Comments

એફ-૩૫: અમેરિકા પાસેથી ખરીદી ભારતની ઐતિહાસિક, લશ્કરી અને વ્યૂહાત્મક ભૂલ હશે

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત વિદેશનીતિની દૃષ્ટિએ કદાચ ઉભય પક્ષના સંબંધો વધુ ગાઢ બને તે માટે હશે, પરંતુ બીબીસીએ આ મુલાકાતને સિમ્બોલિક ગણાવી છે. આમ છતાંય પોદળો પડે તો છેવટે ધૂળ તો લેતો જ આવે, એ ન્યાયે કંઈક પ્રાપ્તિ તો થશે જ એવું માની ચાલીએ. ભારતને લાગેવળગે છે ત્યાં સુધી ટેરિફ, ક્રુડ ઑઇલ તેમજ અમેરિકન શસ્ત્રોની ખરીદી, બ્રિક્સ કરન્સી, એફ-૩૫ વિમાનની ખરીદી, ભારતના યજમાનપદે ક્વાડની આગામી મીટિંગ અને અમેરિકામાં ગેરકાયદે પ્રદેશ કરી ત્યાં કામ કરતાં ભારતીયોને પકડીને પાછાં ભારત કાઢી મૂકવાના મુદ્દાઓ ચર્ચાયા.

એમાંનો એક મુદ્દો એફ-૩૫ ફાઇટર જેટની ભારત દ્વારા ખરીદી અંગેનો છે. અમેરિકાના લૉકહીડ કોર્પોરેશન દ્વારા ઉત્પાદિત આ સ્ટેટ ઑફ ધ આર્ટ વિમાનની ખરીદીએ મોટો વિવાદ જગાવ્યો છે. ટ્રમ્પના નજદીકી સાથી એલોન મસ્કે એફ-૩૫ વિમાનના ઉત્પાદન કાર્યક્રમને ફ્લોપનું લેબલ માર્યું છે. આ એક વિમાન ભારતના કુલ જીડીપીથી અડધોઅડધ કરતાં સહેજ વધુ કિંમતનું થાય. એલોન મસ્કે આ વિમાનને હવામાં ઊડતું ભંગારખાનું કહ્યું છે. હળવાશના ટોનમાં એલોન મસ્કે એવી પણ કોમેન્ટ કરી છે કે, આ વિમાન હવામાં રહે છે તેના કરતાં જમીન પર વધારે રહે છે, કારણ કે મોટા ભાગે તેનું સમારકામ ચાલતું હોય છે.

ડાયરેક્ટર ઑપરેશનલ ટેસ્ટ એન્ડ વેલ્યુએશન અને પ્રિન્સિપલ સ્ટાફ આસિસ્ટન્સ તેમજ એડવાઇઝર ઑફ યુનાઈટેડ સ્ટેટ સેક્રેટરી ઑફ ડિફેન્સ દ્વારા ૨૦૨૪ની શરૂઆતમાં પ્રકાશિત કરાયેલો વાર્ષિક અહેવાલ મુજબ અમેરિકન એરફોર્સનું ૨૦૨૩ના અંતે રેટિંગ થયું તેમાં એફ-૩૫નો કુલ મિશન કેપેબલ રેટ માત્ર ૩૦ ટકા આંકવામાં આવ્યો છે. આ માટેનો બેન્ચમાર્ક રેટ કોઈ પણ કાર્યદક્ષ એરફોર્સ માટે ઓછામાં ઓછો ૬૫ ટકા હોવો જોઈએ. આ રીપોર્ટમાં એવું પણ જોવા મળ્યું કે એફ-૩૫ ફાઇટર જેટ વારેઘડીએ તૂટી પડતા હતા.

પેન્ટાગોનની ટોચની ટેસ્ટીંગ ઑફિસના અહેવાલ એન્જિન જેવા ક્રિટીકલ તેમજ અન્ય કોમ્પોનેન્ટ્સની અછત હોવાનું પણ જણાવે છે. સોફ્ટવેર અને હાર્ડવેર વચ્ચે ઇન્ટીગ્રેશનને કારણે પણ ગંભીર પ્રશ્નો ઊભા થતા હોવાને કારણે જુલાઈ ૨૦૨૩થી એફ-૩૫ની ડીલીવરી અટકાવી દેવામાં આવી હતી. રડારમાં પણ એના મિસાઇલને કારણે આ વિમાન લક્ષ્ય સુધી પહોંચે તે પહેલાં પકડાઈ જાય છે. પરિણામે આ વિમાને ઇરાનિયન એર ડીફેન્સ આઇડેન્ટીફિકેશન ઝોનથી ૧૦૦ કિ.મી. પહેલાં આ મિસાઇલ છોડી દેવા પડ્યાં હતાં. આ બધાં કારણોને લઈને ટ્રમ્પના ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સીના વડા એલોન મસ્ક બે ટ્રિલિયન ડૉલરની કિંમતના એફ-૩૫ પ્રોગ્રામને ‘ફ્લોપ’ગણાવે છે અને આ વિમાનનો ડિઝાઇન અને વિકાસ કરનાર અમેરિકન કંપની લોકહીલ માર્ટિન માટે ‘ઇડીયટ્સ’એટલે કે મૂરખના સરદારો જેવો શબ્દ વાપરે છે.

આમ, એફ-૩૫ ફાઇટર જેટ એટલે ખાડે ગયેલું અને ભંગારમાં કાઢી નાખવું પડે એવું વિમાન છે. એક કલાક ઊડે તો ૨૬,૦૦૦ ડૉલરનો ખર્ચો આવે છે. ટ્રમ્પ ભારતના ગળે આ ઘંટીનું પડિયું, એક નિષ્ફળ ગયેલું ફાઇટર જેટ, બાંધવા માગે છે. ચીને તો ડ્રોનનાં ધાડેધાડાં એક સાથે ઊતરી આવે અને તબાહી વર્તાવી શકે એ ટેક્નોલૉજી વિકસાવી છે. મચ્છર જેવા આકાર-કદનું ડ્રોન પણ અત્યારે કાર્યરત છે, જે તમારા શરીરમાં કોઈ કેમિકલ કે જંતુઓ નાખી શકે છે.

એના શરીર પરના માઇક્રો કેમેરા તમે જ્યાં બેઠા છો તેની આજુબાજુનાં બધાં જ દશ્યો ટેલિકાસ્ટ કરી શકે છે અને બીજાં જે કોઈ કમાન્ડ આપ્યા હોય તે પ્રમાણે વર્તી શકે છે. બે-પાંચ વર્ષમાં આ ફાઇટર જેટની ટેક્નોલૉજી મ્યુઝિયમ પૂરતી મર્યાદિત થઈ જશે એવું સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો કહે છે. આ એફ-૩૫નો ઘંટીનો ગાળિયો ભારતની એવી તે કેવી મજબૂરી છે કે એણે પોતે વહોરવો પડે? ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને કેટલો મોંઘો પડવાનો છે તેની હજુ તો આ શરૂઆત છે, આગળ જતાં શું થશે તે તો ભગવાન જાણે!
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top