તા. 7મીને શુક્રવારના ગુજરાતમિત્રમાં સુરતીઓની લાગણી માટેની કવર સ્ટોરી ખુબજ સાચી હકીકત કહી જાય છે. ધારે તો કોર્પોરેશન આખા સુરત શહેરને આ રીતે ક્લિન સીટી કરી શકે તેમ છે. મોદીજી પસાર થાય તો શું ના થઇ શકે? ‘મોદી હૈ તો મુમકીન હૈ’ આ વાત સાચી છે. સુરત શહેરના તમામ પરા વિસ્તારો ખુબ જ કંડમ હાલતમાં થઇ ગયા છે. આ કવર સ્ટોરીમાં જે વિસ્તારોના ફોટોગ્રાફ સાથે છપાયા છે તે તો સાચુ જ છે. સુરત શહેરના ધારાસભ્યોએ અચુક આ તમામ પરાની મુલાકાત સ્કુટર પર બેસીને લેવા જેવી છે. મોદીના આગમનથી સીટીલાઇટ રોડ, ઘોડદોડ રોડ, સુરત ડુમસ એરપોર્ટ રોડ શું જોવા જેવો થઇ ગયો કે જાણે ફોરેન કન્ટ્રીના રોડ હોય તેમ લાગે. તદ્દન ચોખ્ખા, ધૂળની એક પણ રજકણ નહીં. કચરાના ઢગલા નહીં. રોડની બંને બાજુ પર ફુટપાથ ચકાચક. આવુ જ જો પરા વિસ્તારમાં ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લો તો કાંઇ તકલીફ ન પડે. એક વડીલ ભાગળ ચાર રસ્તાથી ખરાબ રસ્તાને કારણે સ્કુટર પરથી પડી જવાથી ચાલવામાં તકલીફ પડવા લાગી છે. એથી તેના પુત્ર સાથે બેંકમાં લોકર બંધ કરાવતી સમયે કહ્યું. આવું તો શહેરના ખૂણેખૂણે કેટલાય બનાવો બનતા હશે. અધિકારીઓ, નમ્ર વિનંતી કે શહેરના પરા વિસ્તારોના રોડ, મોદીના સાંન્નિધ્યમાં ડામર રોડ થઇ જાય તો વધુ સારું.
સુરત – ચેતન અમીન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વિશ્વ મહિલાદીનની સાર્થકતા
નારીની વ્યથા આ પુરુષ પ્રધાન સમાજમાં કોણે પીછાણી છે? સુશિક્ષિત નારી પરિવારની જવાબદારી સહિત આર્થિક ઉર્પાજન કરી પતિ તથા પરિવારને આર્થિક ટેકો પણ કરે છે. કાર્યસ્થળેથી પરત થઈ ગૃહકાર્ય, સંતાનોનું શિક્ષણ, વડીલોની જવાબદારી અને સામાજીક પ્રસંગોની જવાબદારી પણ વહન કરવાની હોય છે. આ તમામ કાર્યો સુપેરે પાર પાડયા પછી પણ બે શબ્દ હૂંફ કે પ્રશંસાના સાંભળવા મળતા નથી! અપવાદ સર્વત્ર હશે. ઘણી વાર અખબારી આલમ દ્વારા દર બે ત્રણ દિવસે એકવાર નારી પરના અત્યાચારના સમાચારો વાંચવા મળે છે!
નાની બાળકી પર બળાત્કાર, પ્રેમીએ પ્રેમિકાના ગળા પર છરી ફેરવી, ત્યકતા કે વિધવાને લગ્નની લાલચ આવી એનું આર્થિક અને શારીરિક શોષણ, તાંત્રિકો દ્વારા નારીનું શોષણ, વાંઝિયા પણા માટે જોણાં, દહેજ માટે પુત્રવધુને શારીરિક તથા માનસિક ત્રાસ, વિદ્યાર્થીનીઓની છેડતી વિ. અનેક ઘટનાઓ નારીલક્ષી અત્યાચારની ઘટે છે! તો વિશ્વ મહિલાદીનની સાચી ઉજવણી ક્યારે સાર્થક થાય, એ પ્રત્યેક પ્રજાજને વિચારવું રહ્યું! પરિવર્તન પણ આવ્યું હશે, પણ નારી પરના અત્યાચારના સમાચારોમાં ઓટ નથી આવતી! વર્તમાન સમયમાં નારીએ પુરુષના પ્રત્યેક ક્ષેત્રમાં પગદંડો જમાવ્યો છે. ત્યાં પણ ક્યારેક એક મહિલા હોવાને નાતે અન્યાય થતો જોવા મળે છે. સાચો મહિલાદિન સાર્થક કરવો હોય તો ઉર્પયુક્ત નારી અત્યાચારોમાંથી નારીને મુક્તિ મળવી જ જોઈએ.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
