અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વ્લાદિમીર પુતિનને રશિયા દ્વારા કુર્સ્ક ક્ષેત્રમાંથી પાછા ખેંચવામાં આવી રહેલા યુક્રેનિયન સૈનિકોને મુક્ત કરવા વિનંતી કરી હતી. પુતિને હવે આનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે જો યુક્રેનિયન સૈનિકો આત્મસમર્પણ કરે છે, તો તેઓ આ અપીલનું સન્માન કરશે.
ન્યૂઝ એજન્સી રોઇટર્સે તેના અહેવાલમાં પુતિનને ટાંકીને કહ્યું જો યુક્રેનના સૈનિકો શરણાગતિ સ્વીકારે છે, તો અમે ખાતરી આપીએ છીએ કે અમે તેમના જીવ બચાવીશું. તેમને આંતરરાષ્ટ્રીય કાયદા અને રશિયન ફેડરેશનના કાયદા અનુસાર જીવન અને યોગ્ય વર્તનની ખાતરી આપવામાં આવશે.
ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે એક દિવસ પહેલા પુતિન સાથે લાંબી સકારાત્મક ચર્ચા બાદ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો અંત આવે તેવી ખૂબ સારી શક્યતા છે. દરમિયાન રશિયાની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે જો યુક્રેનિયન સૈનિકો પોતાના શસ્ત્રો મૂકવાનો ઇનકાર કરશે તો તે બધાને વ્યવસ્થિત અને નિર્દયતાથી ખતમ કરવામાં આવશે.
ગુરુવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અમારી ખૂબ જ સારી અને ફળદાયી ચર્ચા થઈ હતી અને આ ભયંકર, લોહિયાળ યુદ્ધનો અંત આવે તેવી ખૂબ જ સારી શક્યતા છે, ટ્રમ્પે એમ ટ્રુથ સોશિયલ પોસ્ટમાં જણાવ્યું હતું. તેમણે પુતિનને વિનંતી કરી કે તેઓ સંપૂર્ણપણે ઘેરાયેલા યુક્રેનિયન સૈનિકોના જીવ બક્ષી દે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે રાત્રે મોસ્કોમાં અમેરિકાના રાજદૂત સ્ટીવ વિટકોફે પણ પુતિન સાથે લાંબી મુલાકાત કરી હતી. જોકે, ટ્રુથ સોશિયલ પોસ્ટમાં ટ્રમ્પે એ નથી કહ્યું કે તેમણે પુતિન સાથે સીધી વાત કરી હતી કે નહીં. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે પુતિને વિટકોફ દ્વારા ટ્રમ્પને સંકેતો મોકલ્યા હતા.
તેમણે કહ્યું કે ટ્રમ્પને બ્રીફ કર્યા પછી રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ તેમના નેતાઓ વચ્ચે ફોન કોલ ગોઠવશે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઇચ્છે છે કે મોસ્કો અને કિવ ઝડપી યુદ્ધવિરામ માટે સંમત થાય જેથી સંઘર્ષને રોકવામાં આવે જે તેમણે ચેતવણી આપી હતી કે તે ત્રીજા વિશ્વયુદ્ધમાં ફેરવાઈ શકે છે. યુદ્ધમાં બંને પક્ષના ઘણા લોકો માર્યા ગયા છે.
ઝેલેન્સકી અને પુતિન 30 દિવસના યુદ્ધવિરામ પર સંમત થયા
ટ્રમ્પે આ અઠવાડિયે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી જેમાં તેમણે રશિયા અને યુક્રેન વચ્ચે 30 દિવસના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યાર બાદ પુતિને ગુરુવારે કહ્યું કે તેઓ યુક્રેનમાં 30 દિવસના યુદ્ધવિરામના અમેરિકાના પ્રસ્તાવ સાથે સૈદ્ધાંતિક રીતે સંમત છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમિર ઝેલેન્સકી આ કરાર માટે સંમત થયા હતા.
