Comments

આજે યાદ કરો કે આપણી માતા પણ સ્ત્રી છે અથવા હતી

બહેનોને પોતાને વાંચવા લાયક જણાય તે બધુ જરૂર વાંચે પણ ફેશનના સ્ટીરીયો ટાઇપ લેખો એ આજના જગત માટે માનસિક ખોરાક નથી. વિદેશોના ગ્લોસી, પાંચસોથી સાતસો પાનાનાં દળદાર ફેશન મેગેઝીનોમાં દર વખતે ફેશન શૂટ, લિપસ્ટિક, મસ્કરા, નેઇલ પોલીશ અને તેને ઉખાડવાની ચીજો વિશેના લેખો હોય છે. તે ભલે વાંચો, પણ વાંચનમાંથી કોઇક જ્ઞાન, સત્વ અને સંવર્ધન પ્રાપ્ત કરવું હોય તો દુનિયાભરનું સમકાલીન જ્ઞાન આપતી અને અદ્યતન કળાઓની જાણકારી આપતું સાહિત્ય વાંચવું પડશે.

ભારતની બહેનો વિદેશની બહેનોની માફક ખોટી ટીપ-ટાપ કે ફેશનમાં સતત વ્યસ્ત રહેતી નથી. એ શ્રીમંતો અને ફિલ્મોવાળાનું કામ છે. ભારતની બહેનો આજે અનેક મોરચે પુરૂષોની સમકક્ષ બની છે. અમારા એક ઓળખીતા બહેન ભારતમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી અમેરિકા ગયા અને કોમ્પ્યુટર વિષય પર ત્યાં એક પુસ્તક લખ્યું ત્યારે એ અમેરિકામાં ખાસ્સું લોકપ્રિય થયુંું. ભારતની નાની વયની પાંચ યુવતીઓ માણસોથી વધુ પેસેન્જરો ધરાવતા બોઇંગ વિમાનની મુંબઇથી અમેરિકાના લોસ એન્જેલસ સુધીની ફ્લાઇટ ઊડાવીને અર્થાત પાઇલટ કરીને લઇ જાય છે.

સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા વગેરે ભારતીય નારીઓના આદર્શ છે. આવા અનેક ઉદાહરણો છે. ભારતની અને પશ્ચિમની ઘણી મોટી કંપનીઓના સીઇઓ કે બોર્ડમાં ડિરેકટર પદ પર ભારતીય વંશની નારીઓ છે, છતાં આજે આઠમી માર્ચના રોજ, મહિલા દિવસ નિમિત્તે સિંહાવલોકન કરીએ તો ભારતની બહેનો માટે હજી ઘણું હાંસલ કરવાનું રહે છે. ખાસ કરીને નાના નગરો અને ગ્રામીણ પ્રદેશો થોડાં નાના નાના સુધારા થયા છે. જેમ કે ઘૂંઘટની પ્રથા ઓછી થઇ રહી છે અને થોડા વરસોમાં જતી રહેશે. પરંતુ સ્વયંવિકાસ, શિક્ષણ વગેરેમાં હજી એ સ્થાન નથી જે હોવું જોઇએ અને જેટલી તકો પુરૂષોને મળે એટલી મળતી નથી.

બહેનો નવી વાનગીઓ ભલે શિખે, પણ નવી ટેકનોલોજીને અગ્રતા આપવી જરૂરી છે. જમાનો બદલાઇ રહ્યો છે. ભારતીય સમાજમાં એક સકારાત્મક વિચાર પ્રવાહ શરૂ થયો છે જેમાં બહેનોને જે ક્ષેત્રમાં આગળ વધવું તે માટે માત્ર છૂટ જ નહીં, સરકાર, સમાજ અને કુટુંબો દ્વારા પ્રોત્સાહન મળે છે. જો કે હજી પરિવર્તનના સમયની શરૂઆત થઇ છે. હજી સંપૂર્ણ પરિવર્તન થયું નથી. તે માટે બહેનોએ નવા સમય સાથે જ્ઞાન-વિજ્ઞાનમાં તાલ મિલાવી મગજને સતત વિકસતું રાખવાનું છે.

