સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે સુરતમાં લિંબાયત ખાતે વિશાળ સભાને સંબોધ્યા બાદ રાત્રિ રોકાણ માટે સુરત સર્કિટ હાઉસમાં રોકાયા હતા. રાત્રે સુરતી જમણની મજા માણી હતી અને સવારે પોતાના નિયમિત શિડ્યુઅલ મુજબ દિવસની શરૂઆત કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી વહેલી સવારે પાંચ વાગ્યે જ જાગી ગયા હતા. તે પછી ૬ વાગ્યે તેમના રૂમમાં ચા પહોંચાડી દેવામાં આવી, જેમાં તેમણે મોળી ચા એટલે કે ખાંડ વિનાની ચા નો સ્વાદ માણ્યો હતો. આ પછી તેમણે સુરતના પ્રખ્યાત નાસ્તાની મજા માણી હતી, જેમાં લોચો, સેવ-ખમણ, થેપલા, જલેબી અને ફાફડાનું મેનુ હતું. સવારની શરૂઆત તેઓએ યોગા સાથે કરી હતી. સર્કિટ હાઉસમાં તેમના રૂમમાં જ તેમણે ૩૦ મિનિટ સુધી યોગ કર્યા હતા. યોગા બાદ તેમને દેશ-વિદેશના સમાચારોથી અપડેટ રહેવા માટે તેમણે વિવિધ અખબારોની ઝલક લીધી હતી.
સર્કિટ હાઉસમાં 15 કલાક રોકાયા પણ કોઈ રાજકીય મુલાકાત નહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 7 વાગે સર્કિટ હાઉસ ઉપર પહોંચી ગયા હતા. રાત્રિ રોકાણ કરવા છતાં, વડાપ્રધાન મોદીએ કોઈપણ પોલિટિકલ ફિગર સાથે મુલાકાત કરી ન હતી, જે પ્રથમવાર બન્યું છે. સવારે માત્ર ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, પરંતુ તેમની વડાપ્રધાન સાથે કોઈ સત્તાવાર મુલાકાત થઈ નહોતી. નિયત સમયે, વડાપ્રધાન મોદી સવારે ૧૦ વાગ્યે સુરતથી નવસારી માટે રવાના થયા હતા. 15 કલાકના રોકાણમાં કોઈ રાજકીય વ્યક્તિને મળ્યા નહોતા.
એસપીજીએ રૂમમાંથી પંખા કઢાવી લીધા!
નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસમાં ચોથા માળે તાપી રૂમમાં રોકાયા હતા. સુપર વીવીઆઈપી મનાતા આ રૂમની આસપાસ એસપીજીએ કબૂતરને પણ ફરકવા દીધા નહોતા. એટલો ચૂસ્ત બંદોબસ્ત હતો. સર્કિટ હાઉસમાં મોદી રાત્રે રોકાણ કરે તે પહેલાં એસપીજીએ પ્રોટોકોલ પ્રમાણે એક દિવસ પહેલાં રૂમના તમામ પંખા કઢાવી નાંખ્યા હતા. રૂમમાં ઝુમ્મર કે અન્ય લટકતી વસ્તુઓ પ્રોટોકોલ પ્રમાણે રહેવા દીધી નહોતી. આ સિવાય સર્કિટ હાઉસના 500 મીટર સુધી એસપીજીના ખાનગી માણસોની બાંજ નજર હતી.
