Comments

કર્ણાટકમાં સરકારી કામકાજમાં મુસ્લિમોને અનામતનો નિર્ણય કેટલો ખરો કો ખોટો?

કર્ણાટકમાં મુસ્લિમોને કામકાજમાં અનામતના મુદે્ વિવાદ થાય એ સ્વાભાવિક છે. કર્ણાટક સરકારે સરકારી કોન્ટ્રાક્ટ્સ અને સપ્લાયમાં મુસ્લિમ સમુદાય માટે ચોક્કસ અનામત (રિઝર્વેશન) આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ, મુસ્લિમ ઠેકેદારો (કોન્ટ્રાક્ટર્સ) માટે સરકારી ટેન્ડરોમાં 4% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. આ પગલું કર્ણાટકની કોંગ્રેસ સરકાર દ્વારા 2025ના બજેટમાં જાહેર કરવામાં આવ્યું હતું અને તેને વિધાનસભામાં પણ મંજૂરી મળી ગઈ છે.

આ નિર્ણયનો હેતુ મુસ્લિમ સમુદાયને આર્થિક રીતે સશક્ત બનાવવાનો અને બેરોજગારીની સમસ્યાને દૂર કરવાનો જણાવવામાં આવ્યો છે. જો કે, આ પગલાંને લઈને રાજકીય વિવાદ પણ ઊભો થયો છે. ભાજપે આને લઘુમતી તુષ્ટિકરણ અને ‘ગેરબંધારણીય’ ગણાવીને તેનો વિરોધ કર્યો છે અને આ મુદ્દે કોર્ટમાં પડકારવાની વાત પણ કરી છે. સંસદમાં પણ આ મુદે્ ચર્ચા થઇ છે અને ડી.કે.શિવકુમારના નિવેદને પણ એમાં હોબાળો સર્જ્યો છે. કોંગ્રેસ બંધારણ બદલવાની વાત કરે છે એવો ભાજપનો આક્ષેપ છે.

પણ આ જોગવાઈ શું છે એ સમજી લેવા જેવી છે અને એના સારા અને ખરાબ પાસાં પર ચર્ચા થવી જોઈએ. આ અનામત બે કરોડ રૂપિયા સુધીના ટેન્ડરો માટે લાગુ કરવામાં આવી છે, જેમાં મુસ્લિમ ઠેકેદારોને પ્રાથમિકતા આપવામાં આવશે. વોટ બેન્કની રાજનીતિ તો આ નિર્ણય પાછળ છે એ તો સ્પષ્ટ છે. કારણ કે, કર્ણાટકમાં મુસ્લિમ વસ્તી ૧૩ ટકા છે. એટલે રાજકીય ફાયદો મેળવવા માટે આ નિર્ણય લેવાયો છે અને એનો આધાર સચર કમિટીના રીપોર્ટ છે એમ પણ જણાવાય છે કારણ કે, મુસ્લિમોમાં અમુક તબક્કો આર્થિક રીતે પછાત છે. એના આર્થિક ઉત્થાન માટે કંઈક થવું જોઈએ એ સાચી વાત પણ એવો લાભ માત્ર મુસ્લિમોને જ કેમ? આ તો ધર્મ આધારિત અનામતની વાત થઇ અને એ માટે બંધારણ મંજૂરી આપતું નથી. અનુચ્છેદ ૧૪ની વિરુદ્ધ આ નિર્ણય જઈ શકે છે. અને આ મુદે્ કોર્ટમાં વાત પહોંચી તો કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે.

આ નિર્ણયથી યુવા મુસ્લિમોને પ્રોત્સાહન મળશે એ વાત કેટલીક હદે સ્વીકારીએ તો પણ સવાલ એ છે કે, આ નિર્ણયથી કેટલા લોકોને ફાયદો હશે. કારણ કે, સરકારી કામકાજની સીમા રાખવામાં આવી છે. આ મુદે્ કોઈ સ્પષ્ટતા મળતી નથી અને સૌથી મહત્ત્વની વાત એ કે, બીજા લોકો કે જે આર્થિક રીતે નબળાં છે એમને આ લાભ નહિ મળે તો અસમાનતા સર્જાઈ શકે છે. એટલું જ નહિ, માત્ર મુસ્લિમને જ આવાં કામકાજ મળે તો એનાથી કામની ગુણવત્તા પર અસર પડી શકે છે. આ મુદે્ કર્ણાટક સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ. જો કામકાજમાં અસર થાય તો એ તો બહુ મોટું નુકસાન ગણાશે.