ભારત પાસે હાલમાં ડેમોગ્રાફિક ડિવિડન્ડનાં વરસો છે. એટલે કે દેશની 65 ટકા વસતિ 35 વરસની નીચે છે અને એ 65 ટકામાં અરધોઅરધ બહેનો છે. ભારત માટે વિકાસની તકો ખૂબ ઊજળી છે અને હાલમાં જેઓ બાળકો છે તેઓ જુવાન બનશે ત્યારે જુનવાણી વિચારના લોકો પણ સ્વર્ગે સિધાવી ગયા હશે. સ્ત્રીઓ માટે ભવિષ્ય ઊજળું છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડની બાબતમાં હાલમાં બહેનોને એટલો લાભ મળી રહ્યો નથી. એક મોટો વર્ગ અશિક્ષિત અથવા અલ્પશિક્ષિત છે અને ખેતરોમાં કે અન્યત્ર મજૂરીના કામો કરે છે.

વરસ 2036 સુધીમાં ભારતમાં સ્ત્રીઓની વસતિ 74 કરોડથી વધુ હશે તેમ ગણિત કહે છે. બીજી તરફ દુનિયાની કુલ વાર્ષિક નિપજ (જીડીપી)માં સ્ત્રીઓનું સરેરાશ યોગદાન 18 ટકાનું છે. ભારતની બહનેનોનું ભારત અને દુનિયાની વાર્ષિક વૃધ્ધિમાં યોગદાન સરેરાશ કરતાં પણ નીચું છે. તે માટેનુંમુખ્ય કારણ એ છે કે ફોર્મલ વર્કફોર્સમાં સ્ત્રીઓનું પ્રમાણ 37 ટકાથી પણ ઓછું છે. ઘણા અભ્યાસો અને સંશોધનો કહે છે કે ભારતમાં સ્ત્રી શકિત અને સ્ત્રીઓને મળનારી તકોનો ગંભીર વેડફાટ થઇ રહ્યો છે.

વરસ 2018માં પ્રસિધ્ધ થયેલો એક અહેવાલ કહે છે કે સ્ત્રીઓ અને પુરૂષો વચ્ચેના ભેદભાવ દૂર કરી સ્ત્રીઓને સરખી માત્રામાં ભાગીદાર બનાવવામાં આવે તો 2025નું વરસ પુરૂં થતાં સુધીમાં ભારતની વાર્ષિક વૃધ્ધિ (જીડીપી)માં 770 અબજ અમેરિકન ડોલરનો વધારો થાય. જો કે આ અપેક્ષા હાલમાં વધારે પડતી છે. 2025નું વરસ તો આવી ગયું અને આજે ધારીએ તે મુજબ આવતી કાલે થઇ ન જાય. તે માટે કેટલાંક સકારાત્મક પરિબળો, તકો અને માળખાંઓનો વિકાસ કરવો પડે. આ પ્રકારનાં પરિણામો આવતા અમુક વરસો તો લાગી જ જાય.

યુવતીઓ ભણી રહી છે પણ ભણ્યા બાદ લાયક કામ મળવાનું મુશ્કેલ છે. ક્યારેક જલદીથી મળતું નથી તો ક્યારેક સાવ મળતું નથી. આંકડાઓ બતાવે છે કે વધુ અને વધુ કન્યાઓ શિક્ષણ મેળવી રહી છે. હાઇસ્કુલનો અભ્યાસ પૂરો કરી કોલેજોમાં પ્રવેશ મેળવી રહી છે. દુનિયાભરમાં નારી શકિતને આવકાર મળી રહ્યો છે. એમેઝોનની અવકાશ સંશોધન કંપની બ્લુ ઓરિજિન હવે પછી અવકાશમાં માત્ર સ્ત્રીઓના બનેલા ક્રુ અથવા કાફલાને મોકલશે.

આ ન્યુ શેફર્ડ મિશનની અગિયારમી સમાનવ ફ્લાઇટમાં ઐશા બોળ, અમાન્ડા, એનગુએન, ગેયલ કિંગ, કેટી પેરી, કેરીઅન ફલીન અને લોરેન સાંચેઝ અવકાશમાં જશે. જો કે આમાંની મોટા ભાગની અવકાશયાત્રીઓ નથી, પણ અમેરિકન સેલિબ્રિટીઓ છે. લોરેન સાંચેઝ અમેઝોન અને બ્લુ ઓરિજિનના માલિક જેફ બેઝોસની પ્રેમિકા છે. આમાંની ત્રણ સ્ત્રીઓ ખરેખર અવકાશ સંશોધનમાં પ્રવૃત છે. એક બેઝોસની માલિકીના અખબાર વોશિંગ્ટન પોસ્ટની પત્રકાર છે.

