વેપારી મહાજન મંડળ તેમજ ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા વારંવાર સોમવારના હાટ માં પોલીસ બંદોબસ્ત મુકવા માટેની રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી
કવાંટ: કવાંટ માં અઠવાડિક ભરાતા સોમવારના હાટમાં ગઠીયાઓ બે જણના પાંચ પાંચ હજાર રૂપિયા ખિસ્સામાંથી કાઢી ગયા હતા. વેપારી મહાજન મંડળ તેમજ ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા વારંવાર સોમવારના હાટ માં પોલીસ બંદોબસ્ત મુકવા માટેની રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જેના કારણે પ્રજા ભોગ બની રહી છે.
. કવાંટ નગરમાં વર્ષોથી સોમવારના રોજ અઠવાડિક હાટ ભરાય છે. જેમાં કવાંટ તાલુકાની તેમજ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની પ્રજા જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ખરીદી કરવા માટે આવતી હોય છે. હાલમાં લગ્ન સિઝન પણ પૂરજોશમાં ચાલી રહી છે. લગ્ન પ્રસંગનો સામાન ખરીદી કરવા માટે પણ લોક ટોળા કવાંટ નગરની શેરીઓમાં ઉમટી રહ્યા છે. કવાંટના હાર્દસમા ગાંધીચોક જ્યાં મુખ્યત્વે કપડાં સોની બજાર તેમજ કટલરીનો સામાન ખરીદી કરવા માટે લોકો આવી રહ્યા છે. ત્યારે આજરોજ ગાંધી ચોક પાસે કટલરીની દુકાનમાં બે ગ્રાહકો ખરીદી કરવા માટે આવ્યા હતા. ત્યારે તેઓના ખિસ્સામાંથી પાંચ પાંચ હજાર કોઈ ગઠિયાઓ ચોરી કરી ગયા હતા.
માત્ર હોમ ગાર્ડ મૂકી સંતોષ માનતું પોલીસ તંત્ર
કવાંટ નગરમાં સોમવારના હાટ માં ખરીદી અર્થે પ્રજાનો ઘસારો વધુ હોવાથી તેનો લાભ ચોરી કરતા તસ્કરો ઉઠાવી જતા હોય છે. જેનો ભોગ ઘણીવાર વેપારી વર્ગ તો ઘણીવાર ગ્રાહકો બનતા હોય છે. કવાંટ વેપારી મહાજન મંડળ દ્વારા તેમજ ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા કવાંટ પોલીસ સ્ટેશનને જ્યારે પણ લોક દરબાર યોજાતો હોય ત્યારે વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે કવાંટમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે. પરંતુ માત્ર હોમગાર્ડ મૂકી દેતા હોય છે અને પોલીસ વિભાગના કર્મચારીઓ દેખાતા પણ નથી જેના કારણે વેપારી વર્ગ તથા પ્રજામાં રોષ વ્યાપ્યો છે.