જીવનમાં કોઈપણ ઉચ્ચ ધ્યેય પ્રચંડ પુરુષાર્થ આત્મવિશ્વાસ અને ખંત-લગનથી મેળવી શકાય છે એનું જવલંત ઉદાહરણ પૂણેના રહેવાસી પ્રતિક્ષા ટોડવલકરે પૂરુ પાડ્યું છે. માતા-પિતાની નબળી આર્થિક પરિસ્થિતિ ધો. ૧૦ની પરીક્ષા પાસ કર્યા પહેલાં જ ૧૭ વર્ષની કુમળી વયે લગ્ન થઈ ગયેલા. એમના પતિ મુંબઈમાં બુક બાઈન્ડર તરીકે કરતા હતા. એક સમયે ગામ જતા હતા ત્યારે પતિનું અવસાન થયું. પ્રતિક્ષાને ૨૦ વર્ષની વયે એક બાળક સાથે ગુજરાન ચલાવવા ભારે સંઘર્ષ કરવો પડ્યો. પોતાના દીકરાની સંભાળ રાખીને શૌચાલય સાફ કરવા અને બેન્કમાં ફર્નિચર સાફ કરવા જેવા કામ કરી મહિને માંડ ૬૦-૬૫ રૂપિયાના પગારે રહ્યા પછી ઉચ્ચ અભ્યાસ કરવાની તીવ્ર ઈચ્છાએ મુંબઈના વિક્રોલીમાં એક રાત્રિ કોલેજમાં પ્રવેશ મેળવ્યો.
ધો.૧૨ પાસ કરી બીજી નાઈટ કોલેજમાંથી મનોવિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ થયા પછી કલાર્ક બન્યા. પ્રતિક્ષાબેને ૧૯૯૩માં પુર્નલગ્ન કર્યા. પતિનો સહકારી સાંપડ્યો. બેન્કની વિવિધ પરીક્ષા પાસ કરવા પ્રોત્સાહન મળ્યું. તેઓ ટ્રેની ઓફિસરના પદ સુધી પહોંચ્યા. બાદમાં ચીફ જનરલ મેનેજર પછી આસી. જનરલ મેનેજર બન્યા. બહેનો, પ્રતિક્ષા ટોડવલકરની સંઘર્ષ સફર બતાવે છે કે જીવનમાં મહેનત સમર્પણ, આત્મવિશ્વાસ રંગ લાવે છે.
સુરત – રમિલા બળદેવભાઈ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
તો જ મહિલા સશક્તિકરણની વાતો સાચા અર્થમાં સાર્થક થશે
તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર પિડીત મહિલાઓની વેદનાને વાચા આપવા અર્થે 1993 માં ગુજરાત સરકારે વૈધાનિક રીતે ગુજરાત મહિલા આયોગની રચના કરી હતી. પરંતુ આજે તેના ચેરપર્સનની નિયુક્તિના અભાવે આયોગની કામગીરી નામશેષ બની ગઇ છે. આ જગ્યા 2022 થી એટલે કે છેલ્લા ત્રણ વર્ષથી ખાલી છે. એટલુ જ નહીં આયોગમાં આઠ વર્ષથી સભ્યોને પણ નિયુક્ત કરવામાં આવ્યા નથી !
દેશના 29 પૈકી 28 રાજ્યોમાં મહિલા ચેરપર્સન અને તેની સાથે તમામ સભ્યોની નિયુક્તિ થયેલી છે, જ્યારે ગુજરાતમાં ચેરપર્સન અને સભ્યોના સ્થાન ખાલી પડેલ છે. ઘરેલુ હિંસાથી અને બહારના તત્વોથી ભયભીત થયેલી યુવતીને સમયસર વેદનાને વાચા મળી રહે તે અર્થે મહિલા આયોગના ચેરપર્સનની અને તેના સભ્યોની નિયુક્તિ સત્વરે કરવાની તાતી જરૂર છે. તોજ મહિલા સશક્તિકરણની વાતો સાચા અર્થમાં સાર્થક થશે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