અમેરિકાએ અવકાશ સંશોધનમાં વરસોથી મહિલાઓને સાથે રાખી છે. આમાંની બે સ્વ. કલ્પના ચાવલા અને સુનિયા વિલિયમ્સનાં સગાંઓ ભારતમાં વસે છે. ટુંકમાં ભારતની બહેનો ઇચ્છે તો તેમના માટે વિશાળ આકાશ ખુલ્લું છે. પરંતુ તે અગાઉ ઘણાં કપરાં ચઢાણો ચડવાનાં છે. ભારતમાં સ્ત્રીઓની સલામતી એક મહત્વનો મુદ્દો છે. રસ્તામાં કે કાર્યાલયમાં જાતીય સતામણીના ડરથી બહેનો નોકરી ધંધા કરવાથી ડરે છે. શહેરોમાં ફરતી રીક્ષાઓ, ટેકસીઓમાં કે બસમાં તેઓને સલામતી જણાતી નથી. હમણા મહારાષ્ટ્રની એક બસમાં ક્લીનરે એક જાણી યુવતીને ઊંધે રસ્તે ચડાવી બળાત્કાર ગુજાર્યો હતો. સરકારો અને અદાલતો થવી જોઇએ એટલી ગંભીર બનતી નથી. યોજીની સરકાર તેમાં અપવાદ છે.

ભારત સરકારે 2029માં આવનારી સામાન્ય ચૂંટણીઓમાં સ્ત્રીઓને લોકસભા તેમજ વિધાનસભાઓની 33 ટકા બેઠકો પર આરક્ષણ આપતો કાયદો પસાર કરી દીધો છે. તેના થકી સ્ત્રીઓની સલામતીની બાબતમાં ઘણો ફરક પડશે. ભારતની સ્ત્રીઓ, પશ્ચિમની સ્ત્રીઓની સરખામણીમાં, પોતાનાં બાળકો અને કુટુંબ માટે વગર વળતરે ઘણો સમય આપે છે. પશ્ચિમની સ્ત્રીઓ કુટુંબ માટે પુરુષોની સરખામણીમાં ત્રણ ગણો વધુ સમય ફાળવે છે. જ્યારે ભારતમાં આ પ્રમાણ દસ ગણું છે. પરિણામે સ્ત્રીઓ ઘરની જંજાળમાંથી મુક્ત બની શકતી નથી. ઘણા કિસ્સામાં પોતાના આરોગ્ય પર પણ ધ્યાન આપી શકતી નથી. તેમાંય નોકરી કરતી સ્ત્રી ઘર પણ સંભાળે અને ઓફિસનું કામ પણ સંભાળે. અમેરિકામાં જેટલું ઊજળું એટલું દૂધ નથી. ત્યાં નોકરિયાત મહિલાને ખૂબ ઓછા સમયની મેટરનિટી લીવ મળે છે.

ભારત સરકારે પોતાના 2023-24ના ઇકોનોમિક સર્વેમાં સ્વીકાર્યું છે કે સ્ત્રીઓ કશા વળતર વગર ઘરની જવાબદારીઓ નિભાવે છે. ઘરની અને કુટુંબની કેર લેવી તેને શ્રમ અથવા કામ તરીકે સ્વીકારીને સ્ત્રી શકિતને માન્યતા આપવા બાબતમાં ભારત સરકારે મહત્વનું કદમ ભર્યું છે. છતાં ભારતમાં એવા નવરા અને દારૂડિયા પતિઓ છે જે સાંજ પડે ત્યારે બીજાના ઘરના કામો કરીને ગુજરાન ચલાવતી પત્નીઓ પાસેથી દારૂ પીવાના પૈસા માગે છે.

ન હોય કે ન આપે તો મારઝૂડ કરે. આવા પુરૂષો પચાસની ઉંમર પહેલા તો ઉપર સિધાવી જાય છે ત્યારે સ્ત્રી પરથી એક બોજો હળવો થાય છે, પણ બાળકોને ઉછેરવાની જવાબદારી ચાલુ રહે છે. ધન્ય છે તને ભારત દેશની નારી! ભારતની સ્ત્રીઓએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ, ગુજરાતી અખબારો, સાપ્તાહિકો વાંચવા જેવી પ્રગતિ કરવી હશે તો તે જાતે જ કરવી પડશે. સરકારો કે સંસ્થાઓ જેવી તેવી મદદો કરશે, પણ સુખી કરવા બીજું કોઇ નહીં આવે. કર્તવ્ય પર ભાર મૂકવો પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top