આપણી ગુજરાતી ભાષાને ભાષાવિદો જીવતી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે ચેન્નાઈનો ૧૯ વર્ષીય મહમૂદ અકરમ ૪૦૦ ભાષાઓ વાંચી શકે છે – લખી શકે છે અને ટાઈપ પણ કરી શકે છે. મહમૂદ ૪૬ ભાષાઓને અસ્ખલિતપણે બોલી શકે છે. અકરમ જ્યારે ચાર વર્ષનો હતો તો ૬ દિવસમાં અંગ્રેજી મૂળાક્ષરોમાં નિપૂણતા તેણે મેળવી લીધી હતી. ત્રણ અઠવાડિયામાં તામિલના ૩૦૦ અક્ષર શીખ્યા હતા. જ્યારે તે આઠ વર્ષનાં હતો ત્યારે સૌથી નાની વયનો મલ્ટીલેંગ્વેજ ટાઈપીસ્ટ તરીકે તેનો વિશ્વમાં રેકર્ડ હતો. જ્યારે તે ૧૨ વર્ષનો હતો ત્યારે જર્મનીમાં ૪૦૦ ભાષા જાણકાર તરીકે વિશ્વમાં રેકર્ડ બનાવ્યો હતો. તે તેના બ્રેઈન પાવરને વધારવા માટે જુદી-જુદી ટેકનીકનો ઉપયોગ કરે છે. તેણે આ માટે તેના પિતા અબ્દુલ હમીદ પાસેથી પ્રેરણા મેળવી હતી. તેના પિતા પોતે ૧૬ ભાષા જાણે છે. ભારતનો એક ૧૯ વર્ષનો મુસ્લિમ યુવાન આટલી બધી ભાષાઓ જાણે છે તે બદલ આપણે ગર્વ લેવા જેવી વાત છે!
સુરત – ડૉ. કિરીટ એન ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
નિષ્ફળતા સફળતાની ચાવી છે
કહેવાય છે માણસ જ્યાં પડે છે ત્યાંથી જ તેણે બેઠા થઇ ફરી ચાલવાનું હોય છે. પુન: સફળતા સુધી પહોંચવાનું તેના માટે શક્ય બને છે, પરંતુ આપણે આજ કાલ કોઇ પણ બાબતે મળતી નિષ્ફળતા અને હતાશા માણસને પાડે છે ત્યારે તે બેઠા થઇ ફરી ચાલવાનું નહી, પણ આ દુનિયાને અલવિદા કહી ચાલી નીકળવાનું એટલે આત્મહત્યા કરવાનુ પંસંદ બહુધા માણસો કરી રહ્યા છે. માણસ જેવો માણસ આ કરે તે વિચારણીય બની રહે છે.
નિષ્ફળતાથી હતાશ થઇ ચાલી નીકળવા કરતાં તે સાહિત્યથી લઇ પોતાની નજીક અનેક પ્રેરણાદાયી જીવાતા જીવનથી પ્રેરણા લઇ શકે છે એવી જ ચાર પંક્તિઓ વાંચી લખવા પ્રેરાયો છું. ‘જીંદગી સંવારવા માટે આમ તો પુરી જીંદગી પડી છે પણ પહેલાં સંવારીલો એ ઘડી જ્યાં અત્યારે જીંદગી ખડી છે.’ ખરેખર જીંદગી સંવારવા માટે એક ઘડી જ મહત્વની હોય છે. કારણ જીંદગી ઘડી ઘડી થકી જ તો બની હોય છે.
નવસારી – ગુણવંત જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
