દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર બ્રિટન અને આયર્લેન્ડની છ દિવસની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સૌપ્રથમ લંડન પહોંચ્યા, જ્યાં તેઓ બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર અને વિદેશ પ્રધાન ડેવિડ લેમીને મળ્યા હતા.
તેમણે અહીં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે વિશ્વમાં ભારતના ઉદય અને ભૂમિકા વિષયના એક ખાસ કાર્યક્રમ માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમણે કાશ્મીર, પારસ્પરિક ટેરિફ અને ટ્રમ્પની નીતિઓ જેવા મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી.
આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ્યારે વિદેશમંત્રી બિલ્ડિંગની બહાર પોતાની કાર તરફ આગળ વધ્યા ત્યારે તેઓએ ખાલિસ્તાનીઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. બિલ્ડિંગની બહાર પહેલાથી જ વિરોધ કરી રહેલા ખાલિસ્તાની સમર્થકોએ જયશંકરને જોઈને સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બિલ્ડિંગની બહાર ખાલિસ્તાની ધ્વજ લઈને ત્યાં હાજર સમર્થકો પહેલાથી જ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. જયશંકર પોતાની કાર તરફ આગળ વધ્યા કે તરત જ એક ખાલિસ્તાની પ્રદર્શનકારી દોડી આવ્યો અને તેની કારનો રસ્તો રોકી દીધો હતો. આ દરમિયાન એક ખાલિસ્તાની પ્રદર્શનકારીએ તિરંગો ફાડી નાંખ્યો હતો. સુરક્ષા કર્મચારીઓએ તે વ્યક્તિને ત્યાંથી દૂર ખસેડ્યો હતો.
જયશંકરે પીઓકે પર શું કહ્યું?
લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જયશંકરે કહ્યું કે પાકિસ્તાને ભારત પાસેથી જે ભાગ (POK) ચોરી લીધો છે તે હવે તેના પરત આવવાની રાહ જોઈ રહ્યું છે. તે ભાગ ભારતમાં જોડાતાની સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ સ્થાપિત થઈ જશે.
ખીણમાં શાંતિ માટેના સૂત્રને સમજાવતા તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની સમગ્ર પ્રક્રિયા ત્રણ તબક્કામાં અપનાવવામાં આવી હતી. આ દરમિયાન એક વ્યક્તિએ તેમને કાશ્મીરના ઉકેલ વિશે પ્રશ્ન પૂછ્યો. આનો જવાબ આપતાં વિદેશ મંત્રીએ કહ્યું કે કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવી હતી.
સૌ પ્રથમ કલમ 370 દૂર કરવામાં આવી. આ પહેલું પગલું હતું. બીજું પગલું કાશ્મીરમાં વિકાસ અને આર્થિક પ્રવૃત્તિની સાથે સામાજિક ન્યાય પુનઃસ્થાપિત કરવાનું હતું. ત્રીજું પગલું સારા મતદાન ટકાવારી સાથે મતદાન કરાવવાનું હતું. વિદેશ મંત્રીએ કહ્યું કે મને લાગે છે કે આપણે જે દિવસની રાહ જોઈ રહ્યા છીએ તે કાશ્મીરનો તે ભાગ પાછો આવશે જે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે ચોરી લેવામાં આવ્યો છે. જ્યારે આવું થશે ત્યારે હું તમને ખાતરી આપું છું કે કાશ્મીર સમસ્યાનો ઉકેલ આવી જશે.