તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ એમના ગુજરાતના પ્રવાસ દરમિયાન મહિલાઓને સંબોધન કરતા જણાવ્યું કે મેદસ્વિતા એ અનેક બીમારીઓનું મૂળ છે. વધુમાં એમણે મહિલાઓને રસોઈમાં તેલનો ઉપયોગ 10% ઘટાડવાની પણ અપીલ કરી છે. પુરુષ હોય કે સ્ત્રી મેદસ્વિતાને પરિણામે શરીર રોગનું ઘર બની જાય છે. એટલું જ નહીં એની માનસિક સ્વાસ્થય ઉપર પણ અસર પડતી હોય છે. થોડા દિવસો પહેલા જ ચોથી માર્ચના રોજ વિશ્વ મેદસ્વિતા દિવસની ઉજવણી થઈ ગઈ. 21મી સદીમાં આપણી જીવનશૈલી ઝડપથી બદલાઈ રહી છે. નવી પેઢીનું બિનઆરોગ્યપ્રદ જંક ફૂડ તરફનું આકર્ષણ ઝડપથી વધતું જાય છે. નવી નવી વૈજ્ઞાનિક શોધોને પરિણામે શારીરિક શ્રમનું પ્રમાણ ઘટતું જાય છે. બેઠાડુ જીવનશૈલીને પરિણામે મેદસ્વિતાનું પ્રમાણ વધે એ ખૂબ જ સ્વાભાવિક છે.
અનેક લોકો ટેલિવિઝન જોતા કે સ્માર્ટફોન હાથમાં મચડતા લંચ કે ડિનર લે છે. જેને પરિણામે ખોરાકનું યોગ્ય પ્રમાણ જળવાતું નથી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના જણાવ્યા અનુસાર ઓબેસિટીને પરિણામે મરણનો આંક વધી રહ્યો છે. આજના ડિજિટલ યુગમાં મેદસ્વિતાની સમસ્યા એ સૌથી મોટો પડકાર છે. શારીરિક શ્રમનું ઘટતું જતું પ્રમાણ અને જંક ફૂડનું ભોજનમાં વધતું જતું પ્રમાણ આપણને ઓબેસિટીમાંથી બચાવી શકશે નહીં. ફક્ત પુરુષો અને સ્ત્રીઓ જ મેદસ્વિતાનો શિકાર બન્યા છે એવું નથી. ભારતમાં મેદસ્વી બાળકોની સંખ્યા પણ ખૂબ જ ઝડપથી વધી રહી છે. મેદસ્વિતા આપણને મારે તે પહેલા આપણે ચેતી જવાની જરૂર છે. મેદસ્વિતા અંગે સૌએ ભેગા મળીને અભિયાન ચલાવવાની જરૂર જણાય છે.
નવસારી ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
