એ વાત તો પક્કી છે કે રશ્મિકા અત્યારે ટોપ પર છે. તેની આસપાસ દિપીકા નથી, આલિયા નથી, કિયારા, શ્રદ્ધા, જાન્હવી, તાપસી કોઈ નથી. રશ્મિકાની ‘પુષ્પા 2- ધ રુલ’ આવી અને પછી ‘છાવા’ આવી, હવે આવી છે ‘સિકંદર’ ટોપ બેનર અને સૌથી ચર્ચિત સ્ટાર સાથે તે એક પછી બીજી, ત્રીજી ફિલ્મમાં આવી પ્રેક્ષકોમાં છવાઈ રહી છે. ‘સિકંદર’માં પણ સલમાનને રશ્મિકાની ગરજ હતી. તેટલી રશ્મિકાને સલમાનની ન હતી. એવું કહેવાશે કારણ કે, સલમાન અત્યારે પોતાની ફિલ્મને લોકપ્રિય બનાવવાનો જુગાર રમી રહ્યો છે. રશ્મિકા અત્યારે પ્રેક્ષકોમાં ખાસ બની ગઇ છે. તેલુગુ, તમિલ, કન્નડ ફિલ્મમાંથી વિત્યા વર્ષોમાં જો કોઇ હીરોઇન હિન્દીમાં જગ્યા બનાવી શકી હોય તો તે રશ્મિકા જ છે. તેણે આ જગ્યા સહેજ પણ આક્રમક બન્યા વિના સહજ રીતે બનાવી છે. તેના સૌંદર્યમાં તડકભડક નથી. એક પ્રકારની સાદગી છે ને છતાં તેનામાં ખાસ સેક્સ અપીલ છે. પરદા પર તે કોઇપણ પુરુષને ગમી જાય એવી લાગે છે. તેનામાં એક ખાસ પ્રકારનું પોતીકાપણું છું. ‘પુષ્પા : ધ રાઈઝ’ ફિલ્મે તેને પેન ઇન્ડિયા સફળતા અપાવી અને પછી રણબીર સાથેની ‘એનિમલ’ અને વિકી સાથેની ‘છાવા’ની સફળતા પણ તેના નામે ચડી છે. આ બંને ફિલ્મો હીરોને જ કેન્દ્રમાં રાખતી હતી, તો પણ રશ્મિકાનું સ્થાન ઊંચે ચડ્યું છે. સાઉથમાં તે ટોપના હીરો સાથે ફિલ્મો કરી ચુકી છે, પણ હિન્દી ફિલ્મોના પ્રેક્ષકોને એ વાત સાથે બહુ લેવા દેવા હોતી નથી, પણ રશ્મિકા સફળ ફિલ્મોમાં કામ કરીને પોતાની સ્ક્રિન વેલ્યુ સમજતી થઇ છે. હિન્દીમાં તે ‘મિશન મજનુ’થી આવવાની હતી, પણ અમિતાભ સાથેની ‘ગુડબોય’માં આવી હતી. રશ્મિકા પોતાને પોપ્યુલર ફિલ્મમાં જ જોવા માંગે છે, એટલે પોપ્યુલર સ્ટાર સાથે જ ફિલ્મો કરવા ઉત્સુક રહે છે. સલમાન સાથેની ‘સિકંદર’ પણ એ જ હેતુથી તેણે સ્વીકારી છે. તે એકદમ નવા નવા અભિનેતાની હીરોઇન બનવા માંગતી નથી, હીરો તરીકે જે એસ્ટાબ્લિશ હોય અને ટોપ પર હોય તેની સાથે જ કામ કરે છે. ટોપ પર જવા માટે ટોપના સ્ટાર્સ જ કામ લાગે. બાકી 59નાં સલમાન સામે 28 વર્ષની મંદાનાનું શું કામ? રણબીર તેના માટે પર્ફેકટ જોડી છે. તેની સાથે તે ‘એનિમલ પાર્ક’માં કામ પણ કરે છે પણ તે કોઇ સાથે કાયમી જોડી બનાવવામાં માનતી નથી. ‘થામા’ નામની ફિલ્મમાં તે નવાઝુદ્દીન સિદ્દીકી અને આયુષ્યમાન સાથે પણ કામ કરશે. અનિશ બઝમીની ‘એક સાથ દો દો’માં પણ તે ફ્રેશ દેખાશે. તે રોમેન્ટિક ફિલ્મો પણ કરે છે. એક્શન ફિલ્મોમાં પણ હોય છે ને કોમેડીમાં પણ જગ્યા કરી લે છે. ‘કુબેરા’ નામની ફિલ્મ તો હિન્દી સહિત ત્રણ ભાષામાં બની રહી છે ને આ જૂનમાં જ રજૂ થવામાં છે. ‘પુષ્પા : ધ રેમ્પેજ પાર્ટ 3’માં અલ્લુ અર્જુન સાથે ફરી દેખાવાનું તેનું વચન છે. બાકી તે સાઉથની ફિલ્મોને છોડતી નથી. તેણે હિન્દીમાં કામ કરવા સાઉથને છોડવું નથી કારણ કે, ત્યાં મોટી ફિલ્મોમાં તેની ડિમાંડ રહે છે. આ બધામાં તેના અંગત જીવનમાં કોણ છે એ પૂછવું વાજિબ ગણાશે તે એકવાર એંગેજમેન્ટ તોડી ચુકેલી રશ્મિકા બીજા રિલેશન બાબતે જરા સાવધાન છે. વિજય દેવરકોન્ડાનું નામ તો છે પણ રશ્મિકા ફોડ પાડતી નથી. •

