વડોદરા : વડોદરા થી લગભગ પોણા બસો કિલોમીટર ના અંતરે અલીરાજપુર થી લગભગ 34 મહિનાની ગર્ભાવસ્થા એ જન્મેલી બાળકી ને વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી જેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.
750 ગ્રામ જેટલું ઓછું વજન ધરાવતી આ બાળકી ના ફેફસાં નો યોગ્ય વિકાસ થયો ના હોવાથી એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેની સારવારની અલીરાજપુર માં ઉચિત સુવિધા ન હોવાથી મધ્ય પ્રદેશ આરોગ્ય તંત્રે આ બાળકીને સયાજી હોસ્પિટલમાં રિફર કરી હતી.
અહી બાળ રોગ વિભાગની ટીમે આ સાવ માસૂમ બચ્ચાની તબીબી તકલીફો નો તાગ મેળવી એને સિપેપ વેન્ટિલેટર પર રાખીને સરફેક્ટેન્ટ જેવી મોંઘી દવાઓ આપીને એના સ્વાસ્થ્ય ને સ્થિરતા આપી છે.હાલના તબક્કે તેની જીવન રક્ષા થઈ છે અને સારવાર ચાલુ છે.શ્વાસ ની આવી તકલીફ સાથે આટલી લાંબી મુસાફરી કરીને તાજુ જન્મેલું બચ્ચું અહી હેમખેમ લાવી શકાયું એ પણ ચમત્કાર થી કમ નથી એવું ડોકટરનું કહેવું છે.
જન્મજાત ખામીઓ સાથે જન્મતા બાળકોની મુશ્કેલીઓ ખૂબ જટિલ હોય છે અને નાજુક ,અપરિપકવ અંગો હોવાથી કોઈપણ પ્રોસીજર કરવો અઘરો હોય છે અને ખૂબ બારિકી અને કુશળતા માંગી લે છે.
આવો જ એક કિસ્સો જન્મ સમયે આંતરડા નો વિકાસ શરીરની બહાર થયો હોય એવા એક શિશુ નો છે.તબીબી વિજ્ઞાન આ વિસંગતિ ને ગેસ્ટરો સ્કાયાશિશ જેવા અઘરા નામે
ઓળખે છે.
આ બાળક ના શરીર બહાર વિકસેલા આંતરડા ને ખૂબ જટિલ શસ્ત્રક્રિયા દ્વારા શરીરની અંદર મૂળ સ્થાને બેસાડી ને તેની હાલત સુધારવામાં આવી અને શરીરના અંગો ને યોગ્ય રીતે કાર્યરત કરવામાં આવ્યા .જેના પરિણામે એની તબિયત સ્થિર થઈ, સુધરી અને માતાપિતા પરિવારને રાહત મળી.
બીજું એક બાળક ડાયા ફ્રેગમેટિક હર્નીયા ની મુશ્કેલી સાથે જન્મ્યું હતું. માના પેટમાં જ આંતરડા જેવા અંગોના અવ્યવસ્થિત વિકાસ ને લીધે આ બાળકના ઉદર પટલમાં ખામી સર્જાઈ હતી.જેનો તબીબી કુશળતા સાથે ઈલાજ કરીને તેને નવું જીવન આપવામાં આવ્યું.
વધુ એક કિસ્સામાં એક બાળક ને ભરૂચ જિલ્લાના નેત્રંગ થી અહી લાવવામાં આવ્યું હતું જેના શરીરમાં અન્ન નળી અને શ્વાસ નળી જોડાયેલા હતા.નાજુક શરીર પર જટિલ સર્જરી ખૂબ કુશળતા સાથે કરી ,આ બંને વાયટલ ઓર્ગન્સ ને નવેસર થી સ્થાપિત કરીને આ બાળકને નવું જીવન આપવામાં આવ્યું તો જન્મ વખતે જ મોટી ગાંઠ, ઓવેરિયન સિસ્ટ ધરાવતા બાળક ને જરૂરી શસ્ત્રક્રિયા દ્વારા સાજુ કરવામાં આવ્યું.
ડો.શીલાબેન કહે છે કે આવા અધૂરા માસે જન્મેલા કે નવજાત બાળકો ની શારીરિક અને અવયવ વિષયક ગૂંચવણો તબીબી જ્ઞાનની કસોટી કરનારી હોય છે.પરંતુ અમારા સમર્પિત બાળ રોગ તબીબો ,નર્સિંગ સ્ટાફ જરાય મૂંઝાયા વગર પોતાના જ્ઞાન અને અનુભવ જન્ય કુશળતા નો વિનિયોગ કરીને એમને નવું જીવન આપવામાં જરાય પાછીપાની કરતાં નથી.