SURAT

PMના કોન્વોયની રિહર્સલમાં સાયકલ ચલાવતા બાળકને માર મારનાર PSI સામે શું થઈ કાર્યવાહી જાણો..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની શહેરની મુલાકાતને પગલે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા ચકાસવાના હેતુથી પીએમની મુલાકાતના એક દિવસ પહેલાં ગઈકાલે સુરત પોલીસ દ્વારા PMના કોન્વોયના રૂટ પર ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું.

પોલીસના આ રિહર્સલ સમયે એક 17 વર્ષીય સગીર સાઇકલ લઈને કોન્વોય રૂટમાં ઘુસી ગયો હતો. એક પોલીસ અધિકારીએ તેને વાળથી પકડીને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા વાઇરલ થતા જવાબદાર પીએસઆઇ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 17 વર્ષીય સગીર ત્રણ મહિના પહેલાં નેપાળથી સુરત આવ્યો હતો. કિશોરની માતાનું ટીબીના કારણે મોત થયું હતું. પિતાએ બીજા લગ્ન કર્યા હતાં. કિશોર ભણેલો નથી અને શહેરની કોઈ જાણકારી ન હોવાથી તે અજાણતા પોલીસે ગોઠવેલા સુરક્ષા રૂટ પર પહોંચી ગયો હતો.

સગીરના મામાએ કહ્યું કે, કાલે સાંજે 4:30 વાગ્યે તે સાઇકલ લઈને નીકળ્યો હતો. મને લાગ્યું કે ફરવા ગયો હશે અને મોડા સમય સુધી ઘરે ન આવતાં મને ચિંતા થઈ હતી. રાતે 9:30 વાગ્યે તે ઘરે આવ્યો અને રડવા માંડ્યો હતો. તે કહેતો હતો કે, મને ખબર નહોતી કે ત્યાં શું ચાલી રહ્યું હતું અને અચાનક મને પોલીસ મારવા લાગી. પછી પોલીસ સ્ટેશન લઈ ગયા અને કલાકો સુધી રોકી રાખ્યો. હમણાં જ મને છોડ્યો.

કિશોરના મામાએ કહ્યું કે એ ભણેલો નથી અને શહેરના નિયમોથી અજાણ છે. પોલીસે તેને સમજાવીને મોકલી દેવો જોઈતો હતો. પરંતુ પોલીસે તેને નિર્દયતાથી માર માર્યો છે.

આ મામલે ડીસીપી અમિતા વાનાણીએ કહ્યું કે, સોશિયલ મીડિયામાં રીલ વાઇરલ થઈ તે ધ્યાને આવી છે. આ વીડિયોની હકીકત એવી છે કે, બંદોબસ્ત રિહર્સલ દરમિયાન કોન્વોયની મૂવમેન્ટ રોડ ઉપર થઈ રહી હતી. ત્યારે એક બાળક રૂટમાં સાયકલ લઈ પ્રવેશ્યો હતો. અકસ્માતની સંભાવના ઉભી થઈ હતી. પોલીસે આવવાની ના પાડી હતી છતાં અવારનવાર કોન્વોયના રૂટમાં આવતા આ ઘટના બની હતી.

આ વાઇરલ વીડિયોમાં દેખાતા પીએસઆઇ મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે. તેમનું નામ બી. એ. ગઢવી છે અને સુરત શહેર ખાતે બંદોબસ્ત માટે આવેલા હતા. પીએસઆઈનું સગીર બાળક સાથેનું વર્તન અયોગ્ય છે અને તે બાબતે ખેદ વ્યક્ત કરવામાં આવે છે. આ પીએસઆઇ બી. એ. ગઢવીને તાત્કાલિક અસરથી કંટ્રોલરૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પગાર વધારો અટકાવી દેવાયો
સગીરને માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ PSI બી.કે. ગઢવીને મોરબી પરત મોકલી દેવાયા છે તેમજ પગારનો એક ઇજાફો એક વર્ષ માટે અટકાવી કારણદર્શક નોટિસ ફટકારાઇ છે.

Most Popular

To Top