી પરિવારને સોંપી હતી.
વધુમાં મળતી માહિતી અનુસાર ઉધના વિસ્તારમાં રહેતાં પરિવારની 8 વર્ષની બાળકીને ભણવા બાબતે માતાએ ઠપકો આપ્યો હતો. બાદમાં ગુસ્સે ભરાયેલી બાળકી ‘હું રમવા જાઉં છું’ કહીને સવારના 10:30 વાગ્યાની આસપાસ ઘેરથી નીકળી ગઈ હતી. લાંબા સમય સુધી બાળકી ઘરે પરત ન ફરતા માતા-પિતાએ શોધખોળ શરૂ કરી હતી. રાતના આઠ વાગ્યા સુધી શોધખોળ કર્યા બાદ પણ બાળકી ન મળતા માતા-પિતા ભારે ચિંતામાં મુકાઈ ગયા હતાં અને આખરે ઉઘના પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. કલાકો સુધી 25થી વધુ CCTV ફૂટેજ સ્કેન કર્યા બાદ પોલીસને એક લીડ મળી હતી.
ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. લગભગ 45 મિનિટમાં ડ્રોનની મદદથી અંદાજિત રાત્રે 10 વાગ્યે બાળકી શોધી કાઢવામાં આવી હતી.ડ્રોનના વિઝનમાં શાકમાર્કેટની ભીડમાં એક નાનકડી બાળકી દેખાઈ હતી. તે જ કપડાં…તે જ ઉંમર…ડ્રોનનો કેમેરો ત્વરિત ઝૂમ કરી બાળકીને ફોકસ કરાઈ હતી. જેમ-જેમ પોલીસ બાળકીની નજીક ગઈ તેમ બાળકીને લાગ્યું કે કોઈ પરિચિત મળી ગયાં છે. પોલીસ દ્વારા બાળકીને ઘરે પરત લાવવામાં આવતા માતા-પિતાની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. જેમણે પોલીસનો આભાર માનતા કહ્યું કે, આજે તમે અમારું જીવન બચાવી લીધું.
