Dakshin Gujarat

ઉમરાછી નજીક સ્ટેટ હાઈવેની ખુલ્લી ડ્રેનેજમાં સ્કૂલ બસ ખાબકી, વિદ્યાર્થીઓનો બચાવ

હથોડા: ઓલપાડના કીમ નજીકના બોલાવ ઉમરાછી ગામ નજીક હાઇવેની સાઈડની ડ્રેનેજ લાઈનમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ખાબકતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જો કે, સમયસર ઘટના સ્થળે દોડી આવેલા ખેત મજૂર તેમજ સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢ્યા હતા અને કોઈ જાનહાનિ નહીં સર્જાતાં સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો.

ઘટનાની વિગત એવી છે કે, ઓલપાડના બોલાવ-ઉમરાછી ગામની હદમાં આવેલી આર્યમ શાળાની સ્કૂલ બસ ખુલ્લી ડ્રેનેજ લાઇનમાં ખાબકી હતી. શાળા પૂર્ણ થયા બાદ નિત્યક્રમ મુજબ વિધાર્થીઓ સ્કૂલ બસમાં બેસી ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન ઓલપાડ-કીમ સ્ટેટ હાઈવે પર ઉમરાછી ગામ નજીક સ્કૂલ બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં સ્કૂલ બસ સુધી સ્ટેટ હાઈવેની નીચે ઊતરી ખુલ્લી ડ્રેનેજમાં ખાબકી હતી. ઊંડી ડ્રેનેજ લાઇનમાં બસ ખાબકતાં સ્કૂલ બસમાં સવાર વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા હતા અને ચિચિયારીઓ પાડવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓની ચિચિયારીઓ સાંભળી આસપાસ ખેતરમાં કામ કરતા ખેતમજૂરો તેમજ અન્ય વાહનચાલકો દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢ્યા હતા. આટલી મોટી ઘટના બનવા છતાં કોઈ જાનહાનિ નહીં થતાં અને બાળકો સલામત રહેતાં સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો.

વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ જવાની તસદી લેવાને બદલે ઘરે રવાના કરાતાં આક્રોશ
હથોડા: અકસ્માતની આટલી મોટી ગંભીર ઘટના બનવા છતાં શાળાના સંચાલકો દ્વારા સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ અન્ય સ્કૂલ બસ લાવી સીધા ઘરે રવાના કરી દીધા હતા. આ ઘટના બાબતે કીમ પોલીસને પણ જાણ કરી ન હતી. સમગ્ર ઘટના દબાવી દેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જાણે કશું જ થયું ન હોય એવો માહોલ ઊભો કરી દીધો હતો.

Most Popular

To Top