સુરત: (Surat) સરથાણામાં પિતા-પુત્રના સંબંધને લજવે તેવી શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. સાવકા પિતાએ પુત્રીનો ન્હાતો વીડિયો (Video) બનાવીને તેને વાઇરલ કરવાની ધમકી આપીને શારીરિક અડપલા કરતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. પોલીસે (Police) સાવકા પિતાની સામે ફરિયાદ નોંધીને તેની અટકાયત કરી હોવાની વિગતો મળી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, પાસોદરા વિસ્તારમાં રહેતી હીનાબેન (નામ બદલ્યું છે)એ પોતાના પતિને છૂટાછેડા આપ્યા બાદ તેણીએ પાસોદરામાં જ રહેતા જગદિશ બાબુભાઇ રાદડીયા (ઉ.વ.45)ની સાથે લગ્ન કર્યા હતા. પહેલા લગ્નજીવન થકી હીનાબેનને સંતાનમાં એક પુત્રી કાજલ (નામ બદલ્યું છે)નો જન્મ થયો હતો. ચાર વર્ષ પહેલા જ્યારે જગદિશ પુત્રી કાજલને લઇને ફરવા જતો હતો ત્યારે શારીરિક અડપલા કરતો હતો. આ બાબતે હીનાબેનએ પોતાના સંબંધીઓને બોલાવીને જગદિશની હરકતો કહી હતી. ત્યારે જગદિશે બાંહેધરી લખી આપીને બીજીવાર ભૂલ નહી કરે તેમજ એક પિતાની તમામ ફરજો પુરી કરશે તેમ લખી આપ્યું હતું.
બીજી તરફ લોકડાઉન દરમિયાન જ્યારે પરિવાર વતન ગયો ત્યારે ફરીવાર જગદિશે કાજલ ઉપર નજર બગડી હતી. કાજલ ન્હાવા માટે ગઇ ત્યારે તેનો વીડિયો શૂટ કરી લીધો હતો. વીડિયોના આધારે જગદિશભાઇએ કાજલની છેડતી કરીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. બનાવ અંગે કાજલે પોતાની માતાને જાણ કરીને સરથાણા પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે સાવકા પિતાની સામે છેડતીનો ગુનો નોંધીને તેની અટકાયત કરી વધુ પુછપરછ શરૂ કરી છે.
12 વર્ષની બાળકી લઘુશંકા કરવા ગઈ ત્યારે એક નરાધમે તેની લાજ લેવાનો પ્રયાસ કર્યો
સુરત: શહેરના સચિન વિસ્તારમાં ગઈકાલે બપોરે માતાને ટિફિન આપવા ગયેલી 12 વર્ષની બાળકી લઘુશંકા કરવા ગઈ ત્યારે એક નરાધમે તેની લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકોએ દોડી આવી નરાધમને પકડી માર મારી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ દિપકકુમાર બિંદેસરીસિંગ ભુઇયાર (ઉ.વ.આશરે ૩૫, રહે. ખેતલા આપા ટી સ્ટોલની પાછળ. સ્લમ બોર્ડ સચિન)એ ગઈકાલે બપોરે 12 વર્ષની બાળકીની લાજ લેવા પ્રયાસ કરતા લોકોને તેને પકડી મેથીપાક આપી પોલીસના હવાલે કર્યો છે.
12 વર્ષીય બાળકીની માતા નજીકમાં જ કામ કરે છે. બાળકી બપોરે માતાને ટિફિન આપવા માટે આવી હતી. ટિફિન આપીને જતી વખતે ખુલ્લા મેદાનમાં લઘુશંકા માટે ગઈ હતી. ત્યારે ત્યાં દિપકકુમાર પણ ઉભો હતો. બાળકીને જોઈને નરાધમના મનમાં વાસના જાગતા તેને બાળકીને અચાનક પાછળથી આવી પકડી પાડી હતી. અને તેના કપડા ઉતારવાની અને તેની સાથે જબરજસ્તી કરવાની કોશિસ કરી હતી. જોકે બાળકીએ બુમાબુમ કરવા લાગતા તેને બાળકીને મારી અવાજ કરશે કે બૂમ પાડશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાળકીની બૂમો સાંભળી આસપાસના લોકોએ તેને પકડી પાડી મેથીપાક આપ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો.