Comments

શિક્ષણ પુસ્તકમાંથી ગાઈડ પછી ટ્યુશન અને હવે કાપલી આધારિત થતું જાય છે?

દેશના જાહેર માધ્યમોમાં અવાર-નવાર શિક્ષણના ભગવાકરણ કે હિન્દુ વિચારધારા તરફ ઢાળવાના સમચારો ચર્ચાયા કરે છે, પણ આપણે ત્યાં શિક્ષણનું ભગવાકરણ કે ડાબેરીકરણની ચિંતા કરવા કરતા શિક્ષણનું ગાઈડકરણ થઇ ગયું છે તેની ચિંતા કરવા જેવી છે અને અત્યારે આ લખાય છે ત્યારે તો વિદ્યાર્થીઓ ગાઈડ પણ વાચતા નથી અને કાપલીના સહારે આવી ગયા છે તે ગંભીર બાબત છે.

જો ગુજરાતનો કોઈ પત્રકાર કોલેજોની પરીક્ષા વખતે કોલેજના મેદાનમાં જાય તો લગભગ કોથળો ભરીને માઈક્રો ઝેરોક્ષ-કોપી લઇ આવે તેવી સ્થિતિ છે. અધ્યાપકો કે શિક્ષકો કાપલીઓ ઉઘરાવીને થાકી જાય છે. કોઈ જાદુગરના ખીચામાંથી, ટોપીમાંથી, શર્ટની બાઈમાંથી…. અરે હવામાંથી જેમ વસ્તુ નીકળે તેમ વિદ્યાર્થીના આસપાસથી કોપી નીકળે છે. ક્યાક તો વાઈ-ફાઈ મોડમાં કોપી થાય છે, કારણ એક જ છે કે વાચન નથી, મહેનત નથી એવું નથી કે માત્ર સામાન્ય પ્રવાહમાં આવું થાય છે, મેડિકલ અને એન્જીનીયરીંગમાં પણ સંદર્ભ ગ્રંથ વાચન ઘટતું જાય છે. ઓછામાં ઓછું ગુજરતમાં તો અભ્યાસ માટે જે આગ્રહ હોવો જોઈએ તે દેખાતો નથી. મા-બાપ પણ હવે બાળકોને વાચવા બેસ એમ કહેતા હશે કે કેમ તે પ્રશ્ન છે.

નૈતિકતાના ઈજેક્શન મળતા નથી. ના તેના ભૌતિક માપદંડો છે. નૈતિકતા તો આપણા વ્યવહારમાં દેખાય અને તે માટે આપણને કોઈ શું પ્રમાણપત્ર આપે આપણે જાતે જ અનુભવીએ કે આપણે સાચું કરીએ છીએ કે ખોટું ? આજે આ પતન માત્ર વિદ્યાર્થીઓમાં આવ્યું છે તેવું નથી. થોડાક અભ્યાસુ શિક્ષકો અને અધ્યાપકોને બાદ કરતા શિક્ષણક્ષેત્રે શિક્ષકોનો મોટો વર્ગ છે, જે વાંચતો જ નથી, વળી તે પોતે જ પોતાના સંશોધનપત્રો. ખાતાકીય પરીક્ષાઓ કે કોરોના પછી ઓનલાઈન વર્ગ કે પરીક્ષામાં ખુલ્લેઆમ કોપી કરે છે. હવે જે શિક્ષક કે અધ્યાપક જ ગાઈડ કે પ્રશ્નોતરી રૂપ ચોપડીના આધારે ભણાવતા હોય, પોતાની જ રજૂઆત કે પરીક્ષમાં ચોરી કરતા હોય તે વિદ્યાર્થીઓને કઈ રીતે નીતિમત્તાના પાઠ ભણાવે?