હવે સવાલ એ છે કે, બંધારણીય – કાનૂની રીતે આ નિર્ણય કેટલો સાચો છે. બધા નિર્ણયો રાજકીય રીતે થાય એ વાજબી નથી. આ કારણે સમુદાયો વચ્ચે તનાવ સર્જાઈ શકે છે. આવી સ્થિતિ ટાળવી જોઈએ. પણ ધારાસભામાં આ વાતને મંજૂરી મળી છે. ભાજપ આ સામે કાનૂની રાહે આગળ વધે છે કે નહિ એ જોવાનું છે. કોંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણનો આક્ષેપ થતો આવ્યો છે એમાં આ નિર્ણયે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

‘સૌગાત-એ-મોદી’ શું તુષ્ટિકરણ નથી?
‘સૌગાત-એ-મોદી’ એ ભાજપ દ્વારા રમઝાન મહિના દરમિયાન શરૂ કરવામાં આવેલી એક યોજના છે, એય કર્ણાટકની કોંગ્રેસ યોજના જેમ વિવાદિત બને એ સ્વાભાવિક છે. ભાજપ તો કહે છે, આ યોજનાનો હેતુ ગરીબ મુસ્લિમ પરિવારોને સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ ભાજપે જાહેરાત કરી છે કે લગભગ 32 લાખ ગરીબ મુસ્લિમ કુટુંબોને રમઝાન અને ઈદ-ઉલ-ફિત્રના સમયે ‘સૌગાત-એ-મોદી’ કિટનું વિતરણ કરવામાં આવશે. આ કિટમાં ખજૂર, ડ્રાયફ્રૂટ્સ, ખાંડ, સેવ, કપડાં અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે, જે મસ્જિદો દ્વારા વિતરિત કરવામાં આવશે. ભાજપનો દાવો છે કે આ પહેલનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે ઈદની ઉજવણી દરમિયાન કોઈ ગરીબ મુસ્લિમ પરિવાર સુવિધાઓથી વંચિત ન રહે. આ યોજનાને ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ ના સિદ્ધાંત સાથે જોડવામાં આવે છે, જે મોદી સરકારનો મુખ્ય નારો છે. જો કે, આ નિર્ણય પર રાજકીય વિવાદ પણ થયો છે. કેટલાંક લોકો અને વિરોધી પક્ષો તેને ‘તુષ્ટિકરણ’ની નીતિ તરીકે જુએ છે, જ્યારે ભાજપ તેને સામાજિક સમાવેશ અને વિકાસનું પગલું ગણાવે છે.

દેશનાં ૮૧ કરોડ ગરીબોને વિના મૂલ્યે અનાજ અપાય છે. એ તો બધાં લોકોને મળે છે. પણ મુસ્લિમોને રમઝાનમાં આવી કીટ આપવી એ તુષ્ટિકરણનો ભાગ છે એમ માનવાને કોઈ કારણ છે? ઉદ્ધવ ઠાકરેએ આ મુદે્ ભાજપ પર આક્ષેપ કર્યો કે, બિહારની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. મહારાષ્ટ્રની ચૂંટણી વખતે તો કટેંગે તો બટેંગે એવું સૂત્ર ભાજપે ચલાવ્યું હતું તો હવે આ કીટ ક્યાંથી આવી? એક વાત સમજી લેવા જેવી છે કે, ભાજપ ગરીબ મુસ્લિમોને પોતા તરફ ખેંચવા માગે છે. ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે ઘણાં બધાં મુસ્લિમોને ટિકિટ આપી હતી અને એમાંનાં ઘણાં ચૂંટાયાં એટલું જ નહિ એમાંનાં કેટલાંક તો બિનહરીફ થયાં છે.

ગુજરાત જ નહિ પણ દેશના ઘણા બધા વિસ્તારોમાં મુસ્લિમ બહુમત બેઠકો પર ભાજપે જીત મેળવી છે, શું એનો અર્થ એ સમજવો કે, મુસ્લિમો પણ ભાજપને મત આપતા થયા છે. આ એક ધીમી પ્રક્રિયા છે પણ લાંબા ગાળે એનો ફાયદો ભાજપને જરૂર થઈ શકે અને એ કારણે કોંગ્રેસ સહિતના પ્રાદેશિક પક્ષોની વોટ બેન્કમાં ભાજપ ગાબડું પાડી શકે એ હેતુથી પણ આવી યોજના બની હોય એ શક્ય છે. વિપક્ષે આ વાતને આ દૃષ્ટિએ પણ સમજવી પડશે. ભાજપ આટલું મોટું પગલું લે તો એનાં જોખમો એણે નાણી જ લીધાં હોય. અલબત્ત આ યોજના હિંદુઓમાં કચવાટ પેદા કરી શકે છે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top