ઘરમાં નવી પરણીને આવેલી વહુ જો બહુ ઘરકામ કરે તો લોકો કહે વહુ સાવ આળસું છે, તેવી જ રીતે ચોમાસામાં વરસાદ જલ્દી ન આવે તો, લોકો વરસાદની કાગડોળે રાહ જોતા રહે છે અને જો મૂશળધાર વરસાદ પડે તો લોકો કહે બહુ વરસાદ પડ્યો, કયારે બંધ થશે? આમ લોકોની બેધારી નીતિ છે. લોકોના મોઢા કેવી રીતે બંધ કરવા? એટલે ગુજરાતીમાં કહેવત છે, વહુ અને વરસાદને કદી જશ ન મળે, પહેલાંના જમાનામાં સાસુ કહે તે પ્રમાણે વહુને વર્તવાનું હતું. આજે જમાનો બદલાયો છે. મોર્ડન યુગમાં હવે વહુ કહે તે પ્રમાણે સાસુએ કરવું પડે છે. ઘરમાં વહુ આવે એટલે સાસુ આળસુ બની જાય છે. ટી.વી. જોઈને વોટ્સઅપ પર ગેમ રમ્યા કરતી હોય છે. સાસુઓ એ પણ યાદ રાખવું જોઈએ કે ‘સાસ ભી કભી બહુ થી’ વહુને વહુ તરીકે નહીં પરંતુ દીકરી સમાન માનો, જેથી ઘર સંસાર ભર્યો-ભર્યો લાગે અને જીવન મધુર બને.
તરસાડા – પ્રવિણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પોર્નોગ્રાફી એક જાતીય દૂષણ
આજકાલ બળાત્કાર સંબંધી સમાચાર સામાન્ય થઈ ગયા છે. અને નવાઈની કે ચિંતાની વાત કહો તો તેમાં મહદંશે સગીરો, યુવાનોની સંડોવણી હોય છે. સોશ્યલમીડિયા તથા ઈન્ટરનેટ આજે અશ્લીલ અને હાનિકારક સામગ્રી પીરસતા માધ્યમો બની રહ્યા છે એવું નથી લાગતું? ભારત સરકારે ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવા પર પ્રતિબંધ મૂક્યો છે. પણ પોર્નોગ્રાફીની સેંકડો વેબસાઈટો ચાલી રહી છે. જેના સ્કૂલે જતાં બાળકો સહિત કરોડો દર્શકો છે. ભૂતકાળમાં બહુચર્ચિત નિર્ભયા કેસમાં પણ તેના સગીર આરોપીએ કબૂલ્યું હતું કે તેને પોર્નોગ્રાફી જોવાથી જ આવું કરવાની પ્રેરણા મળી હતી.
અમેરિકાના કેટલાક રાજ્યોએ પહેલ કરી છે. ત્યાંના લોકોને હવે પોર્ન જોવા સરકારી ઓળખપત્રની જરૂર રહેશે. સાચે જ આ નિર્ણયના કદાચ વૈશ્વિક પરિણામો આવી શકે. પોર્નોગ્રાફી બાળકો-યુવાનોમાં જાતીય હિંસાને વેગ આપે છે. મહિલાઓ પર બળાત્કાર, અત્યાચારની વધતી ઘટનાઓનું મૂળ કારણ પોર્નોગ્રાફી જ કહી શકાય. OTT પ્લેટફોર્મ પર પીરસવામાં આવતી પોર્નોગ્રાફીના પનારે પડીને યુવાનો તેમનું જીવન બરબાદ કરી રહ્યાં છે. ત્યારે નાની ઉંમરમાં ઓનલાઈન ભણતર માટે સ્માર્ટફોન પકડાવી દેતા મા-બાપે તેમના ફોનમાં સાવચેતીના ભાગરૂપે ડોકિયું કરવાનો સમય આવી ગયો છે.
સુરત – કલ્પના બામણીયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