એ સાચું જ છે કે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વ્યાપ વધવા સાથે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ ટેકનો સેવી બન્યા છે. અનેક શિક્ષકો અધ્યાપકો પોતાની યુટ્યુબ ચેનલો ચલાવે છે. બ્લોગ લખે છે. સરકારી પરિપત્રો અને સ્પર્ધાત્મક પરીક્ષાની સતત અપડેટ આપતા રહે છે, પણ કુલ સંખ્યામાં આ વર્ગ નાનો છે. ઉલટાનું આ વોટસેપ સોશિયલ મીડિયા અને ગુગલ ગુરુએ અનેક વિદ્યાર્થીઓ અને શિક્ષક અધ્યાપકને સાવ પાંગળા બનાવી દીધા છે. ના કરે નારાયણને વીજળી 24 કલાક માટે ગુલ થાય તો આ આ તમામનું શિક્ષણ અને સંશોધન અટકી જાય.

ખાનગીકરણના યુગમાં શાળા-કોલેજો ખાનગી ધોરણે ખુલી છે. થોડી શિક્ષણ સંસ્થાઓ ઉચા પગાર આપી કર્મચારીઓને રાખે છે, પણ મોટાભાગની તો ઓછા પગારમાં શિક્ષકો રાખે છે. અહીં વિદ્યાર્થીના અભ્યાસ કરતા આવક વધારે મહત્ત્વ ધરાવે છે. સંચાલકો તો લાલચુ હોય એ માની શકાય પણ, શિક્ષક અને વિદ્યાર્થીઓ પણ અભ્યાસમાં આળસુ હોય તે સ્વીકરી શકાય નહી. ખાનગી શિક્ષણની અનેક મર્યાદા હોવા છતાં જ્ઞાન પ્રાપ્તિની ઝંખના જ ના હોય તે વાત વિદ્યાર્થી કે શિક્ષક માટે સ્વીકારી શકાય નહી. ‘કુવરબાઈનું મામેરું’- કૃતિના લેખક કોણ છે? ‘શ્રી મયુર…..આજથી વીસ વર્ષ પહેલા, આ કરુણ કટાક્ષ ખરેખર બન્યો હતો. જ્યારે એક સાક્ષરે એક કોલેજ યુવકને પ્રશ્ન કર્યો હતો.

સાહિત્યનો અભ્યાસ કરનારને સાહિત્ય કૃતિ પાઠ્યક્રમ રૂપે ભણવાની આવે, ગુજરતીમાં પૃથ્વીવલ્લભ કે કુંવરબાઈનું મામેરું ભણવાનું હોય તો સ્વાભાવિક છે કે બધા વિદ્યાર્થી આ પુસ્તક આખું ના ખરીદે પણ શાળા કોલેજની લાઈબ્રેરી કે બીજી કોઈ રીતે લઈને વાચી તો શકે જ. આજે તો કેટલી બધી કૃતિ ઓનલાઈન છે. એક રીતે ૧૯૯૦ પહેલા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે શિક્ષકો માટે અભ્યાસ સામગ્રી સંદર્ભગ્રંથો મળવા ખરેખર મુશ્કેલ હતા. આજે તે બધું જ આગળીનાં ટેરવે છે. જો નેટફ્લીક્ષનો પાસવર્ડ લઇને એકમાં ચાર લોકો ફિલ્મ જોઈ શકે તો એક પુસ્તક કે ઓનલાઈન કોર્સ ચાર જણા વાંચી જ શકે.

મૂળ વાત છે નિસ્બત અને નૈતિકતાની અને શિક્ષણમાં તે ખતમ થતી જાય છે. બધે ચાલશે પણ શિક્ષણમાં આળસ અને ચોરી નહિ ચાલે. શિક્ષક અને અધ્યાપક મંડળો માટે વર્ષોથી આ ફરિયાદ રહી જ છે કે જેમ તમે પગાર પંચો કે કલ્યાણ યોજનાઓના પુરેપુરા અમલ માટે સરકારને આગ્રહપૂર્વક ફરજ પાડો છો તેવી જ રીતે સંગઠનના સભ્યોને અભ્યાસ અને સતત અપડેટ થવા માટે પણ આગ્રહ કરો. બધી જ માંગણીકરો પણ કદી ગુણવત્તા સાથે બાંધછોડની માંગણી ના કરો. વિદ્યાથીઓને વાંચતા લખવા કરવા માટે શિક્ષક અધ્યાપકે વાંચવું લખવું પડશે. નૈતિક જવાબદારીએ શિક્ષણ જગતની પ્રાથમિક માંગ છે. જે નિભાવવી જ પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top