આરટીઈમાં ધો.1 થી 8ના વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગ :
અશફાક મલેકની આગેવાનીમાં વાલીઓની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે રજૂઆત :

વડોદરા શહેરમાં કલાલી વિસ્તારમાં આવેલ ટ્રી હાઉસ શાળાની માન્યતા રદ કરવામાં આવી છે. ત્યારે વાલીઓ પોતાના બાળકોને લઈ ચિંતિત બન્યા છે. જેથી વિદ્યાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા અને એ આરટીઈ હેઠળ અન્ય ખાનગી સ્કૂલમાં કરી આપવામાં આવે તેવી માંગણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલ ટ્રી હાઉસ સ્કુલની માન્યતા થોડાક દિવસ અગાઉ રદ્દ કરવામાં આવી છે અને તેના કારણે ટ્રી હાઉસ સ્કુલમાં ભણતા તમામ વિધાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ ગયું છે. ત્યારે, ટ્રી હાઉસ સ્કુલમાં આરટીઇ હેઠળના તમામ વિધાર્થીઓ કે જેઓનું 1 થી 8 ધોરણ ટ્રી હાઉસ સ્કુલમાં ફ્રી માં એડમીશન થયું હતું, તે તમામ વિદ્યાર્થીઓને આરટીઇના કાયદા મુજબ પ્રાથમીક શિક્ષણ મફત અને ફરજીયાતના કાયદા મુજબ અન્ય કોઈ નજીકનીજ શાળામાં જેવી કે, ગુજરાત પબ્લીક સ્કુલ, બીએપીએસ સ્વામિનારાયણ સ્કુલ અથવાતો અન્ય કોઇપણ શાળામાં વિધાર્થીઓને તેમનો અભ્યાસ ન બગડે તેમજ આરટીઈના કાયદાનું પાલન થાય તે હેતું થી અન્ય શાળાઓમાં વિદ્યાર્થીઓને ધોરણ મુજબ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે માટે એડવોકેટ અશફાક મલેક સાથે વાલીઓએ ભેગા મળી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. નોંધનીય છે કે, ટ્રી હાઉસ સ્કૂલના સંચાલકો સામે નોંધાયેલી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ સીબીએસઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. સ્કૂલ સંચાલકો પર સીબીએસઈને વિશ્વાસમાં લીધા વગર શાળાની મિલકત વેચાણ કરવાની કે એગ્રીમેન્ટ કરવાની કાર્યવાહી કરવાનો પણ આરોપ મૂકાયો હતો. આ ઘટનાને લઈને હવે શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓની ચિંતા વધારી છે. સ્કૂલને કરાયેલા ઓર્ડરમાં બોર્ડે કહ્યું છે કે, ધો. 9 અને 11ના વિદ્યાર્થીઓને નજીકની સીબીએસઈ સ્કૂલમાં શિફટ કરવામાં આવે, જ્યારે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ 2024-25ના શૈક્ષણિક વર્ષ માટે સ્કૂલમાં હાજર રહી શકશે. સ્કૂલ બોર્ડની સાથે ફરી જોડાણ માટે નિયમોનું પાલન કરીને અરજી કરી શકશે. પરંતુ આ ઓર્ડરમાં ધો.1 થી 8 નો કોઈ ઉલ્લેખ ન હોવાથી વાલીઓ શાળા અને ડીઈઓ કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે.